ઓપરેશન હાનબિલ એક જર્મન સૈન્ય અભિયાન હતું, જે ૧૯૪૫માં જાન્યુઆરીના મધ્યથી મે મહિના સુધી લાલ સેનાની વધતી સંખ્યા જોઈને કોર્ટલેન્ડ, પૂર્વ પ્રશિયા અને પોલિશ કોરિડોરથી જર્મન સેના અને નાગરિકોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવ્યું હતું.
જાન્યુઆરી ૧૯૪૫ની શરૂઆતમાં ગ્રાન્ડ એમિરલ કાર્લ ડોનિટ્જે જર્મનીની હારનો સંકેત આપ્યો હતો, તેથી તેમણે પોતાના જર્મન સૈનિકો અને નાગરિકોને બચાવવાના ઇરાદાથી બાલ્ટિકના નેવલ હાઈ કમાન્ડર જનરલ એડમિરલ ઓસ્કર કુમેટ્જ અને ક્રગિમેરીંસના રિયર એડમિરલ કોનાર્ડ એજેલહાર્ડને એક ‘નિકાસી અભિયાન’ ચલાવવા આદેશ આપ્યો હતો. આ ક્રમમાં ડોનિટ્જે ૨૩ જાન્યુઆરીએ જર્મનીના તાબા હેઠળના પોલેન્ડના ગિડનિયા બંદરે આવેલા પોતાના નૌકા કાફલાને પશ્ચિમ તરફ મોકલવાનો ગુપ્ત સંદેશ મોકલ્યો, જેને તેઓ ‘હાનબિલ’ના નામે ઓળખે છે.
લગભગ ૧૫ અઠવાડિયા સુધી ચાલેલા આ અભિયાનમાં માછલી પકડવાની નૌકાઓ સહિત લગભગ ૧૦૦૦ વ્યાપારી નૌકાઓ અને જંગમાં વધેલા જહાજોના ઉપયોગથી બાલ્ટિક સાગરીય ક્ષેત્ર મારફત આઠથી નવ લાખ જેટલા શરણાર્થીઓ અને સાડા ત્રણ લાખ જેટલા સૈનિકોને જર્મનીના તાબા હેઠળના ડેનમાર્ક સુધી પહોંચાડવામાં આવ્યા. આ આધુનિક સમયમાં ચલાવવામાં આવેલું સૌથી મોટું બચાવ અભિયાન હતું.