દક્ષિણ તમિલનાડુમાં નહેરકોઈલથી નવ કિલોમિટર દૂર થાલાકુડી ગામમાં શંબગમ ગણેશનનો પરિવાર રહે છે. તેમની પાસે માંડ અડધો એકર જમીન હતી, જેનાથી તેમને મહિને ૧૦૦ રૂપિયા કમાણી થતી હતી. આ ૧૯૬૦ના દાયકાની વાત છે. આ રકમથી તેના પરિવારના દસ સભ્યોનું ભરણપોષણ પરાણે થતું હતું. ભાઈ-બહેનોમાં ચોથા નંબરના ગણેશનને યાદ છે કે તે દરમિયાન તેને એક દિવસ છોડીને ખાવાનું મળતું હતું.
ગણેશને ૧૬ વર્ષની ઉંમરે મિકેનિક તરીકે કામ શરૂ કર્યું. તે રોજ સાઈકલ લઈને નહેરકોઈલ જતો અને ટ્રક રિપેર કરીને રોજના ૧૨ રૂપિયા કમાતો હતો. આજે ૫૭ વર્ષના ગણેશન પોતાનો વ્યવસાય ચલાવે છે અને તેમની પાસે બે કરોડની પ્રોપર્ટી છે. વ્યવસાય સારો ચાલે ત્યારે તેમની મહિનાની કમાણી બે લાખ સુધી પહોંચી જાય છે. તે પચાસ લોકોને પગાર આપે છે. એટલે કે તેમના પરિવારથી ૫૦ લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે.
તેમણે ૧૭ વર્ષ સુધી મિકેનિક તરીકે કામ કર્યું. ૧૯૮૬માં તેમણે પોતાની દુકાન શરૂ કરી. ત્યાર પછી તેમણે જુની ટ્રકો ખરીદી તેને રિપેર કરીને વેચવાનું શરૂ કર્યું. તેનાથી સારી કમાણી થતી હતી. ૧૯૯૦માં ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચાર્યું. આ માટે તેમણે ૨૫ ટકાના વ્યાજે ઉધાર નાણાં લીધાં. આજે તેમની પાસે ૧૫ મલ્ટિ એક્સેલ ટ્રક છે.
અત્યારે તેમણે પોતાનું તમામ દેવું ચૂકતે કરી દીધું છે, બાળકોને પણ સારું શિક્ષણ આપ્યું છે તથા એક આલિશાન બંગલો પણ બનાવ્યો છે. તેમની પાસે ત્રણ કાર અને એસી ઓફિસ છે. તેઓ જણાવે છે કે આર્થિક ઉદારીકરણે મને આગળ વધવાની તક આપી. અત્યારે તેઓ સાડા સાત ટકા વ્યાજે ગાડીઓ ફાઈનાન્સ કરે છે. તેમને સફળતા મળી કારણ કે તેમણે કમાયેલું ધન ફરીથી બિઝનેસમાં જ રોક્યું. તે ઉપરાંત ટ્રકોને પણ સારી રીતે મેન્ટેન કરી જેથી તેના પર વધારે ખર્ચ ન થાય.
ફંડા એ છે કે, જ્યારે તમને તમારા બિઝનેસમાં કંઈ ફાયદો થાય તો તેને ફરીથી તેમાં જ રોકવો જોઈએ જેથી તેમાં સતત વધારો થતો રહે. તે ઉપરાંત આપણો બિઝનેસ સાધનો પર ટકેલો છે તો તેને પણ વ્યવસ્થિત રાખવા જોઈએ જેથી તેના પર મેન્ટેનન્સનો વધારે ખર્ચ ન આવે.