શ્રી રામને તેમના પિતા દ્વારા ૧૪ વર્ષનો વનવાસ આપવામાં આવ્યો હતો, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કરી લીધો હતો. તેમની સાથે લક્ષ્મણ અને સીતા પણ વનમાં ગયાં હતાં. ચૌદ વર્ષની શરૂઆતમાં જ રાવણે પોતાની બહેન શૂર્પણખાના અપમાનનો બદલો લેવા માટે સીતાનું હરણ કર્યું હતું. રામ અને લક્ષ્મણ એક દિવસ સીતાને શોધતાં શોધતાં એક તળાવના કિનારે આવ્યા. રામે લક્ષ્મણને ત્યાં જ રોકાવાનું કહ્યું અને પાણી પીવા માટે કિનાર તરફ વધ્યા.
તેમણે ધનુષને ઉતારીને નીચે મૂક્યું અને બાણને જમીનમાં ખોસી દીધાં. જ્યારે રામ પાણી પીને પાછા આવ્યા અને પોતાનાં બાણ પાછાં ખેંચ્યા તો એક બાણની ટોચ પર લોહી દેખાયું. તેમણે જમીન તરફ જોયું તો એક દેડકો તેમના બાણથી ઘાયલ થઈને જમીન પર પડ્યો હતો. રામે દેડકાને બહાર કાઢ્યો અને કહ્યું કે તેં મને બૂમ કેમ ન મારી? જો તેં દર્દના કારણે ચીસ પાડી હોત તો આ પાપ મારા માથે ન આવતું. દેડકો બોલ્યા, પ્રભુ જ્યારે પણ મારા પર કોઈ આપત્તિ આવી છે મેં તમારું જ સ્મરણ કર્યું અને તમે મારું રક્ષણ કર્યું છે.
તમે જ તો આ જગતમાં સર્વોપરી છો. રામે દુ:ખી થઈને કહ્યું કે તો આ વખતે તેં કેમ મને યાદ ન કર્યો? દેડકો બોલ્યો, આ વખતે જ્યારે મારા રામ, મારા રક્ષક જ સ્વયં મને મારી રહ્યા હતા તો મારાથી કઈ એવી ઉપરી સત્તા છે જેને હું યાદ કરતો? આટલું કહીને દેડકાએ પ્રાણ છોડી દીધા અને જીવનથી મુકત થઈ ગયો. અખંડ ભક્તિ અતૂટ વિશ્વાસને જન્મ આપે છે અને આ જ વિશ્વાસ સૌથી મોટું જીવનબળ બની જાય છે. તેને પ્રાપ્ત કર્યા પછી ભકત દરેક અવસ્થાઓમાં પ્રસન્ન જ રહે છે.