થોડા વર્ષો પહેલાં અમેરિકામાં એક પુસ્તકનું ધૂમ વેચાણ થઈ રહ્યું હતું, જેનું મથાળું હતું, ‘ફ્રેન્ચ વુમન ડોન્ટ ગેટ ફેટ’. તાજેતરમાં જ મારી અમેરિકાની યાત્રા દરમિયાન મેં જોયું કે અમેરિકનોનું ધ્યાન હવે સુસંસ્કારી ફ્રેન્ચ બાળકો તરફ ગયું છે અને ત્યાં ‘ફ્રેન્ચ ચિલ્ડ્રન ડોન્ટ થ્રો ફૂડ’ પુસ્તક ધડાધડ વેચાઈ રહ્યું છે.
જો તમે ફ્રેન્ચ લોકોની સરખામણીએ અમેરિકા અને એશિયાનો કેવી રીતે પોતાનાં બાળકોનો ઉછેર કરે છે એ બાબતે ધ્યાન આપશો તો તમને તેના વચ્ચેનું અતર સમજાશે. (એશિયાના લોકો અમેરિકનોની એમ વિચારીને નકલ કરતા હોય છે કે તેઓ જે કરે છે, એ જ દુનિયાની ફેશન હોય છે.) અમેરિકનો તથા એશિયનોનાં ફ્લેટ બાળકોનાં રમકડાંથી ભરેલાં હોય છે, જેને બાળકો આખા ઘરમાં ઠેર-ઠેર નાખતા રહે છે. જો તમે ફ્રેન્ચ લોકોનાં ઘરમાં જોશો તો રમકડાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય છે.
અમેરિકનો અને એશિયાના લોકોને પોતાનાં બાળકોને રેસ્ટોરન્ટમાં સંભાળવામાં મુશ્કેલી નડતી હોય છે, જ્યારે ફ્રેન્ચ વાલીઓ શાંતિથી પોતાનાં મિત્રો સાથે ગપ્પા મારતા રહે છે અને તેમનાં બાળકો પોતાની ખુરશીમાં ચૂપચાપ બેસીને પોતાનું ખાવાનું ખાતા રહેતા હોય છે. અમેરિકા અને એશિયાના લોકો મેદાન કે મોલમાં પણ બાળકોની પાછળ-પાછળ ફરતા રહે છે, જ્યારે ફ્રેન્ચ માતાઓ બગીચામાં બેન્ચ પર જઈને બેસી જાય છે અને બાળકો પોતાની જાતે રમતા રહે છે.
ફ્રેન્ચ વાલીઓનું માનવું છે કે બાળકો જ્યારે નિષ્ફળ જાય છે, પડી જાય છે ત્યારે તેમાંથી ઘણું બધું શીખતા હોય છે. બાળકોના સ્કૂલના પ્રારંભિક દિવસોમાં ભારતીય વાલીઓ અને તેમના શિક્ષકો નિષ્ફળતાથી તણાવમાં આવી જતા હોય છે અને સફળતા મળે તો વખાણના બે શબ્દો પણ બોલતા નથી. ફ્રાન્સમાં બાળકો સાથે આવી ઘટના ઓછી થાય છે. અમેરિકા અને ભારતની સરખામણીએ ફ્રાન્સમાં બાળકો દ્વારા આત્મહત્યા કરવાનો એક પણ કિસ્સો સાંભળવા મળતો નથી.
ફંડા એ છે કે, મોટાભાગના આધુનિક સમાજ તમને સુંદર ફેશન અંગે તો જણાવી શકે છે, પરંતુ જીવન સારી રીતે કેમ જીવવું અને પોતાનાં બાળકોનો કેવી રીતે શ્રેષ્ઠ ઉછેર કરવો એ શીખવાડતા નથી.