દશેરાના દિવસે રાવણદહન જોઈને આનંદીત થતા સૌએ પોતાનામાં વત્તા ઓછા અંશે પડેલી રાવણવૃત્તિ અંગે આત્મમંથન અને ચિંતન કરવાની જરૂર છે.
સેવા અને વિકાસના નામે ગરીબોનું શોષણ, આતંકના નામે નિર્દોષની હત્યા, ભ્રષ્ટાચારી રાવણોની સંખ્યા અને કદ વધતાં જાય છે તે ચિંતાનો વિષય છે. મુખ મે રામ અને બગલમે છુરી લઈને ખુલ્લેઆમ ઘૂમતા કલિયુગી રાવણોથી સમાજે ચેતવાની જરૂર છે.
ઊર્જા અને ઉત્સાહનો ઉત્સવ એવા શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિની પૂણૉહુતિ થઈ. એક રીતે નવરાત્રિ એ સ્ત્રી શક્તિનાં ગુણગાન ગાવાનું અને શૌર્ય, હિંમત તથા વીરતાની ભાવનાને પ્રબળ બનાવવાનું, વીરત્વ અને સ્ત્રી સશક્તીકરણનું અનોખું પર્વ છે. થોડા સમય પહેલાં રેશમા નામની મુસ્લિમ મહિલાએ નિર્ભયતાપૂર્વક બોમ્બ બનાવનાર પોતાના જ પતિને ખુદ પકડાવીને વીરતાપૂર્ણ કાર્ય થકી નિર્દોષ લોકોના જાન બચાવવાનું જે ભગીરથ કાર્ય કર્યું તે દૈવીકૃત્યની જરાયે ઉતરતું નહતું. સમાજમાં ઠેર ઠેર તેનું અભિવાદન કરાયું. તે નવરાત્રિની યથાર્થ ઉજવણી હતી. હમણાં જ નારીશક્તિના પ્રતીક સમી બે વિપ્ર વનિતાઓ રણે ચડી છે.
રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી સ્વ. હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિ પંડ્યા પોતાના સ્વર્ગીય પતિની હત્યાના સાચા હત્યારાની શોધના મામલે નિર્ભયતાપૂર્વક પોતાના પતિના જ પિતૃરાજ પક્ષ સામે જંગ ખેલી રહ્યાં છે. તો બીજુ બાજુ પોતાના પતિની ધરપકડના વિરોધમાં રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટ પણ હિંમતપૂર્વક લડી રહ્યાં છે.
બંનેની લડતના ગુણ દોષ કે સત્યાસત્યની ચર્ચામાં ન પડીએ તોપણ એટલું જરૂર કહી શકાય કે ત્રણ મહિલા મૂર્તિ દેવીઓની લડત દેખીતી રીતે પોતપોતાના પતિના જાહેર કાર્યના સંદર્ભે જ છે. આમ ત્રણેય નારીઓની હિંમત, નિર્ભયતા અને શૌર્ય સમગ્ર મહિલા જગતને વીરત્વની ભાવનાનો સંદેશ આપે તેવાં છે. બાંગ્લાદેશના યુદ્ધ ટાણે ભારતની જીત થતાં વિપક્ષીનેતા અટલજીએ અત્યંત ઔદાર્ય ભાવે વિજયી ઇન્દિરાજીને દુગૉસ્વરૂપ ગણાવીને તેમની સરાહના કરી હતી.
નવરાત્રિની સાથે રામકથા, રામલીલા અને રાવણદહન ગાઢ રીતે જોડાયેલાં છે. નવરાત્રિ પછીના દશેરાએ સંખ્યાબંધ રાવણદહન વર્ષોથી થાય છે, છતાં સમાજમાં રાવણોની સંખ્યા અને કદ દિન-પ્રતિદિન વધતાં જ જાય છે. આજે રાવણનું સ્વરૂપ બદલાયું છે. કામ, ક્રોધ, મોહ, માયા, લોભ, તૃષ્ણા, ઇષ્ર્યા, મત્સર વગેરે તો રાવણવૃત્તિનાં પ્રતીક આદિ-અનાદિ કાળથી છે જ પણ આજે વ્યાપક ભ્રષ્ટાચાર, આતંકવાદ, આર્થિક શોષણ, અન્યાય, બળાત્કાર, ભેળસેળ, સંગ્રાહખોરી, સટ્ટાખોરી, સત્તા અને સંપત્તિનો અમર્યાદિત દુરુપયોગ તથા તેનો અહંકાર જેવાં દસ નહીં પણ અનેક સ્વરૂપે રાવણ ઠેર ઠેર જોવા મળે છે. ત્રેતાયુગમાં રાવણના સ્વરૂપમાં પણ રામ વસતા હતા.
સીતાની સંમતિ વિના રાવણે પોતાના કબજામાં હોવા છતાં સીતા સાથે જરાયે બળજબરી કરી નહોતી. દુભૉગ્યે આજે કળિયુગમાં રામના સ્વરૂપમાં રામનો મુખવટો પહેરીને રાવણકૃત્યો કરતા રાવણોની સંખ્યા વધી છે. સીતાનું હરણ કરવા સાધુના વેશનું કપટ રાવણે કર્યું હતું. આજે ઠેર ઠેર રાવણો રામ સ્વરૂપે કપટ અને કૌભાંડો આચરી રહ્યા છે. આજે સત્તા, સંપત્તિ અને સામથ્ર્યના સ્વરૂપની રાવણવૃત્તિનો લોકો અન્યાય અને શોષણના રૂપે ભોગ બની રહ્યા છે ત્યારે સમૃદ્ધિ અને સ્વાર્થને કારણે વધતી રાવણવૃત્તિને નવા પરિપ્રેક્ષ્યમાં જોવાની અને તેનું લોકશિક્ષણ, લોકઘડતર અને જાગૃતિ અભિયાન થકી દહન કરવાની અત્યંત આવશ્યકતા છે.
સીતાહરણ પછી હઠે ચડેલા પોતાના પતિ રાવણને સીતાને મુક્ત કરીને યુદ્ધ ટાળવા સમજાવતાં સતી મંદોદરી કહે છે કે રામના પક્ષે ધર્મ અને સત્ય છે, તમારાં સત્તા, સંપત્તિ અને અધર્મ રામના ધર્મ અને સત્ય સામે ટકી નહીં શકે માટે સીતાને મુક્ત કરીને યુદ્ધ ટાળો જેથી સર્વનાશ અટકે. ત્યારે રાવણે પ્રત્યુત્તરમાં કહેલું કે મારું પાપ મને ખાઈ જશે, હું સર્વનાશ પણ જોઉં છું પણ પાછો વળું તો યા નમતું જોખું તો હું રાવણ ન રહું. રાવણ મારું સત્વ છે. મારું સત્વહીન થાય તો હું રાવણ ન રહું. પણ મંદોદરી મારું મૃત્યુ નિરર્થક નહીં જાય. કેમ કે, મારા પરાજય અને નાશ પછી પણ સંસાર એમ કહેશે કે અભિમાન તો રાજા રાવણનું પણ ટકર્યું નહતું અને બીજું કે તો ધર્મ અને સત્યનો જ વિજય થાય છે.
રાવણના જીવનના નીચોડ સમા, રાવણ ગીતા સમા તેનાં આ સનાતન મૂલ્યો જેવાં બે બ્રહ્ન વાક્યો આજના રાજકારણ, અર્થકારણ, સમાજકારણ અને ધર્મકારણમાં ટોચ પર બેઠેલા સમજે તો રાવણનું દર દશેરાએ દહન કરવાની જરૂર નહીં પડે. કામ, ક્રોધ, મોહનું માયા કરતાં સત્તા, સંપત્તિ થકી આચરાતા સામર્થ્ય અને સ્વાર્થના અહંકારને ઓગાળવાની વધુ જરૂર છે. મુખ મે રામ અને બગલમે છુરી લઈને સર્વત્ર ખુલ્લેઆમ ઘૂમતા કલિયુગી રાવણોથી સમાજે ચેતવાની જરૂર છે. સેવાના નામે સત્તાનો ઘમંડ, વિકાસના નામે ગરીબોનું શોષણ, આતંકના નામે નિર્દોષ નાગરિકોની હત્યા, સ્વાર્થ માટે ભ્રષ્ટાચાર, ભેળસેળ અને કાળાબજાર કરતા રાવણોની સંખ્યા અને કદ વધતાં જાય છે તે ચિંતાનો વિષય છે.
દશેરાનું પર્વ અસત્ય પર સત્યના, અહંકાર પર નમ્રતાના, અધર્મ પર ધર્મના અને અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ છે. અન્યાય અને અનાચારથી સંસારને મુક્ત કરીને ન્યાયની પ્રતિષ્ઠા થકી સદ્ભાવ ફેલાવવાનું પર્વ છે. દશેરાના દિવસે રાવણ દહન જોઈને આનંદીત થતા સૌએ પોતાનામાં વત્તા ઓછા અંશે પડેલી રાવણવૃત્તિ અંગે આત્મમંથન અને ચિંતન કરવાની જરૂર છે. કેમ કે રામ હોઠ પર રહી ગયા છે અને રાવણ હૈયામાં ઉતરી ગયો છે, એટલે દશાનનું દહન બહારથી નહીં, બલકે અંદરથી કરવાની જરૂર છે.