આધારકાર્ડ અને રાષ્ટ્રીય વસ્તીગણતરીની નોંધ કરવાનું એક જ કામ બે અલગ અલગ એજન્સીઓ કરી રહી છે, જેના કારણે બમણો ખર્ચ થઈ રહ્યો છે, તેવી ફરિયાદ ઘણા સમયથી આવી રહી છે.
આધારકાર્ડથી ભારતીય નાગરિકોને એક અનન્ય ઓળખપત્ર આપવાની યોજના પર માત્ર સિવિલ સોસાયટીનો એક ભાગ જ નહીં પણ નાણા મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિ તરફથી પણ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર ભારતના આરજીઆઈ કાર્યાલયની દેખરેખમાં તૈયાર થઈ રહ્યું છે, જ્યારે આધારકાર્ડ માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(યુઆઈડીએઆઈ)ને આપવામાં આવ્યું છે.
બાયોમેટ્રિક બ્યોરે (ડેટા)ના આધારે ભારતીયોનું ઓળખપત્ર તૈયાર કરવામાં આ બંનેની શું ભૂમિકા રહેશે તે બાબતે સરકારમાં પણ ઉચ્ચ સ્તરે ભ્રમ ઊભો થયો છે જે હવે ગૃહમંત્રી પી. ચિદમ્બરમને પત્ર લખીને જણાવવામાં આવતા ખુલ્લી પડી ગઈ છે. આધાર એક મહત્વાકાંક્ષી યોજના છે, જેના અંતર્ગત ૨૦૧૩ના મધ્ય સુધીમાં નાગરિકોને ઓળખકાર્ડ આપી દેવાનું લક્ષ્ય છે.
આ યોજનાની વિટંબણા એ છે કે આ યોજનના આધારે કામ શરૂ કરી દેવાયું ત્યારે પછી તેની સંભાવનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો, ત્યાર પછી તેના બજેટ વિશે નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર પછી તેને બંધારણીય આધાર આપવાની વાત વિચારાઈ જે આજે પણ વિચારના સ્તરે જ છે. જો આ ક્રમ સીધો હોત તો આવી કોઈ ભ્રામક સ્થિતિ સર્જાઈ ન હોત. ક્યાંક એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે ગૃહમંત્રાલય આધારની યોજનામાં વિઘ્ન ઊભું કરી રહ્યું છે.
જો આ યોજનાને સફળ બનાવવી હશે તો આ સ્થિતિઓને દૂર કરવી જ પડશે. ગૃહમંત્રીએ પ્રધાનમંત્રીને આ બાબતમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેઓ ઇચ્છે છે કે આ મુદ્દો કેબિનેટની સામે આવે. તેનો તરત જ નિકાલ લાવવો જેથી પ્રજાના ધનનો ખોટો વ્યય ન થાય. કામ આટલું આગળ વધી ગયા પછી તેના વિશે વિવાદ ઊભા થવા તે વર્તમાન સરકારની કાર્યશૈલી પર એક પ્રશ્ન ઊભો કરે છે.