ઋષિ કપૂર તેનો ૨૭, પાલી હિલનો ‘કૃષ્ણારાજપ્ત બંગલો તોડાવીને ત્યાં ૧૬ માળનું મકાન બનાવી રહ્યો છે. જોકે આ મકાનમાં તે કોઈ ભાડુઆત નહીં રાખે કે કોઈને પણ જરા જેટલો હિસ્સો વેચશે પણ નહીં. આ સૂચિત ઇમારતમાં તેમનું કુટુંબ જ રહેશે અને તેમની સગવડ માટે મુકેશ અંબાણી અને શાહરુખ ખાનના ઘરમાં છે એમ નાનકડો સિનેમા હોલ પણ હશે.
વીતેલા જમાનાના શ્રીમંત લોકો અને સફળ સ્ટાર બંગલામાં રહેતા હતા, પણ આજના શ્રીમંતો બહુમાળી મકાનો પસંદ કરે છે. આવી આધુનિક ઊંચી ઇમારતોમાં સ્વિમિંગ પૂલ હોય છે, નાનકડો ગોલ્ફ કોર્સ અને હેલિપેડ વગેરે પણ હોય છે, અને દરેક ચાર માળ બાદ એક માળ ખાલી છોડી દેવાય છે. આમ તાકીદની એટલે કે ઇમરજન્સીની પરિસ્થિતિના સામના માટે કરવામાં આવે છે.
આવાં મકાનોનો પાયો ખીલેલા કમળ જેવો હોય છે, જે મકાનને સંભવિત ભૂકંપ અને ૧૨૦ કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનથી પણ સલામત રાખે છે અને એક મીટર સુધીનો ઝોક પણ આવાં મકાનને તોડતો નથી. ખરેખર તો તેને તીરની જેમ નહીં પણ કામઠાંની જેમ લચકદાર રાખવામાં આવે છે. આ કાળના આર્કિટેકટોને વિકાસ પામેલી ટેક્નોલોજીએ કલ્પના ન કરી શકાય તેવી શક્તિ આપી છે.
મુકેશ અંબાણી અને વિજયપત સિંઘાનિયાનાં બહુમાળી મકાનો પણ આધુનિક ટેક્નોલોજીથી બની રહ્યાં છે. પાલી હિલમાં દેવઆનંદનું બહુમાળી મકાન લગભગ તૈયાર છે અને સ્વર્ગીય રાજેન્દ્રરકુમારની જમીન પર પણ કામ શરૂ થઈ ગયું છે. દિલીપકુમારનો જુનો બંગલો તોડી નખાયો છે અને ત્યાં બાંધકામ શરૂ થઈ ગયું છે.
વીતેલા જમાનાના જે સ્ટારોએ બંગલા ખરીદ્યા હતા તેમને વૃદ્ધાવસ્થામાં તેમની જમીનોએ જ ઉગારી લીધા છે. નંદાની જેમ કેટલાક સ્ટાર પાલી હિલનું મકાન વેચીને ઉપનગર વર્સોવામાં જઈને વસી ગયાં છે. કેટલાક આવી રીતે પુણેમાં વસી ગયા છે. ફક્ત જમીનમાં કરેલું મૂડીરોકાણ જ સંકટના સમયે કામ આવ્યું છે. સ્ટાર લોકોને સહારો જમીન જ આપે છે, પણ સફળતાના સમયમાં હવામાં ઊડનારા લોકો એ સમયે એનું મહત્વ સમજતા નથી. આજના શ્રીમંતો વર્ટિકલમાં વિશ્વાસ કરે છે. વીતેલા સમયમાં બધી વાતો હોરિઝોન્ટલ થતી હતી.
ખરેખર તો જમીનની નિકટતા જ વિશ્વાસપાત્ર છે. બહુમાળી મકાનના ૧૨૦મા માળે રહેનારો બારી ખોલી શકતો નથી, પણ રાતના આકાશના તારા સાથે સુવાનું અભિમાન લઈ શકાય ખરું. ઊંચાઈ તમને દિવ્યતાની નજીક લઈ જાય છે એ ભ્રમ છે. જમીન હકીકત છે અને ઊંચાઈ સ્વપ્ન છે. એકલવાયાપણામાં જમીન જ દિલાસો આપે છે અને વરસાદની ઝરમર સમયે જમીનમાંથી નીકળતી ભીની સુગંધ સમાન બીજું કશું જ ન હોઈ શકે.