મુસ્લિમોને લોભાવવા ૪.૫ ટકાની જે અનામત ૨૭ ટકાની અન્ય પછાતોની અનામતમાંથી આપવામાં આવી છે તેથી પછાતોમાં ભારે અસંતોષ જાગ્યો છે અને પરિણામે કોંગ્રેસને નુકસાન થવાનો સંભવ છે.
મુસ્લિમોને લઘુમતીનું છોગું ફગાવી દઈ ભારતવાસી તરીકે પોતાની પહેચાન ઊભી કરવાની જે શાણી સલાહ રાજસભાના ઉપાધ્યક્ષ રહેમાન આપી રહ્યા છે તે આપણી બિનસાંપ્રદાયિક રાજ્યવ્યવસ્થા તથા ખુદ મુસ્લિમ સમાજના વ્યાપક હિતમાં છે. સ્વતંત્રતા પછીના છ દાયકાઓ પછી પણ મુસ્લિમો ભારતના નાગરિક નહીં પરંતુ જાણે કે એક રક્ષિત લઘુમતી બની રહે તેવા વ્યવસ્થિત પ્રયાસો થતા રહ્યા છે. વાસ્તવમાં ‘ભાગલા પાડો અને રાજ કરો...’ની કૂટનીતિના ભાગરૂપ અંગ્રેજો દેશની હિંદુ બહુમતીનો ડર મુસ્લિમ લઘુમતી સામે ઊભો કરી વિખવાદના જે બી વાવતા ગયા છે તે ૧૯૪૭ના વિભાજન પછી નવા સ્વરૂપે ચાલુ રહ્યા છે. ૧૯૪૭ સુધી એટલે કે પાકિસ્તાનની સ્થાપના સુધી મુસ્લિમ લીગ અને તેમના નેતા મહંમદ અલી ઝીણા અવભક્તિ હિન્દુસ્તાનની મુસ્લિમ લઘુમતીના એક માત્ર હિતચિંતક હોવાનો દાવો કરતા રહ્યા હતા પરંતુ વિભાજન પછી અને સમગ્ર મુસ્લિમ લીગની નેતાગીરી પાકિસ્તાન ભેગી થઈ જતાં રાજકીય રીતે સાવ અનાથ થઈ ગયેલા ભારતના મુસ્લિમોને અત્યાર સુધી જે કોંગ્રેસનો તેઓ વિરોધ કરતા હતા તેનો આશરો લેવો પડ્યો.
આ નવી પરિસ્થિતિ પછી મુસ્લિમોને રાષ્ટ્રીય મહાપ્રવાહમાં સંમિલિત કરવાને બદલે તેમને એક ભરોસાપાત્ર વોટબેન્ક તરીકે જાળવી રાખવાનો પ્રયાસ કોંગ્રેસ સહિત અન્ય કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષો દ્વારા ચાલતો રહ્યો. આ જ પ્રક્રિયાના ભાગ રૂપ મુસ્લિમ સમાજની પ્રગતિશીલ અને ઉદારમતવાદી નેતાગીરીને બાજુએ રાખી મૌલાનાઓ તથા મૌલવીઓને હાથમાં રાખી ચૂંટણી સમયે મુસ્લિમ મતો પ્રાપ્ત કરતા રહેવાના જે પ્રયાસો અત્યાર સુધી ચાલતા રહ્યા છે તેણે બિનસાંપ્રદાયિક વ્યવસ્થાને નબળી પાડી છે અને વધારામાં ૧૯૪૭ સુધી જે હિંદુ સાંપ્રદાયિકવાદ સાવ દબાયેલો રહ્યો હતો તે નવા સ્વરૂપે બહાર આવવા લાગ્યો છે. ૧૯૮૦ના દાયકામાં એક મુસ્લિમ પીડિત મહિલા શાહબાનુના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા પ્રગતિશીલ ચુકાદા સામે કટ્ટરપંથી મુલ્લા-મૌલવીઓના વિરોધ સામે રાજીવ ગાંધીની સરકાર ઝૂકી ગઈ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને રાજી રાખવા આરફિ મહંમદખાન જેવા પ્રગતિશીલ આગેવાનનો ભોગ લેવાતા અંતે તો કોંગ્રેસ પક્ષને જ ૧૯૮૯ની ચૂંટણીમાં ભારે નુકસાન થયું હતું.
આમ છતાં વોટબેન્કની લાલચ રાજકારણમાંથી કોંગ્રેસ સહિત અન્ય કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષો મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. ઉત્તરપ્રદેશમાં લગભગ ૧૮ ટકા મુસ્લિમ વોટો કોઈ પણ રાજકીય પક્ષ માટે સત્તાપ્રાપ્તિ માટે મહત્વના છે. આ રાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેના ૭૨ કલાકો પહેલાં મુસ્લિમોને માટે ૪.૫ ટકાની અનામતની ઘોષણા થઈ. આટલેથી નહીં અટકતા કોંગ્રેસના આગેવાન તથા કેન્દ્રના કાયદા પ્રધાન સલમાન ખુરશીદે સત્તા મળશે તો નવ ટકાની અનામતની લોભામણી ખાતરી મુસ્લિમોને આપી. તો મુલાયમસિંહે તો ૧૮ ટકાનું વચન આપી દીધું.
મુસ્લિમ મતોને રઝિવવા વરસતી રહેલી વચનોની વર્ષા વચ્ચે એવા પણ અણસારો આવવા લાગ્યા છે કે ’૮૦ના દાયકામાં શાહબાનુ કિસ્સાને અંતે જે થયું તેનું પુનવરાર્તન ૪.૫ ટકાની મુસ્લિમ અનામતના કિસ્સામાં થવાનો સંભવ છે. મુસ્લિમોને લોભાવવા ૪.૫ ટકાની જે અનામત ૨૭ ટકાની અન્ય પછાતોની અનામતમાંથી આપવામાં આવી છે તેથી પછાતોમાં ભારે અસંતોષ જાગ્યો છે અને પરિણામે કોંગ્રેસને નુકસાન થવાનો સંભવ છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીનું જે કાંઈ પરિણામ આવે પરંતુ બહુ મોડું થાય તે પહેલાં ભારતના મુસ્લિમોએ સ્વસ્થ મને નવા નિર્ણયો કરી લેવા પડશે.
૧૯૪૭થી તે કોંગ્રેસ સહિત અન્ય કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષોની ભરોસાપાત્ર વોટબેન્ક ચાલુ રહી છે. ૧૯૪૭ સુધી અંગ્રેજોએ મહાત્મા ગાંધી તથા પંડિત નેહરુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સામે ભય બતાવી તેમને રક્ષિત લઘુમતી તરીકે રાખી રાષ્ટ્રીય પ્રવાહથી અલગ રાખ્યા. ૧૯૪૭ પછી આવો જ ભય મુસ્લિમોને ભાજપ સામે બતાવવામાં આવે છે પરંતુ હવે સમગ્ર દેશમાં કોઈ એક પક્ષ શાસન કરી શકે તેમ નથી. ગુજરાત સહિત સંખ્યાબંધ રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યારે મુસ્લિમો માટે કોઈ એક પક્ષની વોટબેન્ક બની રહેવામાં રાજકીય શાણપણ છે ખરું? રક્ષિત લઘુમતી મટી તથા કેવળ ભારતીય નાગરિક જ બની રહેતા મુસ્લિમ સમાજની સમસ્યાનો ઉકેલ શક્ય બનશે! વોટબેન્કની રાજનીતિમાંથી છુટકારો ખુદ મુસ્લિમોએ લેવો રહ્યો!