એક દિવસ પાર્વતીજી આશ્રમની બહાર એક શિલા પર બેઠાં હતાં ત્યાં જ તેમને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો- ‘મને મગરે પકડી લીધો છે, કોઈ મને બચાવો.’ પાર્વતીજીએ જોયું કે એક સુંદર બાળક મગરના મોઢામાં હતું. તેમણે મગરને અરજ કરી કે તે બાળકને છોડી દે. મગર બોલ્યો, દેવી, દિવસના છઠ્ઠા ભાગમાં જે મારી પાસે આવશે, તે જ મારું ભોજન બનશે. આ બાળક તે કાળમાં જ અહીં આવ્યું છે. આથી બ્રહ્નાએ તેને મારા ખોરાકના સ્વરૂપમાં જ મોકલ્યું છે. હું તેને છોડી શકું નહીં. પાર્વતી બોલ્યાં, મગર મહારાજ, મેં હિમાલયની ટોચે બેસીને આકરું તપ કર્યું છે, તેના ફળસ્વરૂપે તમે આ બાળકને છોડી દો.
મગર બોલ્યો, તમે જે તપ કર્યું છે, તે મને આપી દો તો હું આ બાળકને છોડી દઈશ. પાર્વતીજી એ જીવનભરના પુણ્યને તેને અર્પણ કરવાનું કહેતાંની સાથે જ મગરનું શરીર તપના તેજથી ચમકવા લાગ્યું. તે બોલ્યો, દેવી, આ તમે શું કર્યું. કેટલું કષ્ટ સહન કરીને મહાન ઉદ્દેશ્ય માટે તપ કર્યું હતું. આવા તપનો ત્યાગ ઉચિત નથી. હું તમારી દીન સેવાથી સંતુષ્ટ થઈને તપ અને બાળક બંને પાછાં આપું છું. તો પાર્વતીજી બોલ્યાં, મગર મહારાજ, પ્રાણ આપીને પણ આ ગરીબ બાળકને બચાવવું મારું કામ છે.
તપ તો ફરી વખત પણ થઈ જશે. આ સાંભળીને મગર બાળકને છોડીને જતો રહ્યો. ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા, તે બાળક અને મગર હું પોતે જ હતો. તમે મને જ તપ આપ્યું હતું. આથી બીજી વખત તપ કરવું નહીં પડે. કથાનો સાર એ છે કે મહાનતા પોતાના માટે નહીં પરંતુ બીજા માટે જીવવામાં છે. આ ગુણ જ વ્યક્તિને અમર બનાવી દે છે.