ટીમ અણ્ણા જેટલી સવાલદાર તરીકે ઉભરી છે એટલી જ જવાબદાર તરીકે ઓછી ઊતરી છે... અને રાજકીય પક્ષો ? પૂછશો મા.
રવિવારે સાંજે આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે અણ્ણા હજારેને એમના નિજી તબીબે એક ઓર અનશન સારુ બિલકુલ ‘ફિટ’ જાહેર કર્યા છે અને મંગળવારથી એમનું મુંબઈ પર્વ બેઝિઝક શરૂ થઈ શકશે. હાલને તબક્કે ટીમ અણ્ણાએ મુંબઈ આયોજન હાથ ધરવાની તાકીદ અને તર્કમાળા જરૂર તપાસલાયક છે, પણ એની વાત કરતા પહેલાં છેલ્લા બે-ત્રણ દિવસમાં લોકપાલ વિવાદ જે રીતે આડે ફંટાયો છે એ વિશે થોડોએક ઊહાપોહ કરવો- બલકે ચિંતા અને નિસબત જતાવવાં જરૂરી છે.એક તો, છેલ્લી ઘડીએ વિધેયકનાં જે બધાં પત્તાં ખૂલ્યાં એમાં આરક્ષણનો મુદ્દો એકદમ જ દાખલ કરાયો અને એને અંગેની પ્રતિક્રિયાઓ પણ આડેધડ ચાલી. પ્રશ્ન મજબૂત લોકપાલનો હતો અને છે. એને આરક્ષણના કળણમાં ખૂંપાવવાની શી જરૂર હતી, ભલા?
આ સૌ નાતજાતનું, ધરમકોમનું ગોપુચ્છ પકડીને સત્તા ભણી જતી વૈતરણી પાર કરવા ઇચ્છે છે. કંઈ કેટલાં વરસોથી કોંગ્રેસે ખોયેલું ઉત્તર પ્રદેશ કેમે કરીને કંઈકે પાછું મળે એ યુવા પ્રાઈમ મિનસ્ટિર ઇન વેઈટિંગ વાસ્તે રાજકીય જીવનમરણનો મામલો છે. માયાવતીએ ૨૦૦૭માં મુખ્ય પક્ષ રૂપે હાજરી દર્જ કરી અને બાવલે બાવલાં ખડાં કીધાં પણ હવે એમણે એન્ટિ-ઇન્કમ્બન્સીનો કોઠો ભેદવાનો છે. એટલે સ્થાયી મતબેન્ક (જેને એ પોતે ધાર્યા મુજબ ટ્રાન્સફર કરવા પર મુસ્તાક છે.) અને ૨૦૦૭ની ફોમ્યુંલા મુજબનું સંધાન બરકરાર રાખવાનો તકાજો છે.
‘પાપી પેટ’ ખાતરના આ કોંગ્રેસ-બસપ ઉધામાની સ્પર્ધામાં પોતપોતાના મતબેન્કવાદ સાથે મુલાયમસિંહનો પક્ષ અને ભાજપ પણ ખડા છે. કોંગ્રેસે ઓબીસી આરક્ષણમાં લઘુમતીનો મુદ્દો આમેજ કર્યો તે સાથે આ દરેક છેડેથી અવાજો જારી છે. આમ જુઓ તો જો ઓબીસી જોગવાઈનું લોજિક સ્વીકારીએ તો અન્ય પછાતમાં મુસ્લિમોના કેટલાક તબકાનું હોવું બિલકુલ તાર્કિક છે. અન્ય પછાત એ કોઈ ધર્મગત ઓળખ નથી, સામાજિક ઓળખ છે. છતાં મંડલ મંદિરની મિલાવટનું રાજકારણ ખેલનારાઓએ કે કોંગ્રેસ અને બીજાઓએ એને ‘લઘુમતી’ કહી ભળતું સ્પિન ડોક્ટરું ખેલવાનું મુનાસીબ માન્યું, એને શું કહીશું. લોકપાલ બહસમાં આરક્ષણનું લાકડું ઓસ્યું એનો અર્થ એમ જ કરવાનો ને કે એનાયે હાલ એટલે કે બેહાલ મહિલા આરક્ષણ વિધેયક જેવા જ થવાના છે.
જે બીજી વાતે ઢેકો કાઢ્યો, ખાસ કરીને રવિવારે દિનભર ૨૪*૭ ચેનલમારા થકી તે અણ્ણાના આરએસએસ કનેકશનની હતી. નાનાજી દેશમુખ સાથે ગ્રામસેવા ક્ષેત્રે એમણે થોડું કામ કર્યું છે, અને કંઈક તાલીમ લીધી છે એ હકીકત છે. પણ રામદેવ-ગોવિંદાચાર્ય-આરએસએસ લિંક જેવી કોઈ વિગત અણ્ણા પ્રકરણમાં માલૂમ નથી પડતી. એ ઉપરાંત મુદ્દાની વાત એ છે કે આ સૌ ટીકાકારો અને મરોડ માસ્તરો મજબૂત લોકપાલની બાબતમાં ક્યાં ઊભા છે. અણ્ણાને ‘લશ્કરના ભાગેડુ’ કહી એમના ચારિત્રયહનનની કોશિશ પણ મૂળ મુદ્દાને પાટેથી ઉતારી મેલવાની ચેષ્ટાથી વિશેષ નથી. બંને વાનાંને તમે ધોરણસરની રાજનીતિ સિવાય જે પણ કહેવું હોય તે કહી શકો છો.
પણ આટલું અધોરેખિતપણે કહ્યા પછી એટલી જ અધોરેખિતપણે અફસોસ સાથે એ કહેવું રહે છે કે એપ્રિલ અને આ‹ગસ્ટના ઐતિહાસિક ઘટનાક્રમ બાદ ટીમ અણ્ણા પોતાના વજૂદમાં કંઈક ઓછી અને પાછી પડતી માલૂમ પડે છે. અગ્નિવેશને તો માનો કે બહાર કર્યા, પણ હૈયાઉલટથી અને પોતાની ગરજે સંતોષ હેગડે જેવા (આ મુદ્દામાં તો પ્રત્યક્ષ અનુભવપૂર્વક ર્દષ્ટાંત બેસાડનાર એકમાત્ર) સાથી સાથે કોઈ દિલખુલાસ ચર્ચાવિચારણા કરવાનું કિરણ બેદી અને કેજરીવાલને કેમ નહીં સૂઝતું હોય. વસ્તુત: ઓગસ્ટના રામલીલા પર્વના અંતભાગમાં જ ટીમ અણ્ણાની અપકવતા સમજાઈ રહી હતી.
સમાધાન થયા પછી સહેજે અડતાલીસથી બોતેર કલાકનો ગાળો જવા દેવાયો હતો. મરાઠી માનુસ વિલાસરાવ દેશમુખ સાથે વન ટુ વન, રિપીટ, વન ટુ વન વાતચીત પછી જ અણ્ણાને આ વાસ્તવિકતા સમજાઈ હતી. જો ‘સિવિલ સોસાયટી’ની ભૂમિકાને ડારનાર-પડકારનાર શાસકીય અને રાજકીય અગ્રવર્ગ ટીકાપાત્ર છે, તો આ અગ્રવર્ગને પડકારી પ્રજાનો પાટલો મંડાવી જાણનાર ‘સિવિલ સોસાયટી’ પણ સંઘર્ષ પછી સંવાદ અને રચનાની તક નહીં સમજનાર તરીકે ચોક્કસ જ જવાબદાર છે. અણ્ણા અને સાથીઓ જેટલા સવાલદાર (અને હવાલદાર) લેખે ઉભર્યા એટલા જવાબદાર લેખે ઉભરતા માલૂમ પડતા નથી.
કોંગ્રેસ અને ભાજપ આંદોલન સાથે વખતોવખત, અનુક્રમે, શિરજોરી અને દિલચોરીથી પેશ આવે છે. બંને ડાબેરી પક્ષો આરંભિક અવઢવ પછી આંદોલનનું લોક-લોજિક કંઈક સ્વીકારતા થયા છે. એકમાત્ર એસયુસીઆઈ પહેલેથી આંદોલનના સ્પિરિટ સાથે છે, પણ અગ્નિવેશ તો ઠીક હેગડેને પણ નહીં સાંભળનાર ટીમ અણ્ણાને એની સાથે વાતચીતને ફુરસદ છે કે કેમ તે આપણે જાણતા નથી. ગમે તેમ પણ, મંગળવાર-બુધવાર-ગુરુવારના મુંબઈ અને દિલ્હી (સંસદીય) દોર સાર્થક સંવાદની ભૂમિકા નહીં સરજી શકે તો ૨૦૧૧ના પૂવૉર્ધની કમાણી ઉત્તરાર્ધમાં ખરચાઈ જશે, એટલું જ.
સમાંતર આયોજન : મુંબઈની મેદાની ઘટના અને દિલ્હીની સંસદીય આયોજના જો સાર્થક સંવાદની ભૂમિકા નહીં સરજી શકે તો ૨૦૧૧ની કમાણી ૨૦૧૧માં જ ખરચાઈ જશે.
(પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.)