દેશમાં અનેક એફએમસીજી પ્રોડકટનું અંદાજે ૫૦ ટકા વેચાણ અર્ધશહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. આ એફએમસીજી પ્રોડકટમાં શેમ્પૂ, નાહવા-કપડાં ધોવાના સાબુ, ડિટરજન્ટ, હેરઓઇલ, ફેરનેસ ક્રીમ સહિત એવી અનેક પ્રોડકટ છે, જે પહેલાં વર્ષો સુધી આ વિસ્તારોથી દૂર રહી છે. આ વિસ્તારોમાં ટેલિવિઝનની પહોંચ વધવા અને લોકોમાં વધારે ખર્ચ કરવાની ક્ષમતા આવવા સાથે વિવિધ એફએમસીજી પ્રોડકટનો ઉપયોગ કરવાની લાલસા વધી છે. પરિણામે આ વિસ્તારોની ખર્ચ કરવાની પ્રવૃત્તિને પણ વેગ મળ્યો છે. આ રીતની આર્થિક ગતિવિધિઓને કારણે તે ક્ષેત્રોમાં રોજગારીની તક પણ વધી. આજે આ વિસ્તારોમાં સેલ્સ કર્મચારીઓની સૌથી વધારે માગ છે. ડોમિનો જેવી ફાસ્ટ ફૂડ કંપનીએ રાંચી, ગંગટોક અને રાજસ્થાનના કોટા જેવા વિસ્તારોમાં આવતા એક વર્ષમાં ૧૨૦૦થી વધુ લોકોની ભરતી કરવાની યોજના બનાવી છે.
આવું કરવા માટે કોઈ પણ વ્યવસાયીને મેનપાવરની જરૂર હોય છે. ગ્લેકસોસ્મિથકલાઇન અને નેસ્લે જેવી હેલ્થ ડ્રિન્ક બનાવનારી કંપનીઓ પણ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં પોતાની પ્રોડકટને પ્રમોટ કરવા માટે પોતાના કર્મચારીઓની સંખ્યા બેગણી કરવા જઈ રહી છે. આ રીતે ઇમામી અને ડાબર જેવી કંપનીઓ પણ જુદી જુદી શ્રેણીઓમાં એકબીજા સાથે સ્પર્ધા કરીને પોતાની ફેરનેસ ક્રીમ અને હેર ઓઇલ જેવી બ્રાન્ડ્સને આગળ વધારવાની કોશિશમાં લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરશે. એટલું જ નહીં, એફએમસીજી સેક્ટરમાં હિંદુસ્તાન યૂનિલિવર જેવી અગ્રણી કંપની આ વિસ્તારોમાં વિકસતા બજારનો લાભ ઉઠાવવા માટે અંદાજે ૨૫,૦૦૦ લોકોની નિમણુંક કરવાનું આયોજન કરી રહી છે.
હિમાચલ પ્રદેશના નાનકડા પર્વતીય વિસ્તારથી માંડીને મધ્ય ભારતનું કોઈ અજાણ્યું ગામ પણ ધીમે ધીમે દરેક એફએમસીજી નિર્માતા કંપનીનું ધ્યાન ખેંચી રહ્યું છે. જો તમે રોજગારની શોધમાં છો તો મોટાં શહેરોમાં જવા વિશે અને મેટ્રો સિટીના ગ્રાહકોને આકર્ષવા વિશે ન વિચારો. ગ્રામીણ ભારતમાં પણ ખૂબ ગ્રાહકો છે અને તેમની પાસે પર્યા’ ખર્ચ કરવાની ક્ષમતા પણ છે. આ ઉપરાંત નિર્માતા પણ મેટ્રો શહેરને બદલે દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોકોની શોધ ચલાવી રહ્યા છે.
ફંડા એ છે કે, હવેની આંતરિક ક્રાંતિ મોટાં મોટાં શહેરોમાં નહીં, પરંતુ એ વિસ્તારોમાં હશે, જ્યાં આપણા જેવા લોકો રહે છે.