સ્વાતંત્ર્યદિને લાલકિલ્લેથી વડાપ્રધાને કરેલી અપીલ માત્રથી કામ નહીં ચાલે
વડાપ્રધાન મનમોહનસિંહે ૬૪મા સ્વાતંત્ર્યદિને નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યા બાદ કરેલા સંબોધનમાં અનેક ડાહી ડાહી વાતો કરવાની સાથે નકસલવાદીઓ અને કાશ્મીરના અલગતાવાદીઓ સાથે મંત્રણાની સુફિયાણી ચલાવી. આ હિંસક જુથોને ભાંગફોડનો માર્ગ છોડીને રૂબરૂ ચર્ચા વડે સમસ્યા ઉકેલવાની સલાહ આપી. કાશ્મીરી અલગતાવાદી જુથોનો સ્પષ્ટ ઈરાદો શ્રીનગરમાં સ્વાતંત્ર્યદિને જ ઉઘાડે છોગ જ બહાર આવ્યો છે.
કોંગ્રેસના ટેકાવાળી ત્યાંની નેશનલ કોન્ફરન્સની સરકારના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ત્રિરંગો લહેરાવ્યા બાદ સલામી લેતા હતા ત્યારે જ કાશ્મીર પોલીસના એક સબ ઇન્સપેક્ટરે તેમના પર જુતું ફેંકર્યું. આ ‘જુતાફેંક’ પુરાવો છે કે ત્યાંના વહીવટી તંત્રમાં પણ અલગતાવાદની ઊધઈ કેટલી ફેલાઈ ચૂકેલી છે. સ્થિતિ ઉમરની કાબૂ બહાર છે. તેઓ હવે રાજીનામું આપે તો ય કંઈ ફરક પડવાનો નથી.પ્રજામાં પાકપરસ્તી પુરબહારમાં છે.
હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ ૧૫મી ઓગસ્ટનો બહિષ્કાર કરાવે છે છતાં કંઈ જ ન કરી શકતી સરકાર પાસે આવાં જુતાં ખાધા સિવાય હવે જાણે બીજું કંઈ બચ્યું જ નથી. ઉમર અબ્દુલ્લા પર ફેંકાયેલું જુતું ભારતની આન-શાન પર ફેંકાયેલું છે. કાશ્મીર હવે હાથથી ખૂબ સરકી ગયાનો આ પુરાવો છે. હવે આ અલગતાવાદીઓનાં જુતાં જ ખાવા પડવાનાં છે.
નકસલવાદે તો આંતરિક સલામતીની ઘોર ખોદી નાખી છે. આઈએસઆઈ અને અન્ડરવર્લ્ડ સાથે સાઠગાંઠ બહાર આવતાં નકસલવાદનો ખરો ચહેરો ઉઘાડો પડ્યો છે. તેમને દેશદ્રોહીની કેટેગરીમાં જ મૂકવા રહ્યા.છતાં યુપીએ સરકારનાં રેલવેમંત્રી પ.બંગાળની ચૂંટણી જીતવાના છેતરામણા લોભમાં નકસલવાદીઓને છાવરે છે.
વડાપ્રધાન કે કેન્દ્ર સરકારથી પણ તેની સામે કંઈ બોલી શકાતું નથી. માઓવાદ બ્રાન્ડ નકસલવાદ શરૂ થયેલો ત્યારે એની પછવાડે માત્ર આર્થિક કારણો હતાં, હવે નથી. રાજકારણે ઘણું ડહોળી નાખ્યું છે. નકસલવાદ અને કાશ્મીરના મામલે આ હાલત હોય ત્યારે વડાપ્રધાન જે કરે છે એ વાટાઘાટોનો શો અર્થ સરશે?
પહેલાં તો કિલિંગ ટચ આપવાની જરૂર છે. અધમૂઆ કર્યા પછી જ વાટાઘાટોનો હિલિંગ ટચ કામ લાગશે.પરંતુ એક વાર આ કિલિંગ ટચ આપવાની હિંમત કરવી પડશે. લાલ કિલ્લેથી માત્ર લલકાર કર્યાથી નહીં ચાલે.શ્રીનગરની ગલીઓ અને દંતેવાડાનાં જંગલોમાં ધડબડાટી બોલાવવી પડશે. છે હિંમત?