નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રોજની જેમ જ ભીડ હતી. ત્યારે એક વ્યક્તિ કુલદીપ સિંહને શોધતો ગાડીમાં પ્રવેશી અને તેના હાથમાં એક પાર્સલ આપીને જતો રહ્યો. બે જ મિનિટમાં તેણે પાર્સલ ખોલીને તેમને સામાન બતાવ્યો અને તેની રકમ લઈને જતો રહ્યો. તે સામાન લગભગ ૩૫ હજાર રૂપિયાનો હતો. તે જ પ્રકારે કુટ્ટપન પરિવારે તેમની દીકરી લગ્ન બાદ પહેલી વખત તેનાં સાસરે પગ મૂકે તે પહેલાં તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કે જેની કિંમત લગભગ સાડા ત્રણ લાખ હતી ત્યાં પહોંચાડી દેવાનો વાયદો કર્યો હતો, જે તેમણે પૂરો પણ કરી દીધો હતો.
યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ નક્કી કરેલો સામાન પહોંચાડવાનો વ્યવસાય કરવાનો વિચાર કોલેજમાં અભ્યાસ કરતા બે મિત્રોના મગજમાં આવ્યો અને તેમણે સાથે મળીને એવાં લોકપ્રિય ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યું જે સાઈબર સ્પેસમાં વેચાતાં હોય છે. હિતેશ ઢીંગરા અને અમનપ્રીત બજાજ માટે આ એક નવો અનુભવ હતો, તેમણે મોબાઈલ ફોન, ડિજિટલ કેમેરા, ગેમિંગ કંસોલ અને લેપટોપ જેવા આધુનિક ગેજેટ્સને પોતાના લક્ષ્ય બનાવ્યા.
વર્ષ ૨૦૦૯માં ૧૦ લાખના બજેટ સાથે તેમણે આ વ્યવસાય શરૂ કર્યો. અમનપ્રીતે પોતાની અન્સ્ર્ટ એન્ડ યંગની નોકરી અને હિતેશે પણ એક ગ્લોબલ આઈટી હાર્ડવેર ઈ-કોમર્સ કંપનીની નોકરી છોડી દીધી. માત્ર બે વર્ષના સમયમાં તેમની ઇ-કોમર્સ સાઈટ જetજૃણ્ન્.ેગ્ક એ એક એવું કેટલોગ તૈયાર કરી દીધું જેમાં ૧૫૦થી વધારે બ્રાન્ડ અને પાંચ હજારથી વધારે ઉત્પાદનોનો સમાવેશ થતો હતો.
તેમની મુખ્ય કંપનીએ ડિજિટલ મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડની ત્રણ ફર્મ પાસેથી ૬૦ લાખ ડોલર વેન્ચર કેપિટલ ફન્ડિંગ મેળવી. તેની મદદથી તેમણે ટીવી, હોમથિયેટર, જયૂસર મિક્સર અને માઈક્રોવેવ જેવી વસ્તુઓનો પણ સમાવેશ કર્યો. તેમને એનસીઆર ક્ષેત્રોમાં ૨૦ ટકા, દ. ભારતમાં ૩૦ ટકા અને પ. ભારતમાં ૨૭ ટકા ઓર્ડર મળ્યા.
ફંડા એ છે કે, ગ્રાહકોની માંગ પ્રમાણે ચોકકસ સમય અને સ્થળે વસ્તુ પહોંચાડવી જરૂરી છે. વેપારની સફળતાનો આ મૂળમંત્ર છે.