સેલ્ફ મેનેજમેન્ટનો માર્ગ ઇન્ફર્મેશન અને ઇનોવેશનથી જ નક્કી થવો જોઈએ. જોખમોનો સામનો કરી રહેલા અર્થતંત્રને આ પ્રકારની સ્વતંત્રતા જ એક રચનાત્મક દિશા આપી શકે છે.
દરેક કંપનીએ ખુદને ચાર સવાલ પૂછવા જોઈએ: ગ્રાહક તેની પ્રોડક્ટ શા માટે ખરીદશે અને તેમાં ખાસ શું છે? કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ તેની સાથે શા માટે કામ કરશે?
શું નવું વર્ષ વીતેલા વર્ષથી અલગ સાબિત થશે? વર્ષ ૨૦૧૧ની અનેક અસાધારણ ઘટનાઓમાંની એક હતી દુનિયાભરમાં કોર્પોરેટ ક્ષેત્રની ધૂરા સંભળતા લોકો પ્રત્યે વધતો અવિશ્વાસ અને નફરત. અમેરિકામાં ચાલેલું ‘વોલસ્ટ્રીટ પર કબજો કરો’ આંદોલન દુનિયાના અનેક ભાગોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોનું અનુકરણ કરવાનો એક પ્રયાસ હતો, સાથે જ તે કોર્પોરેટ્સના ગેરવહીવટ પ્રત્યેના આક્રોશની અભિવ્યક્તિ પણ હતો.
આંદોલન કરનારા જાણતા હતા કે દુનિયાની અર્થવ્યવસ્થાને નિરાશામાં નાખી દેવા માટે લાલચ, ગેરવહીવટ અને બિનકાર્યક્ષમતા જેવાં કારણ જ જવાબદાર છે. તો હવે સવાલ એ છે કે નવું વર્ષ પોતાની સાથે આશાનો સંદેશો લઈને આવ્યું છે કે નિરાશાનો? શું દુનિયાભરનાં મેનેજર વીતેલા વર્ષ પાસેથી બોધપાઠ લેશે અને જવાબદારી, સંવેદનશીલતા તથા દૂરંદેશીનો પરિચય આપશે?
છેવટે એ જ થયું જેની આશા ન હતી
મેનેજમેન્ટ ક્ષેત્રે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આઈઆઈએમ, અમદાવાદના ડાયરેકટર સમીર બરૂઆ આ અંગે વિશેષ દ્રષ્ટિકોણ ધરાવે છે. તેઓ જણાવે છે કે, ‘આ વર્ષે અનેક પરિવર્તન જોવા મળશે. યુરોપમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે, આથી આપણે ખુદને સંપૂર્ણ રીતે સંકટની સ્થિતિથી અળગા રાખી શકીશું નહીં. સૌથી મોટો પડકાર પર્યાવરણની ગતિશીલ પ્રકૃતિ સાથે તાલમેળ બેસાડવાનો છે. અત્યાર સુધી આપણે બધાં જ જોખમો એટલા માટે પાર કરી શક્યા કેમકે તેને માપી શકાતાં હતાં, પરંતુ હવે એવી સ્થિતિ નહીં રહે. કારણ કે અનેક દેશોમાં એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેની અગાઉ અપેક્ષા ન હતી.’
જોકે, અર્થશાસ્ત્રીઓએ આપણને ચેતવણી આપી હતી કે ઝોલાં ખાતું યુરોઝોન વર્ષ ૨૦૧૨માં સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ શકે છે. બ્રિટનની એક થિન્કટેન્ક ‘સેન્ટર ફોર ઇકોનોમિકસ એન્ડ બિઝનેસ રિસર્ચ’ના અનુમાન મુજબ આગામી દસ વર્ષમાં યુરોઝોનના બધા જ સભ્યો જુદા પડી જવાની સંભાવના હોઈ બિઝનેસ મેનેજમેન્ટ પર દબાણ વધશે.
અનેક દિગ્ગજોની ખુરશી જોખમાઈ
વીતેલું વર્ષ દિગ્ગજો માટે સારું રહ્યું નથી. ટીકાકારોએ બ્રાયન મોયનહિનને સૌથી ખરાબ સીઈઓમાંના એકની સંજ્ઞા આપી, કેમ કે તેમના કાર્યકાળમાં બેન્ક ઓફ અમેરિકાના સાઈઠ ટકા શેર ડૂબી ગયા હતા. ‘યાહુ’ને ફરીથી પગભર કરવામાં નિષ્ફળ રહેલા કેરોલ બાર્ટઝની હકાલપટ્ટી કરવામાં આવી. બરૂઆ જણાવે છે કે, ‘કંપનીઓ શેરધારકોના ફાયદાને મહત્તમ સ્તરે લઈ જવાનું વિચારે છે. સીઈઓને નફો કમાવા માટે બોનસ આપવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી સ્ટેકહોલ્ડર્સના હિતને સાધવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીઓ સારું પ્રદર્શન કરી શકશે નહીં.’
રાજકારણ પાસે ઉદ્ધારની અપેક્ષા?
બરૂઆ સંકટની સ્થિતિને પણ રેખાંકિત કરે છે. તેઓ જણાવે છે કે,‘આર્થિક નિર્ણયો લેવા માટે જરૂરી રાજકીય સંકલ્પશક્તિ નબળી પડી ગઈ છે. લોકપ્રિયતા અપાવનારાં પગલાંને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થવાનું જ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો રાજકારણથી અર્થવ્યવસ્થાનો ઉદ્ધાર થઈ શકે નહીં.’ દુનિયાભરમાં પ્રતિભાઓનું સંકટ પણ પેદા થયું છે. સફળતાની ચાવી એ વાતમાં છુપાયેલી છે કે ટેલેન્ટ પૂલની કમી પછી પણ ગ્રાહકોની અપેક્ષાઓને સતત કેવી રીતે વધારી શકાય.
વિકસતાં બજારો પાસે આશા
ફકત વિકસતાં બજારો પાસે જ આશા રાખી શકાય છે. નિષ્ણાતોનો મત છે કે ૨૦૧૨માં વિકાસશીલ બજાર પ્રથમ વખત દુનિયાની આયાતનો અડધાથી વધુ ભાગ ખરીદશે અને ચીન-અમેરિકાને પછાડીને સૌથી મોટા આયાતકાર બની જશે. આ માટે જરૂરી છે કે વિકસતી કંપનીઓની દરેક ટીમ અને તેમના વડા પોતાના પી એન્ડ એલ એકાઉન્ટ ઉપલબ્ધ કરાવે, કેમ કે તેનાથી તેઓ પોતાના સ્તરે શોધ કરી શકશે અને એવા નિર્ણય પણ લઈ શકશે, જેઓ તેમના ખાતામાં નફાના સ્વરૂપમાં નોંધાશે.
એટલાન્ટિક : બંને બાજુ અવઢવ
પશ્ચિમી દેશોનો સવાલ છે ત્યાં સુધી અર્થવ્યવસ્થાના સંકટની સ્થિતિ યથાવત્ રહેશે અને તેને માટે એટલાન્ટિકની બંને બાજુના નેતાઓની મૂંઝવણ જવાબદાર છે. યુરોપ અને અમેરિકા એક બાજુ મંદી તરફ આગળ વધી રહ્યા છે, કેમ કે તેમણે લાંબા ગાળાની લોનના સંકટનો સામનો સંયમથી કર્યો નથી. સ્પષ્ટ છે કે અમેરિકા પોતાના અર્થતંત્રની સ્થિતિ સુધારવા માટે ઘણી મહેનત કરશે, કેમ કે બરાક ઓબામા વ્હાઈટ હાઉસમાં પોતાના બીજા કાર્યકાળની શરૂઆત કરવા માટે આતુર છે. જોકે, ફકત ઓબામા જ નહીં, દુનિયાભરના ‘સંપન્ન’ દેશોના નેતાઓ પોતાની સમસ્યાઓમાં ફસાયેલા છે, આથી તેમની પાસે આશા રાખવી નિરર્થક રહેશે.
કંપનીઓ ખુદને પૂછે ચાર સવાલ
૧લી જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ આઈબીએમના પ્રમુખપદને અલવિદા કહેનારા સેમ્યુઅલ જે. પાલ્મિસાનોએ પોતાના બે ઇન્ટરવ્યુમાં એક કંપનીને કેવી રીતે સુવ્યવસ્થિત રીતે ચલાવી શકાય તેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. તેઓ જણાવે છે કે દરેક કંપનીએ ખુદને ચાર સવાલ પૂછવા જોઈએ : ગ્રાહક તેની પ્રોડકટ શા માટે ખરીદશે અને તેમાં ખાસ શું છે? કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ તેની સાથે શા માટે કામ કરશે? રોકાણકારોએ તેમાં પોતાનાં નાણાનું રોકાણ શા માટે કરવું જોઈએ? અને તેને ચાલવા દેવા માટે સમાજ શા માટે મંજૂરી આપે?
જો તમારી પાસે આ પ્રશ્નોના સાચા જવાબ હોય તો જ ૨૦૧૨માં સફળ થઈ શકશો. સેલ્ફ મેનેજમેન્ટનો માર્ગ ઇન્ફર્મેશન અને ઇનોવેશનથી જ નક્કી થવો જોઈએ, કેમકે તેનાથી જ કંપની પોતાનું મજબૂત સ્થાન બનાવી શકશે. મધ્યમ કદની કંપનીઓએ પોતાનું કદ વધારવા માટે નાનાં-નાનાં પગલાં લેવાં જોઈએ. ‘કર્મચારીની સ્વતંત્રતા’ તેનું એક માધ્યમ છે. જોખમોનો સામનો કરી રહેલા અર્થતંત્રને આ પ્રકારની સ્વતંત્રતા જ એક રચનાત્મક દિશા આપી શકે છે.
એન. રઘુરામન, લેખક ભાસ્કરના મધ્યપ્રદેશના સ્ટેટ એડિટર છે.