પાંચ ગણા પગારવધારા પછી સાંસદો ભ્રષ્ટાચાર નહીં આચરે?
દલા તરવાડી તો બિચારા બહુ નાના પડે. આ તો ખાપરા કોડિયાની આધુનિક આવૃત્તિ જેવા છે. સંસદમાં રુંબાડા લઇને તેમણે ગોંધળ મચાવ્યું અને, ત્રણ દિવસમાં બીજો પગારવધારો લઇને જ જપ્યા સાંસદો. ૫૦ હજાર સુધીનો બેઝિક પગાર મંજુર નહોતો એટલે તેમણે સોમવારે દર મહિને દસ હજાર રૂપિયાના ભથ્થાં કેબિનેટને દબાવીને વધારાવી લીધાં. અત્યાર સુધી એવું થતું હતું કે, સાંસદો પોતાના પગારમાં થોડો વધારો છુપકે છુપકે કરી લેતા હતા. પણ, આ વખતે પાંચ ગણો પગાર વધારવો હતો એટલે છુપાઇને કૂલડીમાં ગોળ ભાંગવાને બદલે તેઓ જાહેરમાં ઉઘાડા થઇ ગયા.
પગાર વધારો માગનાર સાંસદોએ બે દલીલ કરી હતી. પહેલી એ કે અમેરિકા કે યુરોપના દેશોના સાંસદો કરતાં તેમને બહુ ઓછો પગાર મળે છે. બીજી દલીલ વળી તેમના અહમ્ની હતી. સચિવનો પગાર ૮૦ હજાર રૂપિયા પ્રતિમાસ હોય એટલે તેના કરતાં એક રૂપિયો વધુ મળવો જોઇએ. બન્ને દલીલ ખોખલી છે પણ, ભારતમાં તે ચાલી ગઇ.
વિશ્વના વિકસિત દેશોની કુલ માથાદીઠ આવકના પ્રમાણમાં સાંસદોના પગારને ધ્યાનમાં લઇએ તો ઇંગ્લેન્ડના સાંસદોને દેશની પર કેપિટા જીડીપી કરતાં નવ ગણો પગાર મળે છે, અમેરિકન સાંસદોને ૩૫ ગણો, ફ્રાન્સના સાંસદોને આઠ ગણો, જાપાનના સાંસદોને છ ગણો, સિંગાપોરના સાંસદોને ચાર ગણો, ઇટાલીના સાંસદોને સાત ગણો, આપણા પાડોશી પાકિસ્તાનના સાંસદોને ૧૭ ગણો અને મેરા ભારત મહાનના સાંસદોને મળશે ૧૦૪ ગણો પગાર. રહી સચિવોના પગારની વાત.
સચિવો સરકારના નોકર છે, સાંસદો પ્રજાના સેવક છે. તેમની સાથે સરખામણી કરવી યોગ્ય નથી. સાંસદો માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરવામાં આવે તો કેટલા પાસ થાય? લાયકાત પ્રમાણે પગાર માગવાનો શિરસ્તો સાંસદો ભૂલ્યા છે. હવે, પગારમાં પાંચ ગણો વધારો થયા પછી સાંસદોની મહેનત પાંચ ગણી વધી જશે ખરી? ધૂળ ને ઢેફાં. પેરેસાઇટ જેવી આ પ્રજાતિનું પેટ ક્યારેય ભરાયું નથી અને ભરાવાનું પણ નથી. પોતાના પગાર માટે આટલી મમત રાખનાર સાંસદો નાગરિકોની શી ખેવના રાખવાના હતા? તેમણે પોતાના તરભાણાં નહીં, તગારાં ભરી લીધાં, હરખ હવે તું હિન્દુસ્તાન.