શહેરોમાં નવી બનતી કોલોનીઓના રહીશો માટે સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ સહિત અન્ય વધારાની સુવિધા રજુ કરી શકાય, પરંતુ કોલકાતાના અલીપોર જેવા પોશ વિસ્તારમાં તમને કંઈક અલગ પ્રકારની જાહેરાત જોવા મળશે. અહીંયાના બિલ્ડરોની એક નવી જાહેરાત છે-‘અમે કોલોનીમાં ધાબાઓ પર શાકભાજીના બગીચા માટેની જગ્યા ઉપલબ્ધ કરાવીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ દેશનું સૌથી મોટું શાકભાજી ઉત્પાદક રાજ્ય છે અને આ રાજ્યના કોલોની ડેવલપર્સ લોકોને કંઈક એવું ઉપલબ્ધ કરાવી રહ્યા છે, જે તેમના જીવનનો હિસ્સો છે.
જોકે ત્યાં માછલી ખૂબ ખવાય છે, છતાં તે પોતાના ખાદ્ય સંબંધી કુલ ખર્ચના છ ટકા શાકભાજી પર ખર્ચે છે. આ પ્રદેશની રાજધાની કોલકાતામાં હોર્ટિકલ્ચર પર અંદાજે ૨૦૦ કક્ષા ચાલી રહી છે. દેશના બીજા ભાગમાં ચાલતાં ગાયન અને નૃત્ય તાલીમ કેન્દ્રોની જેમ આ હોર્ટિકલ્ચર કક્ષાઓનો ક્રેઝ અહીંયાની અપમાર્કેટ ગૃહિણીઓમાં વધી રહ્યો છે. આમ પણ શાકભાજીના વધતા ભાવ ઉપરાંત તેમાં ઝેરી રસાયણોના ઉપયોગને કારણે ધાબે પર શાકભાજી ઉગાડવાની જરૂર વધી રહી છે. મુંબઈ પાસે નાશિકમાં આ ચલણ ખૂબ જોવા મળે છે, જ્યાં અમીરોના પોતાના બંગલા છે.
ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયે થઈ રહેલી છેતરપિંડી અને અનૈતિક કૃત્યોને કારણે શહેરી કૃષિ શક્યતાઓ અને મહત્તા હજુ વધશે. દુનિયાના તમામ ભાગમાં શહેરી કૃષિ એક અનિવાર્ય પ્રથા બની રહી છે અને જાપાન જેવા દેશમાં તો દાદર પર પણ શાક ઉગાડાય છે. વિકસતાં શહેરોમાં ધાબાઓ પર ખૂબ જગ્યા હોય છે, જ્યાં બગીચા બનાવી શકાય છે. આ વધતા ચલણને જોતાં કેરલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ ટેરેસ ગાર્ડન પર શાકભાજી ઉગાડવા માટે ઉત્સાહી લોકો માટે ૨૫ શાકભાજીની એક કિટ બનાવવા લાગી છે.
ફંડા એ છે કે, હોર્ટિકલ્ચર બિઝનેસમાં અપાર શક્યતા ઉપલબ્ધ છે. આવનાર સમયમાં હજુ પણ અનેક શહેરોમાં ધાબાઓ પર શાક ઉગાડવાનું ચલણ વધશે. તેના પ્રત્યે ઇચ્છુક લોકો માટે સારું એ હશે કે, તે ઝડપથી આ ક્ષેત્રમાં ઊતરે, નહીં કોઈ બીજું તેનું કોર્પોરેટીકરણ કરી દેશે.