જો તમે કોઈ ધર્મ, પંથ કે આશ્રમ સ્થાપશો તો અબજપતિ બનશો
મહાન ફિલસૂફ પ્લેટોએ કહેલું કે ‘કોઈ પણ રાષ્ટ્ર ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતું ન હોય તો તે મજબૂત બની શકે નહીં.’ પ્લેટોએ તો બહુ જ શ્રદ્ધાપૂર્વક આ વાત કહેલી પણ ‘સાયન્સ ફિકશન’ના (વૈજ્ઞાનિક કલ્પનાવાળી વાર્તા) લેખક રોન હુબાર્ડે કહેલું કે ‘માત્ર તમે ફિલસૂફીનાં ભાષણો આપો અને એક પેન્સના એક શબ્દ લેખે ધાર્મિક લેખો લખો તો બે પાંદડે નહીં થાઓ પણ જો તમે કોઈ તમારો ધર્મ સ્થાપશો, પંથ સ્થાપશો કે આશ્રમ સ્થાપશો તો અબજપતિ બનશો.’ રોન હુબાર્ડે મહાન કવિ વિલિયમ બ્લેકનો દાખલો આપેલો.
૨૫૦થી વધુ વર્ષ પહેલાં જન્મેલો આ કવિ ઈશ્વરમાં પરમ શ્રદ્ધા રાખનારો હતો. તેની ભૂલ એ હતી કે તે પોતે કોઈ ગુરુ ન બન્યો. તેણે તમામ ભાર તમારી ઉપર જ નાખ્યો. અંગ્રેજીમાં જ તેનું ઉચ્ચારેલું પરમ સત્ય લખું છું. ‘વી આર ઓલ ડિવાઈન. ધ રિલેશનશિપ બીટવીન ગોડ એન્ડ મેન ઇઝ નોટ ગિવર એન્ડ ટેકર. ધ ટુ આર ઇકવલ. ડિવિનિટી નોટ ઓન્લી ફલોઝ ફ્રોમ ગોડ ટુ મેન, હ્યુમેનિટી ફલોઝ ફ્રોમ મેન ટુ ગોડ.’ બોલો આવી તદ્દન સાદી પણ અમલમાં મૂકવી અઘરી વાતને આપણા હિન્દુસ્તાનનો શ્રદ્ધાળુ માણસ અમલમાં મૂકી શકે? તેને તો કોઈક બાબા જોઈએ.
આ તમામ બાબાઓને અપરંપાર ભક્તો અને દાન-દક્ષિણા જોઈએ છે. ખરેખર તો કવિ વિલિયમ બ્લેકની વાત સાચી છે. પ્રભુની દિવ્યતા માનવ તરફ વહે છે તેમ માનવીની દિવ્યતા ઈશ્વર તરફ વહે છે. આટલું લાંબું પષ્ટિપેષણ આજે શું કામ કરું છું? શ્રાવણ મહિનો ક્યારનો બેસી ગયો છે. જો પ્લેટોએ કહ્યું તેમ રાષ્ટ્ર માટે કે વ્યક્તિ માટે ધાર્મિકતાને સૌથી મોટું બળ ખપાવીએ તો અધધધ આપણે કેટલા બધા બળવાન છીએ! શ્રાવણ મહિનામાં તો આર્થર રોડની જેલથી માંડીને ભાવનગરની જેલના ગુનેગારો શ્રાવણિયા સોમવારનાં એક્ટાણાં-ઉપવાસ કરે છે. મુંબઈમાં એક મિલમાલિકનાં પત્ની શ્રાવણિયા સોમવારે શંકરના લિંગ ઉપર બ્રાહ્નણોના મંત્રોચ્ચાર સાથે બીલીપત્ર ચડાવતાં ચડાવતાં બેભાન થઈ જાય ત્યાં સુધી ખાધાં-પીધાં વગર બીલીપત્ર ચઢાવતાં.
ધારો કે પાકિસ્તાનના બેવકૂફ સેનાપતિને મુંબઈ કે અમદાવાદ ઉપર બે અણુબોમ્બ ફેંકવા હોય તો તેણે વિચાર કરવો પડે. અહીં ઠેરઠેર મંદિરો, મિસ્જદો, અનેક ધર્મના પાળિયાઓ છે. અરે, ફૂટપાથ ઉપર પણ હનુમાનજી અને શંકરનાં મંદિરો છે. એક જમાનામાં બ્રિટન માટે કહેવાતું કે તે નૌકાબળમાં પ્રથમ નંબરે છે. ફ્રાંસ જમીન ઉપરના લશ્કરમાં બળવાન છે અને જર્મની આકાશનું સુપરપાવર છે અને ભારત? ગઈકાલે અને આજે તે અધ્યાત્મ કહો કે ધાર્મિકતા કહો તેમાં અતબિળવાન છે? આપણને કોઈ તકલીફ નડવી ન જોઈએ. સવા અબજની ધાર્મિક વસતિની ધાર્મિકતા જોઈ લાગે કે યુદ્ધ થાય તો ઈશ્વર માટે મોટા પ્રોબ્લેમ થશે. ખાસ તો શ્રાવણ મહિનામાં લોકો એટલા બધા ધાર્મિક થઈ જાય કે ઈશ્વર હેરાનપરેશાન થાય ત્યાં સુધી તેણે ભક્તિ સ્વીકારવી પડે છે.
આજે જે મૂડીવાદી અર્થતંત્ર છે તેમાં તાતા, બિરલા, મિત્તલ કે બીજા કોઈ પણ નાના-મોટા કાઠિયાવાડના ઉદ્યોગપતિનું નામ લો તે તમામ બેન્કો કે સરકાર કે તમારી કરોડોની થાપણો વાપરે છે. અમુક તો દેવાળાની અણી ઉપર હોય છતાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક સ્થાપી તમારાં નાણાં ઉઘરાવે છે અને તેના બંગલામાં જોશો તો બ્રાહ્નણો હોમ-હવન કરતા હશે. ગાયત્રીના અખંડ જાપ થતા હશે. મને યાદ છે કે શ્રાવણમાં એક ઉદ્યોગપતિ તેના ઘરે અનુષ્ઠાન કરાવતા. તે પછી નવ નવ દીવાની આરતી થાય. તે વખતે ઉદ્યોગપતિના એમ.બી.એ. થયેલા જમાઈઓ, મિત્ર ડોક્ટરો, ઇજનેરો અને ટેકનોક્રેટો માગેલું ધોતિયું પહેરીને હવન વખતે હોમ કરવા ઊભા રહેતા.
ભારતમાં ગઈ કાલે નહીં આજે પણ ઘી-દૂધની નદીઓ જ વહે છે. તે બનાવટી દૂધ હોય કે ચરબીવાળું ઘી હોય તેની ઐસીતૈસી. હોમ-હવન અને શંકરના અભિષેકમાં આ ગરીબ દેશમાં લાખ્ખો લિટર દૂધ ગટરમાં કે સમુદ્રમાં ઢોળાઈ જાય છે. શ્રદ્ધાપૂર્વક લાંબી અને થાક્યા વગરની એક શ્વાસની દોડને મેરેથોન દોડ કહે છે. આવી ‘મેરેથોન - ભક્તિ’ દોડ શ્રાવણ મહિનામાં મથુરાથી ગોવર્ધન પર્વત સુધી થાય છે. ભારતભરમાંથી શ્રાવણ મહિનામાં દૂધની અવિરત ધારા વડે પરિકમ્મા કરનારા મેરેથોન-ભક્તો મથુરા આવે છે. આપણે ઓલિમ્પિક્સની લાંબી દોડમાં ભલે ઠોઠ હોઈએ. ઓલિમ્પિક્સમાં જુદી જુદી ૧૦૦ મીટર, ૨૦૦ મીટર કે ૧૦૦૦ મીટરની લાંબી દોડના પ્રકાર છે તેમ તમને અહીં ગોવર્ધન પર્વતે ભક્તિ-દોડના અતિ ધાર્મિક પ્રકારો જોવા મળે છે.
ગોવર્ધન પર્વતની પરિકમ્માના પ્રકારમાં ઘણા દંડવત પ્રણામ કરતાં કરતાં પર્વતની ટોચે જાય છે. ઘણા ભક્તો લાંબા હાથ કરી જમીન ઉપર સૂઈ જાય છે. એક પથ્થરને માઈલસ્ટોન રૂપે લે છે. થોડોક આઘો પથ્થર મૂકીને ત્યાં દંડવત્ પ્રણામ કરવાની વિધિ કરે છે. આમ ૨૧ કિલોમીટરની મેરેથોન-ભક્તિદોડ પૂરી થાય છે. ઘણા ભક્તો ચાર ચાર મહિના અગાઉથી આ મેરેથોન-ભક્તિ-દોડ શરૂ કરે છે. ઘણાની ૩થી ૪ વર્ષ સુધી આ ભક્તિદોડ ચાલુ રહે છે. રાત પડે તો પથ્થરની નિશાની કરી સૂઈ જાય છે. કલકત્તાના ભાટિયા અને મારવાડી શેઠિયાઓએ આ મેરેથોન-ભક્તિવાળા માટે માર્ગમાં ધર્મશાળા ખોલી હતી. આપણા ગુજરાતી ઘરની ગૃહિણી માંડ માંડ કરકસર કરી દૂધ મોંઘું થતું જાય તેમ ૫૦૦ ને બદલે ૨૫૦ ગ્રામ જેટલું દૂધ ચા-પાણી માટે લે છે.
જો દૂધ થોડુંક ટીપા જેટલું ઢોળાય તો પણ મંત્ર બોલીને દૂધને આંખે લગાડે છે પણ ભક્તિ માટે? ભક્તિ માટેના દૂધનો તાલ તમને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા વખતે જોવા મળે. ઘણા ભક્તો માટલામાં દૂધ ભરે પછી કાણું પાડે અને ખભે મૂકીને તે દૂધની ધારની પરિકમ્મા કરતાં કરતાં ૨૦૦થી ૪૦૦ લિટર દૂધ વાપરી નાખે.
શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુ ભારતના લોકોની શ્રદ્ધાનો પરચો થાય છે. અમેરિકા અને યુરોપને તેમનાં અણુશસ્ત્રો અને મિસાઈલો ઉપર શ્રદ્ધા છે. તે તમામ હુમલાખોરો છે, પણ આપણે શ્રાવણ મહિનામાં જે શ્રદ્ધા રાખીએ છીએ તેમાં કોઈને નડતા નથી. આપણી શ્રદ્ધાના કે અંધશ્રદ્ધાના પરિણામ સ્વરૂપે બાબાઓ કે કથાકારો માલદાર થતા હોય તો ભલે થવા દો. આખરે શ્રદ્ધા જ બળવાન છે. બાબાઓ બગડશે ભક્ત નહીં બગડે.
અમેરિકાનો અણુબોમ્બ જ્યાં અમેરિકાને નહીં બચાવે ત્યાં ભારતના લોકોની ધાર્મિક આસ્થા, તેમના નીતિનિયમોના પાલન અને આધ્યાત્મિકતા છેવટે બચાવશે. મને યાદ છે કે મુંબઈમાં એક મિલમાલિકનાં પત્ની એક લાખ જેટલા માટીના શિવલિંગની પૂજા કરતાં. કાંદિવલી નામના પરામાં એસ.એસ.સી.ની પરીક્ષા આપનારા યુવાનો શિવલિંગ ઉપર છેવટ ૫૦ ગ્રામ દૂધનો અભિષેક તેમના ખિસ્સાખર્ચીમાંથી કરતા. મૂળ ગોંડલના ખોજા અમીરઅલી મેઘાણી અમેરિકા વસેલા તે શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્ર આવીને પ્રથમ શિરડીના સાંઈબાબાના દર્શને જતા પછી ગોંડલના ભુવનેશ્વરી માતાનાં દર્શન કરતા.