મુંબઈમાં રક્ષાબંધનના બીજા દિવસની વાત છે. તે સમયે જસ્ટિસ તરુણ ટહલિયાનીની વિશેષ અદાલતમાં ૨૬-૧૧ કેસની સુનાવણી ચાલી રહી હતી. કસાબ અપરાધીના કઠેડામાં ઊભો હતો. ત્યારે જ તેમના વકીલે જજને કહ્યું કે, કસાબે તેમને પૂછ્યું કે અહીંયા હાજર દરેક પુરુષના હાથ પર જે દોરો બાંધેલો છે તે શું છે ? વકીલે કસાબને કહ્યું હતું કે, તે એક પવિત્ર દોરો છે જે બહેન પોતાના ભાઈઓના હાથ પર બાંધે છે.
કસાબે તેમને પૂછ્યું કે શું તેની બહેન અહીંયા આવીને તેના હાથ પર રાખડી બાંધી શકે છે ? વકીલે જવાબ આપ્યો હતો કે, દેશની કોઈ પણ બહેન તેને રાખડી બાંધી શકે છે. બીજા દિવસે તમામ મીડિયામાં આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સામાન્ય જનતાના મનમાં કસાબ પ્રત્યે એ ધારણા બની કે તે સારો માણસ છે અને કોઈ આતંકવાદી સંગઠને ભારતને અસ્થિર કરવા માટે તેનો ઉપયોગ કર્યો છે. આ સમાચારથી લોકોના મનમાં તે જઘન્ય અપરાધી પ્રત્યેનો ગુસ્સો ઓછો થઈ ગયો.
મહારાષ્ટ્ર સરકારના સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર એડવોકેટ ઉજજવલ નિકમના ખભા પર આ ધારણા બદલવાની જવાબદારી હતી. આથી એક દિવસ પોતાની નિયમિત પ્રેસ બ્રીફિંગમાં આ રક્ષાબંધન જેવી મર્મસ્પર્શી બાબતે સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે, ‘આરોપીએ અનેક વાતો કહી છે. તેણે ચિકન અને મટન બિરયાનીની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ મેં ક્યારેય એવી વાતનો ઉલ્લેખ નથી કર્યો.’ હંમેશાં નવી વાતોની શોધમાં રહેતા મીડિયાએ આ સ્ટોરી પણ ચલાવી. જેનું પરિણામ એ આવ્યું કે, થોડી ક્ષણોમાં જ લોકોના મનમાં કસાબને લઈને ધારણા બદલાઈ ગઈ. કસાબ જેવા હાઈ પ્રોફાઈલ કેસમાં રાષ્ટ્રીય સ્તર પર એક ધારણા નિર્મિત કરાતી હોય છે તો વકીલ તે ધારણા નિર્માણની વધારાની જવાબદારી ઉઠાવે છે.
ફંડા એ છે કે, તમે તમારા વ્યવસાય પ્રત્યે ગમે તેટલા પ્રામાણિક હો પરંતુ જો તમારે તમારા સ્ટાફ, સમાજ, રોકાણકાર કે રાષ્ટ્ર વિશે કોઈ ધારણા નિર્મિત કરવાની જરૂર પડે તો તમારે એટલા ચતુર રહેવું પડશે કે, તે આસાનીથી સંભાળી શકો. ધારણા બનાવવી વાસ્તવમાં બેધારી તલવાર પર ચાલવા જેવું છે.