પાંચમા ધોરણમાં ભણતો પ્રણય ગુપ્તા ટિફિન બોક્સ લઈ જવાને બદલે સ્કૂલની કેન્ટીનમાંથી ખાવાનું પસંદ કરતો હતો. તેના અન્ય મિત્રો પણ કેન્ટીનમાંથી પાંઉ-ભાજી, વડા-પાંઉ કે ચાઉમીન ખાય છે, પરંતુ દિવાળીની રજાઓ બાદ પ્રણયને ફૂડ પોઈઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એટલું જ નહીં ૪૦ બાળકોના કલાસમાં દર મહિને અંદાજે ચાર બાળકો પેટ ખરાબ થવાને કારણ બીમાર પડતાં હતાં. હવે પ્રણયના પિતા સ્વયં સ્કૂલ માટે કેટરર બની ગયા છે.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં ભણેલા શ્રી ગુપ્તાનું માનવું છે કે, એક મલ્ટિનેશનલ કંપનીની નોકરી કરતાં આ વ્યવસાયમાં વધારે ફાયદો થઈ શકે છે. પ્રણય જ નહીં મોટા ભાગનાં શાળાઓનાં બાળકોને સ્કૂલની કેન્ટીનમાં ખાવું-પીવું પસંદ છે. મહિનામાં ક્યારેક ઘર બહાર જમવું એ અનેક શહેરમાં સામાન્ય ચલણ બની ચૂક્યું છે, પરંતુ સાફસફાઈનું ધ્યાન રાખ્યા વિના બહાર ખાવું-પીવું એ ચિંતાની વાત છે. મીડિયામાં મોટા ભાગે સ્કૂલ અને કોલેજ કેન્ટીનમાં ફેલાયેલી ગંદકી બતાવાય છે.
આ ઉપરાંત રસ્તાના કિનારે લગાડેલાં ફૂડ આઉટલેટ્સનાં પણ અનેક સ્ટિંગ ઓપરેશન કરીને વ્યાપ્ત ગંદકીને સૌની સામે લવાઈ ચૂકી છે. આ સ્થિતિમાં વિચિત્ર લાગે છે કે, શિક્ષણ તંત્રમાં વ્યાપક પરિવર્તન છતાં સ્કૂલ-કોલેજની કેન્ટીન જેમની તેમ છે. કેન્ટીનમાં જ્યાં-ત્યાં થયેલી ગંદકી, ગંદાં વાસણો, ગંદાં કપડાંવાળાં કિચનોનું ર્દશ્ય આજે પણ સામાન્ય છે. આ ઉપરાંત આ કિચનોમાં ખાદ્યપદાર્થો મૂકવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી હોતી.
બ્રિટનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ રિસર્ચ અને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધન અનુસાર ખાદ્ય પદાર્થજન્ય બીમારીઓ પ્રત્યે બાળકો વધુ સંવેદનશીલ હોય છે. ત્યારબાદ ગર્ભવતી મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોનો નંબર આવે છે. સ્વચ્છતાના પાઠ સૌ કોઈ માટે જરૂરી છે, પરંતુ બાળકો માટે તેની આવશ્યકતા વધુ છે.
ફંડા એ છે કે, વ્યાપારની તમામ તકો ઉપલબ્ધ છે, પરંતુ તેના મૂળમાં ક્વાલિટી રહેલી છે. જો તમે ગુણવત્તાનું સ્તર જાળવી શકો છો તો કોઈ પણ વ્યવસાયમાં તમારી સફળતાની શક્યતા વધી જાય છે.