=> ફિલ્મઉદ્યોગમાં ફિલ્મનું મુહૂર્ત, પ્રીમિયર અને રજત જયંતી, આ ત્રણ ઉત્સવ હોય છે.
=> દેવ આનંદનું જીવન અને વિચારનું પ્રતીક ‘પ્રીમિયર છે.
=> તેમણે કદી ‘મુહૂર્ત’ કર્યું નહીં અને ‘રજત જયંતી’ પણ મનાવી નહીં.
દેવ આનંદે ૨૩ વર્ષની વયે ‘હમ એક હૈ’થી પોતાની અભિનયયાત્રા શરૂ કરી હતી અને આજે તેમના નિધન વખતે ભારતમાં એક અવાજ ગૂંજી રહ્યો છે ‘આપણે અનેક છીએ’ અને દેશમાં અનેક વિભાજનોની ભૂમિકાઓ ઊભી થઈ રહી છે. તમામ મોટા નેતાઓ-પક્ષોની પોતપોતાની ડુગડુગી છે અને પોતપોતાનો રાગ છે. કેટલાક લોકો તો ઠીંગણાપણાને અનુરૂપ પોતાનો ગઢ અને દેશ બનાવવા માગે છે. તેમણે વડાપ્રધાન બનવું છે પછી ભલેને બૃહદ ભારત લઘુ ભારત થઈ જાય ! રાજકારણમાં હાલમાં કુટિર અને કુટિલ ઉદ્યોગ ચાલી રહ્યો છે.
દેવ આનંદે પોતાની કારકિર્દીમાં માત્ર થોડા મહિના માટે સક્રિય રાજકારણમાં ઝૂકાવ્યું હતું. જ્યારે નેહરુજીના અવસાન પછી રાજ ગોપાલચારીએ સ્વતંત્ર રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. ટૂંકા જ ગાળામાં તેમના રાજકીય ભ્રમ તૂટ્યા અને જેટલી ઝડપથી તેમણે પાર્ટી સાથે પોતાનો નાતો જોડ્યો હતો એટલી જ ઝડપથી તેઓ બહાર આવી ગયા, પરંતુ દેશ માટે તેમનાં રસ-રુચિ કાયમ રહ્યાં. તેમણે મૂલ્ય વિહોણા રાજકીય વાતાવરણની સામે પોતાની ‘ચાર્જશીટ’ પણ રજુ કરી. એ પહેલાં એક ફિલ્મમાં તેઓ વડાપ્રધાનનો રોલ પણ કરી ચૂક્યા હતા. એ પાત્ર માફિયા અને રાષ્ટ્રવિરોધી બળોથી ઘેરાયેલું હતું અને પ્રજા સમક્ષ સીધું હાજર થતું હતું. દેવ આનંદ એવા ‘ગાઈડ’ હતા જેઓ પોતે ભૂલા પડી ગયા હતા. સત્ય તો એ છે કે તેમનું ભૂલા પડી જવું કમનસીબે દેશ દ્વારા દિશાવિહીન થવાનું પ્રતીક હતું. એ અર્થમાં તેમના નિધનને રાષ્ટ્રીય શોક પણ ગણી શકાય એમ છે.
દેવ આનંદ અખબારોને ગંભીરતાથી વાંચનારા બહુ ઓછા ફિલ્મોવાળાઓ પૈકીના હતા. તેમની અનેક ફિલ્મોની વાર્તાઓ તેમણે હેડલાઈન્સ પરથી ઉપાડી હતી, જેમ કે ‘હરે રામ હરે કૃષ્ણ’, ‘દેશ પરદેશ’, ‘સ્વામીદાદા’, ‘કાલા બજાર’, ‘સીઆઈડી’, વગેરે. પોતાના તમામ પ્રવાસ દરમિયાન દેવ આનંદ અખબારો વાંચતા અને તેઓ અખબારના પ્રથમ પાનાની જેમ જ જીવ્યા. અખબાર બીજા દિવસે વાસી થઈ જાય છે એમ દેવ આનંદે પોતે બનાવેલી ફિલ્મોને બીજીવાર જોઈ નહીં કે એને માટે વિચાર્યું પણ નહીં. તેમની વિચારપ્રક્રિયા કાયમ તાજા અખબાર જેવી રહી. તેમણે કદી ત્રણ રૂપિયે કિલો વેચાનારી પસ્તીની ચિંતા ન કરી, તેઓ ત્રણ રૂપિયે વેચાતા તાજા અખબારની માફક જીવ્યા. તાજગી પ્રત્યેના મોહથી જ તેમણે અમાપ શક્તિઓને વહાવી.
આ વલણ મુજબ જ દેવ આનંદનું ધ્યાન તાજા સમાચારોને તત્કાળ પ્રકાશિત કરવા જેવું રહ્યું અને તેમણે અખબારોની જેમ બનાવેલી ફિલ્મોમાં કદી પ્રૂફભૂલને સુધારવામાં સમય વેડફ્યો નહીં. વાંચનના શોખને લીધે આર.કે. નારાયણની ‘ગાઈડ’ તેમણે વાંચી અને એક બિનપરંપરાગત, સાહસિક ફિલ્મનું સર્જન કર્યું. એ પણ નોંધવું રહ્યું કે ‘ગાઈડ’ની અંગ્રેજી આવૃત્તિમાં તેમની સહનિમૉત્રી નોબેલ પુરસ્કાર વિજેત પર્લ એસ. બક હતી. દેવ આનંદની આધુનિકતા તેમનાં કપડાંની સ્ટાઈલ સુધી સીમિત નહોતી, તેમની વિચારશૈલીનું અતૂટ અંગ હતી.
ફિલ્મઉદ્યોગમાં ફિલ્મનું મુહૂર્ત, પ્રીમિયર અને રજતજયંતી-એ ત્રણ ઉત્સવ હોય છે. દેવ આનંદનું જીવન અને વિચારનું પ્રતીક પ્રીમિયર છે તેમણે કદી ‘મુહૂર્ત’ કર્યું નહીં અને ‘રજતજયંતી’ પણ મનાવી નહીં. તેમણે બીજાઓની જેમ મુહૂર્તમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન ન કર્યું કે ન કોઈ પાર્ટીઓ યોજી, કારણ કે તેઓ સતત પોતાના કામમાં લીન અને દરેક જાતના દેખાડા શો-બાજીથી દૂર રહેનારા હતા. પોતાના ‘કર્મ’માં તેમનો ‘ધર્મ’ અને તેમનો આનંદ સામેલ હતો. દેવ આનંદની માતાએ પોતાના મોટા પુત્ર ચેતન આનંદને થોડાં વર્ષ માટે કાંગડી ગુરુકુળમાં મોકલ્યા હતા, કારણ કે એમને લાગતું હતું કે મારા પતિની આધુનિકતા કદાચ મારાં સંતાનોને બગાડી મૂકશે.
દેવ આનંદે અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી અને પોતાને કોઈ ગુરુકુળમાં મોકલવાનો વિરોધ કર્યો. આધુનિકતા પ્રત્યે એમનો એવો ઝોક હતો કે જીવનમાં માત્ર એકવાર દક્ષિણ ભારતમાં બનેલી ‘ઇન્સાનિયત’માં તેમણે ગ્રામીણ યુવાનનો રોલ કર્યો. એ સિવાય જીવનભર તેમણે મહાનગરના યુવાનનો જ રોલ કર્યો. આ આધુનિકતા જાળવવાની સાથે તેમણે પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ‘ગાઈડ’ના અંતિમ તબક્કામાં સ્વામીના રોલને પણ એટલી જ વિશ્વસનીયતાથી રજુ કર્યો. એ દેવ આનંદ માટે પોતાના જીવનમાં સંશયની સ્થિતિથી બહાર નીકળવાનો હિસ્સો હતો.
દેવ આનંદ અભિનેતા બનવાની મહત્વાકાંક્ષા સાથે મુંબઈ આવ્યા હતા. પહેલી અને છેલ્લી નોકરી તેમણે સૈનિકોએ પોતાના કુટુંબીજનોને લખેલા પત્રો સેન્સર કરવાની કરી હતી. તેમણે એ પત્રો વાંચ્યા અને તેમાંની લાગણીઓ મનમાં ઉતારી દીધી, જેની અભિવ્યક્તિ રૂપે તેમણે ‘હમ દોનો’ બનાવી. તેમાં સાહિરે તેમને માટે ગીત લખ્યું : ‘મૈ જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધૂએ મેં ઉડાતા ચલા ગયા.’ આ જ મુખડું જાણે એમનું જીવનગીત બની ગયું.
વિશ્વના અનેક દેશોમાં ટેક્નોલોજી થકી માધ્યમોના વિકાસને પગલે અખબારોનું પ્રકાશન બંધ જેવું થઈ રહ્યું છે. અનેક જુનાં નામાંકિત અખબારો માત્ર અઠવાડિક રૂપે પ્રકાશિત થઈ રહ્યાં છે. બાકીના દિવસોએ ઇન્ટરનેટ પર મળે છે. ભારતમાં હજુ આવો સમય આવ્યો નથી, પણ આગાહી કરવામાં સક્ષમ દેવ આનંદ નામના અખબારનો છેલ્લો અંક પ્રકાશિત થઈ ચૂકયો છે. એમની સદાબહાર અદા આપણી સ્મૃતિમાં હંમેશા અંકિત રહેશે. સાથે એ દર્દ-પણ તેમના પ્રશંસકોમાં રહેશે કે ‘અભી ન જાઓ છોડ કર કિ દિલ અભી ભરા નહીં.’
સદાબહાર દેવ આનંદ
દેવ આનંદ નામની સદાબહાર અદા આપણી સ્મૃતિમાં કાયમ રહેશે. તેમના પ્રશંસકોમાં એક પીડા કાયમ રહેશે કે ‘અભી ન જાઓ છોડકર કિ દિલ અભી ભરા નહીં.’
જયપ્રકાશ ચૌકસે, લેખક વરિષ્ઠ ફિલ્મ સમીક્ષક અને કટાર લેખક છે