ગુજરાત લોકાયુક્ત વિવાદનું મૂળ એ સમસ્યામાં સમાયેલું છે કે આ પદની નિયુક્તિ માટે કોઈ સર્વસામાન્ય માળખું નથી અપનાવાયું. સમસ્યા એટલા માટે ઊભી થઈ કે ગુજરાત સરકાર આ પદની નિમણુંકને વર્ષોથી ટાળતી આવી છે. જો એવું ન થયું હોત તો રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની સહમતી લીધા વગર લોકાયુક્તની નિમણુંક કરવાની સ્થિતિ જ ન આવી હોત.
આમ કરીને રાજ્યપાલે એક અલગ મુદ્દો ઉઠાવ્યો છે. જો સરકારની જાણ બહાર આવી નિમણુંકો થવા લાગે તો એક સવાલ એવો પણ ઊઠે કે શું તે દેશના સંઘીય માળખાને અનુરૂપ છે? આવી સ્થિતિમાં રાજ્યપાલના માધ્યમથી રાજ્યોમાં કેન્દ્રની સીધી દખલગીરીની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્યપાલ કમલા બેનિવાલ દ્વારા જસ્ટિસ રમેશ એ. મહેતાને ગુજરાતના લોકાયુક્ત બનાવવાના નિર્ણયને બહાલી આપી દીધી છે. રાજ્ય સરકારે આ જ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. રાજ્ય સરકારને આ નિમણુંક પ્રક્રિયા અને જસ્ટિસ મહેતાથી વાંધો છે, જેની નિષ્પક્ષતા બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે. હાઈકોર્ટમાં પણ પહેલાં તો બે જજની બેન્ચ વચ્ચે આ બાબતે મતભેદ સર્જાયા પણ પછી આ મુદ્દો ત્રીજા જજ પાસે મોકલવામાં આવ્યો અને તેમણે આ નિમણુંકને યોગ્ય ગણાવી.
સંભાવના તો એવી પણ છે કે ગુજરાત સરકારે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે. સર્વોચ્ચ અદાલત પાસે એવી અપેક્ષા તો જરૂર રાખવામાં આવશે કે તે આ બાબતે રાજ્યપાલની ભૂમિકા અને અન્ય આવી બાબતોમાં તેમના અધિકાર પર બંધારણીય સ્થિતિને સ્પષ્ટ કરે. આ વાતમાં એ બાબત પર ખાસ ભાર મુકાવો જોઈએ કે મુદ્દો લોકપાલ અને લોકાયુક્તની નિમણુંકની પ્રક્રિયા નક્કી કરવાનો છે.
અણ્ણા આંદોલને આ નિમણુંકોની વ્યાપાક આધારોવાળી પ્રક્રિયા અપનાવવાની માગ કરી છે. તેમાં એ વાત પણ જોડાયેલી છે કે બંને પદ માટે નિમણૂકનો એક સમાન આધાર રાખવામાં આવે. ગુજરાતના મુદ્દાએ આ માગની પ્રાસંગિકતાને ફરીથી સ્પષ્ટ કરી છે. સંઘીય માળખા અને લોકતાંત્રિક સિદ્ધાંતોની વકીલાત કરતી વખતે આ મૂળ પ્રશ્ન વિસારાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.