ગાંધીજીએ સફાઈને રાષ્ટ્રીય કાર્ય ગણાવીને ગંદકી ફેલાવનારને ઈશ્વર અને માણસ બંનેના ગુનેગાર હોવાનું કહીને જાહેરમાં કચરો ફેંકવાના કૃત્યને હિંસા સમાન ગણાવ્યું હતું.
ગંદકીનું મૂળ આપણી ગંદી જીવન પદ્ધતિ છે. આ કામ માત્ર સરકારનું નથી. ગંદકી આપણા કોઠે પડી ગઈ છે તેને દૂર કરવાની પાયાની જરૂરિયાત છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે તાજેતરમાં કહ્યું કે, ભારત વિશ્વમાં સૌથી ગંદો-ગોબરો દેશ છે. થોડા સમય પહેલાં જયરામે કહ્યું હતું કે, ભારતને તેનાં ગંદાં શહેરો માટે નોબેલ પારિતોષિક મળવું જોઈએ! જયરામના વ્યંગ અને વિનોદમાં ભારતીયોની જીવનશૈલી અને શાસનની વફિળતા અંગે ભારોભાર વ્યથા પણ છુપાયેલી છે. એક સમય એવો હતો કે ભારતનાં ગામડાંને ઉકરડા સાથે સરખાવતાં. આજે ગંદકીના મુદ્દે શહેરોએ પણ ગામડાં સાથે જાણે હરીફાઈ કરી છે.
૨૦૦૯માં ભારતનાં ૪૨૩ શહેરોનો સ્વચ્છતા સહિતના ૧૯ માપદંડો અંગે સર્વે હાથ ધરાયો હતો જેમાં ૦થી ૧૦૦ સુધીનું રેટિંગ અપાયું. દુભૉગ્યે ૯૦થી વધુ રેટિંગ ધરાવતું એક પણ શહેર ન મળ્યું. ૦થી ૩૩ના પાસિંગ રેટિંગ ધરાવતા શહેરોની સંખ્યા ૧૮૯ હતી. જ્યારે સફાઈમાં સુધારણાની જરૂરિયાત ધરાવતાં શહેરોની સંખ્યા ૨૩૦ હતી.
આપણા દેશમાં સ્વચ્છતા, આરોગ્ય, પાણી, વીજળી, ગટર જેવી સ્થાનિક પાયાની જરૂરિયાતોનું કામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપાયું પણ દુભૉગ્યે દેશનો અગ્રતાક્રમ આઝાદી પછી ઊંધા પાટે ચડી ગયો તેમ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો અગ્રતાક્રમ પણ પાયાના પ્રશ્નોથી સાવ વિપરીત દિશામાં ચાલ્યો. ગંદકીના મુદ્દે નાગરિકોને અદાલતોનો આશરો લેવો પડે છે. હોસ્પિટલ જેવા સ્વચ્છતાના આદર્શ સ્થળે સ્વચ્છતા માટે આંદોલન કરવાની ખુદ ડોક્ટરોને ફરજ પડે છે. અમદાવાદ, પટના અને ચેન્નાઈ જેવા શહેરોમાં ગંદકીના પ્રશ્ને જાહેરહિતની નાગરિકોએ અરજી કરવી પડે છે અને અદાલતો સ્થાનિક સત્તાવાળાના કાન આંબળે ત્યારે તેમની શાન ઠેકાણે આવે છે.
ગાંધીજીએ કહ્યું હતું કે, સુધારામાં હું બળ વાપરવામાં માનતો નથી પણ ઘર કરી ગયેલી અસ્વચ્છતા જેવી ટેવોને બદલવા ફરજ પાડવાની હદ સુધી જવા તૈયાર છું. સફાઈને રાષ્ટ્રીય કાર્ય ગણાવીને તેમણે ગંદકી ફેલાવનારને ઈશ્વર અને માણસ બંનેના ગુનેગાર ગણાવીને જાહેરમાં કચરો ફેંકવાના કૃત્યને હિંસા સમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સફાઈનાં મૂળ તત્વોના શિક્ષણની આગળ અક્ષરજ્ઞાન કોઈ વિસાતમાં નથી. હું પશ્ચિમની સંસ્કૃતિ અને રીતરસમોનો વિરોધ કરું છું પણ સ્વચ્છતાની પïતિના પાઠ પશ્ચિમ પાસેથી શીખવા જોઈએ. ગાંધીજી, કસ્તૂરબા અને વિનોબા જાતે જાહેરમાં મળત્યાગની સફાઈ કરતાં હતાં. આપણે ત્યાં સ્વચ્છતાને ધર્મ સાથે જોડવામાં આવી છે.
આપણી ગંદકીનો પ્રશ્ન બે ભાગમાં વહેંચાયેલો છે. એક વ્યક્તિગત ગંદકી અને બીજી જાહેર ગંદકી. કમનસીબે પાયામાંથી એટલું કે ઘર અને શાળામાંથી વ્યક્તિગત સફાઈ પર ધ્યાન અપાવું જોઈએ તેને બદલે અક્ષરજ્ઞાન અને અન્ય ઈતર પ્રવૃત્તિઓ તરફ પ્રા.શિક્ષણમાં વધુ ધ્યાન અપાય છે. જાહેરમાં થૂંકવું, મળ-મૂત્ર ત્યાગ, કચરો ફેંકવો, ગંદું પાણી ઢોળવું, પાન-મસાલાની પીચકારીઓ મારવી જેવી વ્યક્તિગત કુટેવો ત્યજવામાં આવે તો જાહેર ગંદકીનો પ્રશ્ન ઘણો હલ થઈ શકે. આપણી ગંદકીનાં મૂળિયાં આપણી રીત-રસમોમાં પડેલાં છે. માણસ જેમ ભણેલો વધુ તેમ જાહેર ગંદકીમાં અગ્રેસર હોય છે. બાંધકામની સામગ્રી રસ્તામાં ફેંકનાર, પ્રદૂષિત પાણી જળાશયોમાં છોડનાર કે મેડિકલ વેસ્ટ નાખનાર ઓછું ભણેલા નથી.
જાહેર સ્થળો જેવાં કે નદીઓ, તળાવો, રસ્તા, કાર્યાલયોની દીવાલો, લીફટ, નિસરણી, રેલવે અને બસસ્ટેન્ડ, હોસ્પિટલ તથા જાહેર શૌચાલયો આ બધી જગ્યાએ ગંદકીનું મૂળ આપણી ગંદી જીવન પïતિ છે. આ કામ માત્ર સરકારનું નથી. ગંદકી આપણા કોઠે પડી ગઈ છે તેને દૂર કરવાની પાયાની જરૂરિયાત છે.
દુનિયામાં જાહેરમાં મળત્યાગ કરવા જતાં ૬૦ ટકા લોકો ભારતમાં વસે છે. આપણે ત્યાં શાળાઓમાં પણ હજી સુધી પૂરતી શૌચાલયોની સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી. જે સરકારનો અગ્રતાક્રમ બનવો જોઈએ. ભારતમાં ૭૪.૨૪ કરોડ લોકો પાસે શૌચાલયોની સગવડ નથી. આજે પુરુષ કે મહિલાના હાથમાં મોબાઈલ હશે પણ ખુલ્લામાં જાજરૂ જવાની ટેવ હશે એવાની સંખ્યા મોટી હશે. દેશને કમ્પ્યૂટર અને મોબાઈલની પેઠે સાવરણો અને પાવડો પકડે તેવા નાગરિકોની પણ જરૂર છે. શાળાઓ સામૂહિક સફાઈના અભિયાનને વેગ આપે તે આવશ્યક છે.
મંદિર જેટલું જ સ્વચ્છ શૌચાલય પણ હોય તે જરૂરી છે. મંદિરો બહુ બાંધ્યાં હવે શૌચાલયો બાંધવાની જરૂર છે તેવી મોરારિબાપુની બારડોલીની શૌચાલયોના લાભાર્થે યોજાયેલી કથાની ટકોર સમયસરની છે. સચ્ચિદાનંદજી કહે છે તેમ ૩૩ કરોડ દેવો છે પણ આપણે ત્યાં સફાઈના દેવ નથી. દેશને સફાઈના દેવની જરૂર છે. ગંદકી નહીં હોય તો લોકોનું આરોગ્ય સુધરશે અને સરકારનો પણ આરોગ્ય સેવાઓ પાછળનો ખર્ચ ઘટશે. સફાઈ એ ગાંધીજીનો સૌથી ઓછા ખર્ચનો કાર્યક્રમ છે. જેની સામે સરકાર, ઉદ્યોગો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે.
થોડા સમય પહેલાં અમેરિકાના પોર્ટલેન્ડ શહેરના પ્રિસ્ટાઈન તળાવમાં એક માણસ મૂત્ર વિસર્જન કરતાં કેમેરામાં ઝડપાયો હતો ત્યારે જાહેર આરોગ્ય માટે તળાવનું ૮૦ લાખ ગેલેન પાણી ૩૬૦૦૦ ડોલરના ખર્ચે બહાર કાઢી દેવાયું હતું. ગંદકી, સફાઈ અને જાહેર આરોગ્યની આવી ઝીણી માવજત ભારતે પશ્ચિમ પાસેથી શીખવી પડશે. મીડિયા, ક્રિકેટરો, ફિલ્મી કલાકારો, ધર્મગુરુઓ કે જેમનો પ્રજાના વિશાળ વર્ગ પર પ્રભાવ છે તે સૌએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવું જોઈએ. ગંદકી પ્રથમ અધર્મ અને સફાઈ પ્રથમ ધર્મ છે.