જમીન, ક્યાં છે જમીન, એમ જરી વાગ્મિતાભેર પણ વાસ્તવદર્શન સહ અહીં વખતોવખત પૂછવાનું બન્યું છે : ગોચરોને અગોચર બનાવી મેલતી કે ઉત્પાદક જમીનને ઉદ્યોગોનો કોળિયો બનાવતી કથિત ‘વિકાસ’-નીતિ સબબ આ સવાલનું લોજિક પણ છે. પણ, આજે સોમવારે (સુભાષ જયંતીએ)- અને રાજ્યસ્તરની પ્રજાસત્તાક ઉજવણીના વિશેષ ભાગરૂપે બોટાદમાં મેઘાણીની અર્ધપ્રતિમાનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે-
‘જમીન’નો પ્રશ્ન એક જુદા સંદર્ભમાં ચર્ચવો છે : શુક્રવારે ગોધરામાં નમોનું સદભાવના મિશન મળ્યું તો શનિવારે કાગવડ ખાતે લેઉવા પટેલોએ ખોડલ ધામ નિમિત્તે વિક્રમી જમાવટ કરી. બંને મિલનો, એમના અન્ય હેતુઓ જે પણ હોય, એમની અનન્ય ચાલના તો ગયેલી અગર જઈ શકતી રાજકીય જમીનના સંપાદન, સંગોપન, સંવર્ધનની છે.
નમોનું રાજકારણ બેલાશક જગજાહેર છે, અને ચૂંટણી વર્ષે તેની તાકીદ પણ સાફ છે. જોકે સદભાવના અનશનની પૂંઠે અપેક્ષિત આત્મનિરીક્ષણ અગર તપસ્ય ભાવનું ટાંચું પડેલું છે, પણ એ એટલી ઉઘાડી વાત છે- અને ભોગજોગે ‘જીવદયા’ જેવીયે કોઈ ચીજ છે એ હિસાબે- હાલ એમાં ન જઈએ. માત્ર, એક એટલું નોંધી લઈએ કે આ રાજ્યમાં કાયદાનું શાસન સહજપણે નહીં પણ અદાલતી અને અન્ય દરમિયાનગીરી પછી જ શક્ય બને છે. ગોધરાના સદભાવના જશન વેળાએ પ્રભારી મંત્રી ફકીરભાઈ વાઘેલાએ વિવેકાનંદ અને મુખ્યમંત્રીની સરખામણી કરીને જે પણ સિદ્ધ કરવા ધાર્યું હોય- હરેન પંડ્યા, અમિત શાહ અને ગોરધન ઝડફિયા એ ત્રણે પૂર્વ ગૃહરાજ્ય મંત્રીઓની દાસ્તાન અલગ અલગ છેડેથી અહીં શાસનને મોરચે પ્રવર્તતા ઘોર અવિવેકના પુરાવારૂપ છે.
ગમે તેમ પણ, આપણે વાત રાજકીય જમીનખોજની કરતા હતા. ગુજરાત બહાર ૨૦૦૨ના વણછાથી મુકત પ્રતિમા જ પોતાને સ્વીકાર્ય બનાવી શકે, એ મુખ્યમંત્રીની અનિવાર્યતા છે. રાજ્યમાં પણ પોતે કોઈ સમુદાયવિશેષને વિશે બાકાત-ભાવ દર્શાવતા નથી એવી પ્રતિમા એમણે બનાવવી રહે છે. સુભાષ, વિવેકાનંદ, મેઘાણી સૌને તે જેટલા પણ વાપરે, આ સૌની કસોટીએ એમનો સદભાવના ખેલ ખાલી ખાલી ખખડે છે. છેલ્લાં વર્ષોમાં ગુજરાત ભાજપની જે પણ રાજકીય જમીન બની એનું રહસ્ય ‘સામાજિક ઇજનેરી’ પૂર્વકના મંડલમંદિર સંયોજનમાં પડેલું છે.
દિલ્હીનીમ્યા દંડનાયક લેખે ગુજરાતમાં આવવાનું થયું ત્યારે ‘ધણીની જાતિદેખરેખ હેઠળ’ પ્રસારિત થયેલા બાયોડેટામાં ખાસ લેવાયેલી કાળજીઓ પૈકી એક પોતાની ઓબીસી ઓળખને અધોરેખિત કરવાની હતી તે અહીં સાંભરે છે. ચીમનભાઈ-કેશુભાઈનો કાળ પટેલ સમુદાયને સારુ પોતાના રાજકીય પ્રભાવની મનોવૈજ્ઞાનિક છાપનો હતો. કેશુભાઈના કાળમાં હિંદુ અને પટેલ (વત્તા અન્ય ઉજિળયાત) ઓળખ સમીકૃત બની અને મોદીના કાળમાં હિંદુ અને ઓબીસી ઓળખ સમીકૃત બની એવા જાડા અવલોકનને અવકાશ છે. આ બંને સમીકરણોમાં ધ અધર ઉર્ફે મુસ્લિમદ્વેષનો હિસ્સો બાકી સૌને ‘ગોળબંદ’ કરવામાં ખાસ્સો રહ્યો છે.
કાગવડના ખોડલધામ મિલને ગિનેસ બુકમાં વિશ્વવિક્રમી પ્રવેશ મેળવ્યો છે અને લેઉવા પટેલોની હાજરીની તમારે ખસૂસ નોંધ લેવી પડે એવું ચિત્ર ઉપસાવ્યું છે. કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલ અને ભાજપના ફળદુ બંનેએ એમાં મોટાં દાન આપી પટેલોની સામાજિક-ધાર્મિક એકતામાં રહેલ શક્તિપ્રદર્શનનું એક રીતે સમર્થન પણ કર્યું છે. પણ મુખ્યમંત્રીને વિવેક પૂરતુંયે નિમંત્રણ ન આપીને તેમજ કેશુભાઈને સવિશેષ સ્થાન આપીને યોજકોએ એક રાજકીય સંદેશ અભાન કે સભાન પણ જરૂર આપ્યો છે કે પટેલો રાજકારણમાં સાઇડટ્રેક થવા માગતા નથી. કેશુભાઈનું ભાષણ પણ, સીધો કોઈ રાજકીય ઉલ્લેખ નહીં છતાં, પટેલોને ‘અન્યાય’ થયો છે અને ‘પરિવર્તન’ જોઈએ છે એવી તરજ પર હતું એ સૂચક છે.
૨૦૦૨માં શાસનને સ્થાને નિ:શાસન અને દુ:શાસનનો પરચો આપનારાં પરિબળોને વિશે પરિવર્તનની માગણીનું લોજિક બેલાશક છે. પણ આ ચર્ચાને કેવળ વ્યક્તિલક્ષી કે કેવળ પક્ષલક્ષી ધોરણોમાં સીમિત નહીં રાખતાં વિવેક બૃહસ્પતિ અને ઊર્વિસાર ગુજરાતને શોભીતી રીતે વ્યાપક રાજ્યશાસ્ત્રીય અને સમાજશાસ્ત્રીય પરિમાણોમાં વિચારવું જરૂરી છે. પટેલનો ‘પ’ અને ક્ષત્રિયોનો ‘ક્ષ’ એટલ ‘પક્ષ’ એ ભાઈકાકાની દેખીતી રામબાણ ફોર્મ્યુલા પોતાને ઠેકાણે ઠીક જ હતી.
માત્ર, આવી નાતજાતગત ઓળખો વ્યાપક સમાજમાં પોતાનાં સ્થાનમાન અંકે કરે ત્યાં વાત પતતી નથી. સ્થાનમાન અંકે કરતે કરતે (અને કરતે છતે) તે છેવટ જતાં ખરી ને પૂરી નાગરિક ઓળખમાં ઠરવા કરે એ જરૂરી છે. ૧૯૭૫નો જનતા મોરચા પ્રયોગ- એની સઘળી મર્યાદાઓમાં- સ્વરાજની કોંગ્રેસ ભણીનો દુરસ્તી પ્રયોગ હતો. આ પ્રયોગથી જેને ખમવું પડ્યું એ ઇન્દિરા કોંગ્રેસ અને જે લાભ્યો તે જનસંઘ (ભાજપ) બેઉ ધોરણસરના પાઠ લે અને સ્વરાજતાંતણો આગળ ચાલે એ એમના સહિત સૌના હિતમાં હશે... બાકી, એમને શું સુભાષ અને વિવેકાનંદ, શું મેઘાણી.
બે સંમેલનો....
ભાઈ, તમારી સૌ સૌની રાજકીય જમીનની તલાશમાં બચાડા નાગરિકના પગ તળેથી જમીન સરક્તી જાય છે તેનું શું...
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.