થોડા સમય પહેલાં ભારતીય કોપીરાઇટ એક્ટમાં સુધારો કરાયો હતો. સરકારે નિર્માતાઓનો મત જાણવાનો પ્રયત્ન ન કર્યો પરિણામે સુધારો-ફેરફાર એક પક્ષીય બની ગયો. તેમાં લેખકોના હક્કો એટલા વ્યાપક બની ગયા કે એક નિર્માતા કંપની પાસેથી નિયમિત માસિક રકમ લેનારી વ્યક્તિની કોઈ પણ રચનાના ફરી ઉપયોગ માટે તેને ફરી નાણાં ચૂકવાશે.
આ સુધારો કાયદાનું રૂપ ધારણ કરે ત્યાર પછી આર્થિક જોખમ ઉઠાવતા નિર્માતાઓના અનેક હિસ્સેદાર બનશે. પરંતુ નિષ્ફળતાની બધી જવાબદારી તેમને માથે રહેશે અને ખોટ પણ એ એકલા જ સહન કરશે. ફિલ્મી ગીતકારો અને ફિલ્મી લેખકોનું શોષણ થયું છે. પરંતુ તેને જ સફળ વ્યક્તિને સ્ટાર સમજવામાં આવે છે અને વળતર પણ ભરપૂર ચૂકવાય છે.
ફિલ્મ ‘પ્યાસા’ પછી સંગીતકારને ચૂકવાતી હતી એટલી રકમ સાહિર લુધિયાનવી મેળવતા હતા. સફળતાનો પૂર્ણ યશ સાહિર સાહેબ અને ફિલ્મકાર ગુરુદત્તને પ્રાપ્ત થયો હોય એવી એકમાત્ર ભારતીય ફિલ્મ ‘પ્યાસા’ છે. આ ઉદ્યોગમાં સફળ વ્યક્તિનું કોઈ શોષણ કરતું નથી. ઊલટું એ બીજાનું શોષણ કરવાની સ્થિતિમાં હોય છે. ફિલ્મના સર્જનમાં ફિલ્મકારની સાથે અનેક લોકો કામ કરે છે અને સૌના સહયોગથી ફિલ્મ બને છે. પરંતુ આખી ટીમ મળીને જ ફિલ્મકારની મૂળ કલ્પનાને સાકાર કરે છે. તેથી એજ રચનાના મૂળ લેખક અને કર્તા હોય છે. કાયદામાં પ્રસ્તાવિત સુધારો ફક્ત ગીતકાર, સંગીતકાર અને લેખકોના અધિકારો તરફ સજાગ છે અને તેમાં સફળ વ્યક્તિઓને ભરપૂર વળતર હંમેશાં મળતું રહ્યું છે.
એવો પણ પ્રચાર ચાલે છે કે સુપરહિટ ગીતો સિતારા-સ્ટાર્સને જન્મ આપે છે અને ગીત સુપરહિટ થવામાં ફિલ્મસ્ટાર કે ફિલ્મકારનું કોઈ પ્રદાન હોતું નથી. એ માટે કલ્યાણજી- આણંદજીએ ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ માટે રચેલા સંગીતનું ઉદાહરણ આપવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે એ ગીતે નાયક (હીરો)ને સિતારા (સ્ટાર) બનાવ્યો. હકીકત એવી છે કે એ ફિલ્મના એ હીરોને ત્યાર પછી કામ મળ્યું જ નહીં. ઘણી ફિલ્મો સંગીતને આધારે જ ચાલી છે. મધુર સંગીત ફિલ્મો નિષ્ફળ ગઈ છે. આર.કે. બેનરના ઈતિહાસમાં ફિલ્મ ‘આહ’નું સંગીત મધુર હતું. પણ ફિલ્મ ન ચાલી.
કોપીરાઈટ એક્ટ-૧૯૫૭માં સુધારાની જરૂર છે, એ વાત સાચી. પણ એ બાબત એક પક્ષીય હોવી ન જોઈએ. ભારતનો ફિલ્મ સંગીત ઉદ્યોગ વિદેશોના ફિલ્મ સંગીત ઉદ્યોગથી જુદા પ્રકારનો છે. તેથી નિયમો પણ જુદા હોવા જોઈએ. સરકાર ઓછામાં ઓછું એટલું તો કરે કે ‘આખા ફિલ્મ ઉદ્યોગના મત સાંભળે.’ આ પ્રકરણમાં સરકારની ઉતાવળ સમજવી અઘરી છે.
કદાચ પશ્ચિમના દેશોનું દબાણ છે. સંસદમાં મહિલા સાંસદોને આરક્ષણનો પ્રસ્તાવ વર્ષોથી વિચારાધિન પડયો છે અને બીજી બાજું ગીતકારોને કાનૂની સંરક્ષણનો મુદ્દો જીવન-મરણનો, તાકીદનો પ્રશ્ન બની ગયો છે. કારકિર્દીમાં લગભગ અજાણ્યા જેવા રહેલા શાયર સર્શાર શૈલાની એ કોઈ જુની ફિલ્મ માટે લખેલાં ગીતની પંક્તિ છે. ‘ચમન મેં ઇમ્તિજાઝે રંગો બૂ સે બાત બનતી હૈ. તુમ્હીં તૂમ હો તો ક્યા તૂમ હો, હમીંહમ હૈ તો ક્યા હમ હૈ.’’