નવી દિલ્હીમાં રહેતો ૧૭ વર્ષનો રથું મુંડા સારો ક્રિકેટર છે. તેનો સૌથી વધુ સ્કોર ૫૦ રન નો.આ. અને બોલિંગનો શ્રેષ્ઠ દેખાવ ૩૦ રનમાં ૪ વિકેટ છે. તેને થાય છે કે પોતે સારો ખેલાડી બની શકે છે. ઝારખંડના આ યુવા આદિવાસીએ ગયા રવિવારે નવી દિલ્હીમાં લાજપત નગરની ટીમમાંથી રમીને જેપીએમ સ્કૂલને આઠ વિકેટે હરાવી આઈવે બ્લાઈન્ડ ક્રિકેટ ચેલેન્ડર ટુનૉમેન્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ યુવાન પુરસ્કાર લેતી વખતે ખૂબ જ રોમાંચિત હતો. રમતી વખતે તેણે રન દોડવા માટે કોઈની મદદ લેવી પડી હતી. તેમ છતાં મુંડાને મળશો તો એમ લાગશે કે તે ઊર્જાથી ભરપૂર છે અને કોઈ મુશ્કેલી તેને સફળતા મેળવવામાં નડી શકે તેમ નથી. મુંડા, ઇન્સ્ટિટ્યૂશન ફોર ધ બ્લાઈન્ડ (લાજપત નગર) ટીમનો એક સભ્ય છે. તેણે ખૂબ જ નાની વયે આંખો ગુમાવી દીધી હતી. શરૂઆતમાં રાંચીની એક શાળામાં એડમશિન લીધા પછી તે વર્ષ ૨૦૦૬માં દિલ્હી શિફ્ટ થઈ ગયો અને અન્ય ભારતીયોની જેમ જ ક્રિકેટ રમવા લાગ્યો. દ્રષ્ટિહીનતા તેને ક્રિકેટ રમવામાં ક્યારેય નડતી નથી.
દિલ્હીમાં ગયા રવિવારે ત્રણ પ્રકારના દ્રષ્ટિહીન લોકોએ ટુનૉમેન્ટમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ દ્રષ્ટિહીન, આંશિક દ્રષ્ટિહીન અને જે લોકો બે ફૂટ દૂર સુધી જ જોઈ શકે છે તે. ક્રિકેટ આ ભારતીયોમાં પણ એટલું જ લોકપ્રિય છે. વાત એ છે કે આપણામાંથી કેટલાએ આ લોકોની ૨૦-૨૦ મેચ જોઈ છે કે તેમને ફોર મારવા પર કે વિકેટ લેવા પર તાળીઓ પાડીને પ્રોત્સાહિત કર્યા છે. આપણા જેવા સામાન્ય લોકો માટે આ મેચ માત્ર એક ચેરિટી મેચ જેવી જ છે. આપણે એમ માનીએ છીએ કે તેમને મદદની જરૂર છે, તે લોકો સમાજમાં કંઈ યોગદાન આપી શકે તેમ નથી. જોકે તે ખરેખર સત્ય નથી. બ્લાઈન્ડ ક્રિકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમાય છે, જેમાં આપણા દેશમાંથી લગભગ ૪૫૦૦ ખેલાડીઓ ભાગ લે છે.
ફંડા એ છે કે, તેમનું જોશ જ તેમને દ્રષ્ટિહીન હોવા છતાં ક્રિકેટ રમવા અને તેનો આનંદ લેવા પ્રેરણા પૂરી પાડે છે. આ જ જોશના આધારે તમે જિંદગીમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો.