સોનાના ભાવ વધતા જતા હતા. લાખો રૂપિયાની લગડીઓને કેદ રાખનારા શ્રીમંતે પોતાના કિલ્લા જેવા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેની સાથે એક મહોરું ભટકતું હતું. નોકરોનું નહીં ચિંતાઓનું! કસાઈખાના ઉપરનાં અસંખ્ય ગીધડાંની માફક હંમેશા ચિંતાઓ તેના ઉપર ઊડ્યા કરતી હતી. એક બગીચાના ગેટ પાસે તે ઊભો હતો ત્યાં વહી જતા પાણી સાથે એ શ્રીમંત એના ભૂતકાળનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયો.
એ એક ખેડૂત હતો. ખેતરના શેઢે બેઠો બેઠો ધોરિયામાં વહેતા પાણીમાં છબછબિયાં કરતો બેઠો હતો. થોડી જરૂરિયાતોનું, પ્રમાણમાં બહુ જ થોડી ચિંતાઓનું શાંત જીવન એ ગાળી રહ્યો હતો અને આજે? તેણે સોના-ચાંદીને કેદ કર્યા હતા! ચિંતા અને હાડ ધ્રૂજાવે એવી હિબતી ગરીબી એની પાસે હતી! અને છતાં લાખોને ઈષૉ આવે એટલું સોનું તેની પાસે હતું.
આખી દુનિયાની ધનરાશિ હું અહીં ભેગી કરું તો પણ મને મારા વીતી ગયેલા ભૂતકાળના જીવનની એક નાનકડી પળ પાછી આપી શકશે? એ પ્રશ્ન કર્યો... એના મનમાં એક સુંદર વિચાર આવ્યો. સંગ્રહ એ તમામ સડો છે. પ્રેમ અને પૈસા જે એની પાસે રાખે એને એ ધીમે ધીમે હણી નાંખે, પણ જે વિવેકથી વાપરે તેને તેમાં જીવનનું સંગીત સાંપડે, ન વાપરે તેને બોજારૂપ લાગે, અને તેણે મોકળા મને તેની સંપત્તિની લહાણી કરી વહેવા દીધી!