મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
નવો વિચાર ભારતના રાજકારણમાં જે ચાલી રહ્યું છે, તેનાથી આપણામાંના ઘણા લોકોની અપેક્ષાઓ તૂટી ગઈ છે. આખરે આપણે કોના પર વિશ્વાસ મૂકવો?
ગુજરાતના અનેક ભાગોમાં નાગરિકોએ ચૂંટેલા ઉમેદવારો સ્થાનિક પાલિકા-નગર-પાલિકાની પેટા-ચૂંટણીઓમાં અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો પછી શા માટે આપણે ભ્રષ્ટ પક્ષોને આપણું પ્રતિનિધિત્વ કોણ કરશે એ નક્કી કરવાની તક આપીએ?
ગુજરાત રાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને રાષ્ટ્રીય પક્ષોએ પણ ૨૦૧૪ની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે મને અવારનવાર પૂછવામાં આવી રહ્યું છે કે,‘શું તમે ચૂંટણી લડવા જઈ રહ્યાં છો? કઈ ચૂંટણી? ક્યાંથી?’ મને જવાબ આપવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના મારા અનુભવને આધારે હું જવાબ આપું છું કે, ‘અત્યારે કશું નક્કી નથી. અપક્ષ ઉમેદવારો માટે કોઈ જ સંભાવના નથી. તેમને બહાર રાખવા અને હરાવવા માટે બધા જ પક્ષો એક થઈ જતા હોય છે, જાણે કે તેમનો વિજય પક્ષીય વ્યવસ્થાનું મહત્વ ઘટાડી દેશે.’
આ સંદર્ભે રાજકોટના અશોકભાઈ સાથેની મારી પ્રથમ મુલાકાતે ઘણું જ કુતૂહલ જગાડ્યું હતું. તેઓ ભણેલા છે અને સ્પષ્ટ મત ધરાવે છે અને પોતાના કામને લઈને ઉત્સાહિત પણ છે. તેઓ છેલ્લાં ૧૫ વર્ષથી ચૂંટણી પદ્ધતિમાં સુધારા અંગે વિચારી રહ્યા છે અને રાજકોટના મતદારોને કંઈક અવનવું કરીને પ્રોત્સાહિત કરતા રહે છે. તેમણે પોતાની સોસાયટીમાંથી જ શરૂઆત કરી અને મતદાતાની શક્તિ બાબતે મિટિંગ બોલાવીને સોસાયટીના સભ્યોને જાગૃત કરે છે.
તેમણે જણાવ્યું કે જો આપણે એક જુથમાં કામ કરીએ તો ધાર્યું પરિણામ મેળવી શકીએ છીએ. તેઓ પોતાની સોસાયટીમાં જ એક નકલી ચૂંટણીનું આયોજન કરે છે. સૌથી પહેલાં તો જે સ્થાનિક ચૂંટણીમાં ઊભા રહેવા માગતા હોય તેમનાં નામ આગળ ધરે છે, પછી સોસાયટીના દરેક સભ્યોને જે-તે ઉમેદવારની માહિતી આપતા પેમ્ફલેટ વહેંચે છે. ત્યાર બાદ તે કાયદેસરની ચૂંટણી કરાવે છે. આ ચૂંટણીમાં જે ઉમેદવાર વિજેતા થાય છે તે આગામી સ્થાનિક ચૂંટણી લડી શકે છે.
દસ હાઉસિંગ સોસાયટી મળીને એક વોર્ડ બને છે અને તેમાંથી જે વિજેતા બને છે તેને વોર્ડનો ઉમેદવાર બનાવવામાં આવે છે. આમ આ પ્રક્રિયા દ્વારા તે અંતિમ ઉમેદવારને બરાબર રીતે પારખી લે છે. આવી રીતે પારખેલી વ્યક્તિને જ્યારે શહેરની ચૂંટણીમાં ઊભો રાખવામાં આવે છે ત્યારે તેમને ખાતરી છે કે લોકો ‘તેમના’ ઉમેદવારને જ મત આપશે, જેને તેઓ સારી રીતે જાણે પણ છે અને સરળતાથી તેનો સંપર્ક સાધી શકે છે.
નિવૃત્ત સરકારી કર્મચારી અને હાલ બોટાદમાં એક્ટિવિસ્ટ ડી.પી. પટેલ, જામજોધપુરના પ્રવીણ લાખાણી કે જેઓ એક એનજીઓ ચલાવે છે અને મારા ‘ક્રાંતિ’ના સાથીદાર ભરતસિંહ ઝાલા જેવા મિત્રોએ ભેગા મળીને રાજ્યભરના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ૧૨મી તારીખથી એક અભિયાન આરંભ્યું છે. હજારો ગામડાં અને નાનાં શહેરોની ૭૦૦૦ કિમીની યાત્રા કરી રહેલું આ ગ્રુપ ટોપી, ટી શર્ટ, પોસ્ટર્સ, પેમ્ફલેટ તથા બીજાં સાહિત્યની સામગ્રીથી સજજ છે.
અમારો વિચાર એ છે કે દરેક ગામમાં જઈને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવીએ, વિવિધ ચૂંટણી માટે યોગ્ય ઉમેદવાર કેવી રીતે ચૂંટવો તેની તેમને માહિતી આપીએ છીએ, જે તેમના દ્વારા પારખેલો હોય, જેને તેઓ સારી પેઠે જાણતા હોય. અશોકભાઈ જણાવે છે કે, ‘અમે મતદારોને ફલાણા પક્ષ કે પેલા પક્ષને મત આપવાનું જણાવતા નથી. હકીકતમાં અમે તેમને પક્ષોની ઉપેક્ષા કરીને સ્વતંત્ર ઉમેદવારોને આગળ લાવવાનું જણાવીએ છીએ.’ નાગરિકોએ તેમના પ્રતિનિધિને જાતે જ નક્કી કરવો જોઈએ અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે કોણ ચૂંટણી લડશે તેમનાં નામનું સૂચન કરવું જોઈએ.
ગુજરાતના અનેક ભાગોમાં અમારી આ પદ્ધતિ સફળ પણ થઈ છે અને નાગરિકોએ ચૂંટેલા ઉમેદવારો સ્થાનિક પાલિકા-નગરપાલિકાની પેટા-ચૂંટણીઓમાં અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો પછી શા માટે આપણે ભ્રષ્ટ પક્ષોને આપણું પ્રતિનિધિત્વ કોણ કરશે એ નક્કી કરવાની તક આપીએ? મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ આપણી સમક્ષ એવો ઉમેદવાર ઊભો કરતા હોય છે જેને આપણે કદી જોયો નથી હોતો કે તેના વિશે સાંભળ્યું પણ નથી હોતું. આવી વ્યક્તિ કેવી રીતે આપણું પ્રતિનિધિત્વ કરી શકશે?
ભારતના રાજકારણમાં જે ચાલી રહ્યું છે તેનાથી આપણામાંના ઘણા લોકોની અપેક્ષાઓ તૂટી ગઈ છે. આખરે આપણે કોના પર વિશ્વાસ મૂકવો? શું વ્યવસ્થા એટલી બધી કથળી ગઈ છે કે તેને સુધારી શકાય એમ જ નથી? બધા જ પક્ષોએ એક ખોટો આડંબર ઊભો કર્યો હોય એવું નથી લાગતું? શું કોઈની પણ પાસે દૂરંદેશીવાળી યોજના છે ખરી અથવા તો તેઓ આગામી સમયગાળા માટે ભારતના પરિપ્રેક્ષ્યમાં એવો કોઈ વિચાર ધરાવે છે? આ બધું આપણે કેવી રીતે બદલી શકીશું?
આ સંદર્ભમાં વર્તમાન નવો વિચાર બહુમૂલ્ય છે. અત્યારે આપણી પાસે એક દબાણ ઊભું કરી શકે એવા મતદારોનો સમૂહ નથી એટલે જ કેટલીક રીતે જોઈએ તો આ જુથ સારું કામ કરી રહ્યું છે, જે મતદારો સાથે સુસંગત પણ છે. આજે જ્યારે દુનિયાની સૌથી મોટી લોકશાહી તેના ૬૪મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે તેના પાયાને મજબૂત અને વિશાળ સ્વરૂપ આપવા માટે આ એકમાત્ર માર્ગ મને દેખાઈ રહ્યો છે.
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.