દિલ્હીમાં રહેતો રાજેશ એક સફળ બિઝનેસ એક્ઝિક્યુટિવ હતો. થોડા દિવસો પહેલાં તેણે સાત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પોતાના પરિવાર માટે તમામ ગેઝેટ્સ અને એક શાનદાર કાર ખરીદી. ત્યાર બાદ વસંત વિહાર ખાતેના તેના ઘરે અનેક બેન્કોએ છાપો માર્યો, જે પોતાના ક્રેડિટકાર્ડની ચુકવણી માટે તેના પાછળ પડી હતી. રાજેશ આજે દુનિયાથી છુપાતો ફરે છે. હવે ઇન્દોરની વાત કરીએ. આ રવિવારે ફિલ્મ ‘દેસી બોયઝ’ના અભિનેતાઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઇન્દોર આવ્યાં હતાં. આ દરમિયાન મને કેટલાક યંગસ્ટર્સ સાથે ત્રણ કલાક પસાર કરવાનો સમય મળ્યો.
તેમણે જુદા-જુદા શબ્દોમાં લગભગ એક જ વાત જણાવી ,‘દુનિયાની દરેક વસ્તુઓ પર તેમનો જન્મસિદ્ધ અધિકાર છે અને જ્યારે આ બધી સારી વસ્તુઓ તેમનાથી દૂર હોય છે ત્યારે તેમને ખરાબ લાગે છે.’ તેઓ આ બોલિવૂડ અભિનેતાઓને એક જ સવાલ પૂછવા તો માગતા હતા, ‘તમને આ શાનદાર ગાડી કેવી રીતે મળી, આટલું સુંદર મકાન કેવી રીતે મળ્યું અને આટલી સુંદર પત્ની કેવી રીતે મળી?’ મેં તેમાંના કેટલાક યુવાનોને પૂછ્યું કે, અક્ષયકુમાર આજે જે મુકામે છે ત્યાં તેઓ કેવી રીતે પહોંચશે? તેમના જવાબે મને જોરદાર આંચકો આપ્યો.
તેમણે જણાવ્યું કે, તેઓ સુખ-સુવિધાની તમામ વસ્તુઓને ઈએમઆઈ (માસિક હપ્તા)માં ખરીદી લેશે. જે ધિરાણ ક્યારેક શરમનું કારણ હતું તે આજે જીવનશૈલીનો એક ભાગ બની ગયું છે. એવું નથી કે બધા જ યંગસ્ટર્સ આવા છે. કેટલાક યુવાનો જે હજુ પણ સિંગલ છે તેઓ રોકાણ તરીકે પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. જોકે આ યુવાનોને પણ એ જણાવવાની જરૂર છે કે તેમણે રિયલ એસ્ટેટમાં રોકાણ કે મકાનોની વધતી કિંમતને બચત તરીકે ન જોવી જોઈએ.
ફંડા એ છે કે, આજના મુશ્કેલીના સમયમાં એક મજબૂત નાણાકીય અભૌતિકતાની દરકાર છે. એવી વસ્તુઓ પ્રત્યે આસકત ન થવું જોઈએ જે તમારા ખિસ્સાની પહોંચની બહાર છે. એવાં ઉત્પાદનો જ ખરીદવા જોઈએ, જેની કિંમત તમે લોન લીધા વગર ચૂકવી શકો છો.