દુનિયાની સૌથી મોટી ફાસ્ટ ફૂડ શૃંખલા મેકડોનાલ્ડ્સ ભારતમાં પોતાના આઉટલેટ્સની સંખ્યા બમણી કરવા જઈ રહી છે. તેને દુનિયાની કોઈ પણ ફાસ્ટ ફૂડ કંપની દ્વારા કરાતો સૌથી મોંઘો સુધારા કાર્યક્રમ કહી શકાય. મેકડોનાલ્ડ્સ વાસ્તવમાં દર ચાર કલાકે દુનિયાના કોઈ ભાગમાં પોતાની એક નવી રેસ્ટોરાં ખોલી રહી છે. એન્ટાર્કટિકા એક માત્ર એવો મહાદ્વીપ છે, જ્યાં હજુ સુધી કોઈ મેકડોનાલ્ડ રેસ્ટોરાં નથી. દુનિયાભરમાં ભારતનાં મેકડોનાલ્ડ રેસ્ટોરાં જ એવાં છે, જ્યાં ગૌમાંસ નથી વેચાતું. રોજ ઓછામાં ઓછા ૪ કરોડ ૬૦ લાખ લોકો મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાંમાંથી બનતી વાનગી લે છે.
અમેરિકામાં ૧૪ હજારથી વધારે મેકડોનાલ્ડ્સ આઉટલેટ્સ ખૂલ્યા છે. તે દર મહિને એક કરોડથી વધારે હેમ્બર્ગર વેચે છે. દુનિયાની સૌથી મોટી મેકડોનાલ્ડ રેસ્ટોરાં બિજિંગમાં છે, જેના આઉટલેટનો એરિયા ૨૮ હજાર વર્ગફીટ છે. દુનિયાની વ્યસ્ત રેસ્ટોરાં મોસ્કોના પુશિ્કન સ્કવેરમાં આવેલી છે, જ્યાં તે રોજ ૪૦ હજાર લોકોને વિવિધ વ્યંજન આપે છે. દુનિયાની સૌથી મોટી કોફી શોપ શૃંખલા સ્ટારબકસ વર્ષના અંતમાં ભારતમાં પોતાનું પહેલું આઉટલેટ ખોલવા જઈ રહી છે.
તેના માટે તેણે તાતા કોફી સાથે ભાગીદારી કરી છે. ઇટલી જેવા દેશમાં બે લાખ કોફી શોપ છે, જેની વસતી દુનિયાની કુલ વસ્તીની એક ટકા પણ નથી. બીજી તરફ ભારતમાં દુનિયાની કુલ વસતીના ૧૭.૫ ટકા હિસ્સો વસે છે, છતાં અહીંયા બીજી બ્રાન્ડ્સના માત્ર બે હજાર આઉટલેટ્સ છે. એવી જ રીતે કોક અને પેપ્સી જેવી કંપનીઓ પણ આવતાં પાંચ વર્ષમાં પોતાનો વ્યવસાય બમણો કરવા જઈ રહી છે, જ્યારે પાણીની બોટલોનો વ્યવસાય આ સમયમાં ૩૦૦ ટકા સુધી વધી શકે છે. અર્થવ્યવસ્થામાં ઉછાળો આવવાને કારણે અને ખરીદશક્તિ વધવાથી ભારત દુનિયાભરમાં ફૂડ એન્ડ બેવરેજ બનાવતી અને વેચતી કંપનીઓ માટે પસંદગીનો ગઢ બની ગયું છે. આ સિવાય લોકલ ફૂડ આઉટલેટ્સની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે.
ફંડા એ છે કે, જ્યાં સુધી દુનિયામાં માણસનું અસ્તિત્વ છે, ત્યાં સુધી ખાણી-પીણીની ચીજો વેચાતી રહેશે. સવાલ એ છે કે, લોકો કમાય છે કેટલું અને તે ખાવા પર કેટલો ખર્ચ કરવા તૈયાર છે. ઉચ્ચ ગુણવત્તાવાળી વાનગી જરૂર વેચાશે.