ઉંદર શું ખાય છે? તેમને શું નથી ગમતું? તમે વિચારતા હશો કે આવા સવાલોનું અહીંયા શું કામ છે. વાત એમ છે કે, મધ્ય મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલ હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બંને સવાલોના જવાબ શોધવા લાખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. આ રિસર્ચને ડેનમાર્ક સ્થિત રોબલોન નામક એક કેબલ બનાવતી કંપની અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સ્પોન્સર કરી રહ્યા છે.
આ બંને કંપનીઓ આ પ્રશ્નોના જવાબ ઇચ્છે છે, કારણ તે એવા વ્યવસાય સાથે સંકળાયેલી છે જેમાં ઇલેક્ટ્રિકલ કેબલ દ્વારા ડેટા ટ્રાન્સફર કરાય છે અને ઉંદર તેને કાતરી ખાય છે! આ અધ્યયનનો ઉદ્દેશ્ય એ વાત જાણવાનો છે કે, ઉંદરને કેબલ તરફ કઈ વસ્તુ આકર્ષે છે અને ઉંદર દ્વારા થતા લાખોના નુકસાનને કેવી રીતે અટકાવી શકાય. સંશોધનકર્તા ઉંદરોના આ વ્યવહારના ઊંડાણ સુધી જઈને એ જાણવા માગે છે કે, કેવા પ્રકારનું પડ તેમને આકર્ષે છે અને કેવું નહીં.
તેમને દૂર રાખવા માટે કેવી ગંધનો ઉપયોગ કરી શકાય અને જો કેબલ્સ પર કેટલાંક ખાસ પ્રકારનાં રસાયણો લગાવાય તો તેને કાતરતાં ઉંદરને મજા નહીં આવે. આ રિસર્ચ કેબલ બનાવતા કે કેબલ દ્વારા ડેટા ટ્રાન્સફર કરતા કોર્પોરેટ્સ માટે ખૂબ મહત્વનું છે. એન્ટિરોડેન્ટ ટેસ્ટિંગ ઓફ કેબલ વાયર્સના નામથી આ રિસર્ચનું પહેલું ચરણ ડેનમાર્કમાં આવેલ કેબલ બનાવતી કંપની રોબલોન દ્વારા કરાવાઈ રહ્યું છે. તેનું બીજું ચરણ બીએસએનએલ દ્વારા કરાવાશે. આ રિસર્ચમાં દરેક શ્રેણીના ઉંદરને પાંચ પ્રકારના કેબલ એક મહિના સુધી ચાવવા માટે અપાયા છે. દરેક કેબલનું એક અઠવાડિયા બાદ વજન કરાયું કે, આ અવધિમાં ક્યા ઉંદરે તેને કેટલો કાતર્યો, કેબલના દરેક ટુકડાને જેટલું નુકસાન પહોંચ્યું હતું, તેની પણ સાવધાનીપૂર્વક નોંધ કરાઈ. રોબલોન માત્ર એક કેબલ બનાવતી કંપની છે. તે કેબલને થતા નુકસાન બાબતે રસ દાખવીને સમસ્યાનું સમાધાન શોધી રહી છે.
ફંડા એ છે કે, સ્થાયી વ્યવસાય માટે માત્ર પ્રોડકટ વેચવાને બદલે તેની સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન પણ રજુ કરવું જોઈએ. તેનાથી તમારો નફો વધશે. કોઈ પ્રોડકટ ભલે ગમે તેટલી સારી ગુણવત્તાની હોય પરંતુ જો તે ગ્રાહકોની સમસ્યાનું સમાધાન નહીં કરતી હોય તો તે બજારમાં વધારે નહીં ટકી શકે.