પ્રજા કારમી મોંઘવારીમાં પીડાય છે ત્યારે અધધ વેતન સેરવી લેવાનો નિર્ણય શરમજનક
પ્રજાના પ્રતિનિધિને નામે દેશના સાંસદોએ જાણે ઉઘાડી લૂંટાલૂંટ મચાવી છે. સાંસદોનો પગાર મહિને રૂ.૧૬ હજારથી વધારીને સીધો ૫૦ હજાર કરી નાખવાનો નિંભર નિર્ણય દેશની બાપડી પ્રજાનાં ગજવાં કાપી લેવાથી જરાય ઉતરતો નથી. છેલ્લાં ચાર વર્ષમાં મોંઘવારી ૨૦૦ ટકા વધી છે એની સામે આ સાંસદોને ૩૦૦ ટકાનો વેતનવધારો આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે.
વધારાનાં તોતિંગ અન્ય ભથ્થાંઓ તેમજ સાવ મફત મુસાફરી-રહેઠાણ, વીજળી-ફોન વગેરે સુવિધાઓ તો ખરી જ. નિવૃત્ત થશે ત્યારે મહિનાનું પેન્શન ૮ હજારથી વધીને ૨૦ હજાર થઈ જશે. બે-ચાર રિંગણ તોડવાની ડાહી ડાહી વાત કરીને પેલા દલા તરવાડી કરતાં પણ આજના સાંસદો તો સાવ ફાટીને ધુમાડે ગયા છે. કહીને લેવાને બદલે તેઓએ તો જાણે ઉઘાડી લૂંટાલૂંટ મચાવી છે.
ગયા સોમવારે વેતનવધારાના આ મામલે મતભેદ પડતાં કેન્દ્રીય કેબિનેટે નિર્ણય પાછો ઠેલ્યો હતો, પરંતુ ત્રણ દિવસમાં એવી તે શી મોટી નોબત આવી કે ભૂવા ધૂણે ને ઘર ભણી નાળિયર ઉછાળે એમ સરકારે વેતનવધારાનાં કોપરાં ઉછાળી દીધાં! એક બાજુ દેશની પ્રજા કારમી મોંઘવારીમાં ભીંસાઈ રહી છે. રોજીરોટી ન મળતાં લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે દેશના સાંસદોને આટલો બધો પગારવધારો સેરવી લેવામાં કોઈ શરમ આવતી નથી. સરકાર પણ પરમાણુ બિલ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા વગેરે જેવી અણિયાળી બાબતોથી ડરીને સાંસદોને બટકાં ફેંકતી હોય એવા ઇરાદા સાથે આવા પગારવધારાની ભાગબટાઈ કરવામાં પાછી પડતી નથી.
દેશની માથાદીઠ આવક રૂ.૧૨ હજારથી પણ ઘણો વધારે પગારવધારો સાંસદોને મળશે. હજુ તો લાલુ-મુલાયમ , નીતીશ, માયાવતી જેવાઓની પાર્ટીઓના લાલચૂડા સાંસદોને આટલો તોતિંગ પગારવધારો મંજૂર નથી. એમને તો મહિને ખણખણતા ૮૦ હજાર જોઈએ છે.
ખરેખર સાંસદ થવું એટલે લોટરી લાગવા બરાબર બન્યું છે. હોર્સ ટ્રેડિઁગ, લોબિંગ, તરફેણગીરી વગેરેમાંથી લખલૂટ ઉસેડવાનું તો લટકામાં જ રહ્યું. મતવિસ્તારો માટેના વિકાસ ફંડ અને બીજા ભથ્થાં, ઓફિસખર્ચ સહિત અનેક બાબતોના નાણાંના વહીવટ પણ તેઓ જ કરે છે.
જનતા બેહાલ છે અને નેતાઓ માલામાલ બની રહ્યા છે. આપણા સાંસદોનાં મોઢાં કોઈ દિવસ ભરાયાં નથી ને ભરાશે પણ નહીં. સરકાર એને જેટલાં વધારે ભરશે એટલાં જ એ ડાચાં સરકારની સામે માગણ થઈને ઘૂરકાટ કરતાં રહેશે.
આ અંગે આપના ફિડબેક આવકાર્ય છે...