હવે ધીરે ધીરે અડવાણીની આંખો ઉઘડતી હોય તેમ લાગે છે. જશવંતસિંહ અને ઉમાભારતીની વાપસી થઈ છે. નકલી સીડીનો ભોગ બનેલા સંજય જોશીને ન્યાય મળ્યો છે.
બાણશૈયા પર પડેલા ભીષ્મે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, મેં કોઈ પાપ કર્યું નથી, છતાં આવી કઠોર બાણશૈયા કેમ? ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે તમે જિંદગીમાં એક પાપ કર્યું છે અને તે એકે તમે સમર્થ હોવા છતાં દ્રૌપદીની આબરુ બચાવી નહતી. જેનું ફળ તમે ભોગવો છો.
આંખો ઘણીવાર માનવીના મનનો અરીસો બની જતી હોય છે. ૮૫મા જન્મદિને પક્ષના બીજી હરોળના સાથીઓ જ્યારે પ્રશંસાનાં વાક્પુષ્પો ચડાવી રહ્યા હતા ત્યારે મક્કમ અને મજબૂત મનોબળ ધરાવતા ભાજપના વરિષ્ઠનેતા લાલકૃષ્ણ અડવાણી ભાવવિભોર બનીને રડી પડ્યા હતા અને સ્વસ્થ થવા થોડીવાર મંચથી દૂર જવું પડ્યું હતું. જિંદગીના ઉત્તરાર્ધમાં ઢળતી જીવન સંધ્યાએ માનવી આવી મનોદશામાં સ્વાભાવિકપણે જ આવી જતો હોય છે.
છેલ્લા થોડા વર્ષોમાં અડવાણી માથે જ માછલાં ધોવાયાં તેમાંથી જન્મદિને બીજી હરોળના સાથીઓની સરાહનાએ તેમને આશ્વાસન પૂરું પાડ્યું છે.વાજપેયી-અડવાણીની બેલડીએ જીવનનો સિંહભાગ વિરોધપક્ષની પાટલીએ બેસીને દેશસેવામાં વીતાવ્યો એ લોકશાહીની નાની-સૂની ઘટના નથી. ક્યાંય વૈચારિક મતભેદ વચ્ચે પણ સામાન્ય રીતે એક જ પક્ષના નેતાઓમાં ભાગ્યે જ જોવા મળે તેવી જાહેર એકતા બંનેએ જાળવી રાખી.
જન્મદિને રાજનાથસિંહે કહ્યું કે, ૨૦૦૯માં વાજપેયીએ જ મને વડાપ્રધાનપદ માટે અડવાણીજીનું નામ સૂચવ્યું હતું. આજના રાજકારણમાં સંબંધોની આટલી ગરિમા અને ઊંચાઈ આટલો લાંબો સમય સાથે રહ્યા પછી જોવા મળે તે પણ એક અજાયબી જ કહેવાય. ૨૦૧૪માં એનડીએ યા ભાજપને કેન્દ્રમાં બહુમતી મળે તો માત્ર વયના મુદ્દાને બાદ કરતાં અડવાણીથી વધુ પરિપકવ, સજ્જન, સ્વસ્થ અને સ્વચ્છ નેતા આજે ભાજપ પાસે જણાતો નથી અને એ એના માટે હકદાર પણ છે.
વાજપેયી-અડવાણીની જોડીએ તનતોડ મહેનત બાદ પક્ષનું સર્જન કર્યું, પણ અયોધ્યાની બાબરી મસ્જિદની ઘટના પછી અડવાણીની રાષ્ટ્રીય નેતાની છાપમાં ઓટ આવી, તે ભરપાઈ કરવા તેમણે ઝીણાની મઝારનું શરણું લીધું જે ભાજપ અને ભગિની સંસ્થાઓને જરાયે રૂચ્યું નથી અને પક્ષમાં તેમની પડતીના દિવસો શરૂ થયા. અડવાણીએ વાજપેયી માર્ગે ચાલવાના પ્રયાસો કર્યા તે સંઘને બહુ હજમ ન થયું. પોતે જ ‘બનાવેલા’ પોતાને ‘બનાવતા’ હોય તેવી સ્થિતિ સર્જાઈ.
આ હતાશાની પળોમાં અડવાણી પોતાનું રાષ્ટ્રીય નેતાનું પોત ગુમાવતા ગયા તથા પક્ષમાં તેમની સ્થિતિ મહાભારતના ભીષ્મ જેવી થતી ગઈ. પક્ષ અને ભગિની સંસ્થાઓ પણ પ્રમોદ મહાજનના અવસાન બાદ કેટલાક મુખ્યમંત્રીઓને અર્થસંકટ મોચક માનવા લાગી. મુખ્યમંત્રીઓના અર્થ પ્રભાવમાં હાઈકમાન્ડ પોતાનો પ્રભાવ ગુમાવતું ગયું.
સમર્થ હોવા છતાં શાસનના અન્નને કારણે ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ અટકાવી શક્યા નહતા. બરાબર આવી જ સ્થિતિ અડવાણીની થઈ છે. બાણશૈયા પર પડેલા ભીષ્મે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, મેં કોઈ પાપ કર્યું નથી, છતાં આવી કઠોર બાણશૈયા કેમ? ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે તમે જિંદગીમાં એક પાપ કર્યું છે અને તે એકે તમે સમર્થ હોવા છતાં દ્રૌપદીની આબરુ બચાવી નહતી. જેનું ફળ તમે ભોગવો છો.
૨૦૦૨માં ગોધરાનાં તોફાનોનો સમયે અડવાણી ગૃહમંત્રી હતા છતાં યોગ્ય તપાસ માટે ભોગ બનેલાને છેક સર્વોચ્ચ અદાલત સુધી જવું પડ્યું, પક્ષમાંથી જશવંતસિંહ જેવા વરિષ્ઠ નેતાની હકાલપટ્ટી કરાઈ, ગુજરાતમાં કેશુભાઈ સહિત અનેક વરિષ્ઠ નેતાઓનો સફાયો કરાયો, તેમની ઉપેક્ષા છતાં ઘણાને પક્ષ છોડવાની ફરજ પડી, એક મુખ્યમંત્રીના દુરાગ્રહને કારણે હરેન પંડ્યાને ટિકિટ ન મળી, કેશુભાઈની ગુજરાતમાં મિનિ ઇમરજન્સી જેવી ચેતવણીની અવગણગણના કરાઈ, ગુજરાતના તેમના જ પક્ષના પૂર્વગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાની યોગ્ય તપાસ માટે અડવાણીને પિતાતુલ્ય માનતી પંડ્યાની પત્નીનો અવાજ સંભળાતા નથી, કૌશરબીબીની હત્યાનું કે નિર્દોષ બાળકોની હત્યાનાં રહસ્યો હજુ અકબંધ છે, ગુજરાતમાં બંધારણીય સંસ્થાઓ અને હોદ્દાઓની ઉપેક્ષા થતી હોય, ખુદ વડાપ્રધાન વાજપેયી ઇચ્છે છતાં અડવાણીને કારણે નરેન્દ્ર મોદીનું રાજીનામું ન લઈ શકાય ત્યારે અડવાણીએ શિખામણના બે શબ્દો કહેવાને બદલે આંખ આડા કાન કરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપ્યું એટલે આજે અડવાણીને ભીષ્મની પેઠે બાણશૈયા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ધીરે ધીરે અડવાણીની આંખો ઉઘડતી હોય તેમ લાગે છે.
જશવંતસિંહ અને ઉમાભારતીની વાપસી થઈ છે. નકલી સીડીનો ભોગ બનેલા સંજય જોશીને ન્યાય મળ્યો છે. પક્ષના અર્થસંકટ મોચક તરીકે નીતિન ગડકરી ઉપસી રહ્યા છે. સુષ્મા સ્વરાજમાં વાજપેયીની વાક્છટા દેખાવા લાગી છે. ગુજરાતના મુખ્યમંત્રીની ભરપુર પ્રસંશા કરતા અને તેમને વડાપ્રધાનના દાવેદાર ગણાવતા અડવાણી જનચેતના યાત્રામાં ગુજરાતની બાદ કરતાં બીજા રાજ્યોમાં આવી જાહેરાતો કરવાથી દૂર રહ્યા છે.
આ સ્થિતિમાં અડવાણીએ ગોવિંદાચાર્યની પેઠે રસ્તાએ વિકાસનો માપદંડ નથી યા મોટરોનાં કારખાનાં કરતાં માનવવિકાસ સૂચક આંક વધુ મહત્વનો છે તેવું મુખ્યમંત્રીઓને કહેવું પડશે. સુશાસન અને મોડેલ સ્ટેટને બંધારણીય હોદ્દાઓ અને સંસ્થાઓનું ગૌરવ જાળવવાનું અને અન્યાયનો ભોગ બનેલાને ન્યાય મળે તે માટે સાથે લઈને ચાલવાનું નેતાઓને કહેવું પડશે. મુખ્યમંત્રીઓ હાઈકમાન્ડ પર હાવી ન થઈ જાય તેની તકેદારી રાખવી પડશે. આવું અભિયાન ન જ તેમને બાણશૈયાની સ્થિતિમાંથી ઉગારશે. ૮૫ જન્મદિનનાં આંસુ તેમના માટે આત્મખોજ કે આત્મચિંતનનો અવસર બની રહે અને તેમની જનચેતના યાત્રા ખુદ તેમની ચેતના જાગૃત કરે તેમ ઇચ્છીએ.