મુંબઈની સનમ સૂરજ કરુણાકર સોળ વર્ષની ઉંમરે એક કાર દુર્ઘટનાનો ભોગ બની. તેના શરીરનો એક ભાગ નિષ્ક્રિય થઈ ગયો. લગભગ લકવા જેવો.દુર્ઘટનામાં તેનાં માતા-પિતાનું પણ મોત થયું હતું. દાદી, મિત્રો અને પરિવારના સહયોગથી તેણે નવા જીવનની શરૂઆત કરી. ઘણી મહેનત બાદ તેણે બી.કોમ. પાસ કર્યું. સનમને કૂતરાં બહુ ગમતાં હતાં. તેના કૂતરાનું નામ મેજિક છે. એકાંતના સમયે મેજિક જ તેનો સાથીદાર રહેતો હતો.
આ વિચારીને જ તેણે કૂતરાઓના આચરણ અંગે સમજ વિકસાવવાની શરૂઆત કરી અને તેના માટે એક કોર્સ પણ કર્યો. આજે તે ‘પરફેક્ટ પૂચ’ નામથી પાલતુઓ માટેની સંસ્થા ચલાવી રહી છે. ૧૬ વર્ષે હતો એવો ઉત્સાહ રોનક, પ્રેમ આજે તેમના જીવનમાં પાછો આવ્યો છે. ૧૩ વર્ષ અગાઉ થયેલી દુર્ઘટનાએ સનમને માનસિક રીતે ભાંગી નાખી હતી. પછી કોઈએ દિલ્હીના ઇન્ડિયન સ્પાઈનલ સેન્ટર અંગે તેને જણાવ્યું.
સનમ પોતે પણ એવું માનતી હતી કે અહીં આવ્યા બાદ તેના જીવનમાં નિર્ણાયક વળાંક આવી શકે છે. અહીં આવ્યા બાદ તેણે જીવન અને મૃત્યુ સામે ઝઝૂમતા તમામ વિકલાંગોને જોયા તો તેને પોતાનું દુ:ખ તેમના કરતાં ઓછું લાગ્યું. તે પાછી ફરી અને તેની અંદર એક નવા માણસનો જન્મ થઈ ગયો હતો. મુંબઈમાં જે લોકો રજાઓ ગાળવા જવા માંગતા હોય છે, પરફેક્ટ પૂચ તેમના માટે હંમેશાં હાજર રહે છે. સનમને ત્યાં તેમનાં કૂતરાંને ઘર જેવું વાતાવરણ મળે છે.
સનમની બહેન આયશા જણાવે છે કે કૂતરાઓને તાલીમ આપવાનું કામ સનમ પોતે જ કરે છે. હવે સનમનાં લગ્ન થઈ ચૂક્યાં છે. તેના પતિનું નામ સૂરજ છે. સૂરજ જણાવે છે કે સનમ જાતે ન કરવા માંગતી હોય એવું કોઈ કામ નથી. આ બાબત બીજા માટે પણ પ્રેરક છે. તેની મિત્ર ગીતાંજલી જણાવે છે સનમે ક્યારેય હાર નથી માની.
એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.