આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય : હોંગકોંગની પોલિટેક્નિક યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડિઝાઇનના એક ૧૯ વર્ષના વિદ્યાર્થી જોનાથન મેકે એક આઈડિયા રજુ કર્યો કે સ્ટીવ જોબ્સના છાયાચિત્રને એપલ કંપનીના લોકોની બાઈટ સાથે જોડી દેવામાં આવે, જે પ્રતીકાત્મક રૂપે જોબ્સના પ્રયાણ અને કંપનીના કેન્દ્રમાં તેમની વિલંબિત હાજરી દર્શાવશે. સાઈબર સ્પેસમાં મેકની ડિઝાઇન જંગલમાં આગની જેમ ઝડપથી ફેલાઈ અને ‘ઇબે’ પર તેની આ ડિઝાઇન દર્શાવતી હજારો ટોપીઓ અને ટી-શર્ટ્સ ઉપલબ્ધ થઈ ગયાં.આજે મેકને એક નોકરીની ઓફર મળી, જેમાં તેને લાખોનું પેકેજ આપવામાં આવ્યું. મેકે આ લોગો ત્યારે તૈયાર કર્યો હતો, જ્યારે સ્ટીવ જોબ્સે એપલમાંથી પોતાનું સીઈઓનું પદ છોડી દીધું હતું, પરંતુ ત્યારે તેને નોટિસ ન કરાયું.
રાષ્ટ્રીય પરિદ્રશ્ય : અંદાજે ૧૦ છોકરીઓએ રમેશ નાયર (પરિવર્તિત નામ)ને નાપસંદ કરી દીધો. રમેશ ત્રિવેન્દ્રમ કોલેજમાં કોમર્સમાં માસ્ટર્સનો ડિગ્રી કોર્સ કરી રહ્યો છે. તેના પરિવારજનો વર્ષના અંત સુધી તેના લગ્ન થઈ જાય એમ ઇચ્છતા હતા. પરંતુ કેરાલાના એક નાનકડા ગામમાં રહેતા આ પરિવારનાં સપનાં તૂટી ગયાં. છોકરા વિશે પૂછપરછ કરવા જે પરિવાર ત્યાં જતો ત્યારે કેટલાક લોકો તેમને એવું કહેતા કે રમેશનાં લગ્ન પહેલેથી થઈ ચૂક્યાં છે અને તે દારૂડિયો છે.
આ સાંભળીને છોકરીનો પરિવાર ભાગી જતો. ૫૦ હજારની વસ્તીવાળું કૈપામંગલમ નામનું આ ગામ કેરાલામાં ત્રિશૂર જિલ્લા પાસે આવેલું છે. અહીં લોકો મસ્તી ખાતર આમ કરે છે. આ જગ્યાએ એક નવી પીઆર કંપની ખૂલી ગઈ છે, જે છોકરો-છોકરી શોધતા પરિવારોને સાચી જાણકારી આપે છે અને આ લગ્ન તોડનારાને ખુલ્લા પાડે છે. આ સમસ્યાના કારણે ત્યાં જે નવો વ્યવસાય શરૂ થયો છે, તે ખૂબ સારો ચાલી રહ્યો છે.
ફંડા એ છે કે, સમાજની દરેક ગતિવિધિ કે સમસ્યામાં ક્યાંક ને ક્યાંક એક વ્યવસાયી તક છુપાયેલી હોય છે. જો તમે સમસ્યાના સમાધાન સાથે યોગ્ય સમયે પોતાની સર્જનાત્મકતા બતાવશો તો દુનિયા તમારાં કદમોમાં હશે.