૨૧મી સદીનો માણસ ધીરેધીરે ‘શરીરવાળો’ કરતાં ‘મનવાળો’ વધુ બનવા માંડ્યો છે
આજથી ૩૮ વર્ષ પહેલાં રજનીશ કોઈ ભગવાન કે ઓશોનાં પૂછડાં ધરાવતા નહોતા, ત્યારે માત્ર આચાર્ય રજનીશ હતા અને તે અમારા જેવા પત્રકાર માટે ખરેખર અધ્યાત્મ અંગેના એક અનોખા પ્રવચનકર્તા હતા.
તે સમયે પેરિસથી ડૉ.. જિન જ્યોર્જીસ હેનરોટે મુંબઈમાં આવ્યા. ૬-૧-૧૯૭૧ના રોજ આચાર્ય રજનીશને ખરેખર મુંબઈના લોકોમાં લોકપ્રિય કરનારી બેલડી ઈશ્વર શાહ અને ગુણા શાહે તેને વુડલેન્ડઝ બિલ્ડિંગમાં ઉતારો આપ્યો. પેરિસના મનોવિજ્ઞાની ડૉ.. હેનરોટે અને મેડમ યુકી ફજીતાએ જાપાનથી આવીને સંયુક્ત રીતે રજનીશનો ઈન્ટરવ્યૂ લીધો. એ પહેલાં રજનીશનો એક સાધના કેમ્પ નારગોળના સમુદ્રકાંઠે રેતીમાં રખાયેલો. ત્યાં રજનીશે તેનો હિપ્નોટિક પાવર સામૂહિક રીતે વાપરીને ઘણા ભક્તોને ટ્રાન્સમાં લાવીને નચાવ્યા હતા.
આપણે આ લેખમાં હિપ્નોટીઝમ શું છે? બોગસ છે કે ખરેખર હિપ્નોટીઝમથી અમુક રોગો સારા કરી શકાય કે નહીં તે જોઈશું. કારણ કે ૨૧મી સદીનો માણસ ધીરેધીરે ‘શરીરવાળો’ કરતાં ‘મનવાળો’ વધુ બનવા માંડ્યોછે. નાહકનો ખોટા ભય, ખોટી અબળખાઓ, ખોટી-ખોટી વાસના કે ખોટા વેરભાવથી પીડાય છે. તેનો ઇલાજ-ભૌતિક રીતે હિપ્નોટીઝમથી થાય. સેલ્ફ હિપ્નોસીસથી થાય (એટલે કે પોતે જ પોતાના ઉપર માઈન્ડ પાવર વાપરે) કે પછી ધ્યાન, મનન અને આધ્યાત્મિક ગુરુ રાજર્ષિમુની દ્વારા ઇલાજ થાય.
રજનીશને ફ્રેંચ મનોવિજ્ઞાની ડૉ.. હેનરોટેએ પ્રથમ સવાલ પૂછયો કે હાલના સિવિલાઈઝેશનમાં અને ખાસ કરીને અમારા તબીબી વ્યવસાયમાં અમે બુદ્ધિનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ. એટલી હદે કે અમે માનવીના જીવનને માત્ર બુદ્ધિથી જ માપીએ છીએ. આમ બીજા તમામ વિકલ્પો વાપર્યા વગરના રહે છે તેથી જિંદગી એકદમ બોરિંગ થઈ જાય છે. તો શું કરવું? રજનીશે કહ્યું ના, બુદ્ધિને તમે વધુ પડતી વાપરી શકો નહીં. પૂરેપૂરી વાપરી શકો નહીં. સામાન્ય રીતે માનવી તેનામાં જે પોટેન્શિયલ-છુપી શક્તિ છે તેમાંથી માત્ર ૧૦-૧૫ ટકા બુદ્ધિ જ કે તેની પોટેન્શિયાલિટી વાપરે છે. પણ મારે તમને વધુ ગંભીર વાત કહેવી છે.
આજની ખરી સમસ્યા વધુ પડતી બુદ્ધિના ઉપયોગની નથી પરંતુ આજની સમસ્યા એ છે કે આપણે આપણા ઇમોશન્સને-લાગણીઓને વાપરતા જ નથી.‘જાણે વિચારવામાંય વાણિયા થઈ ગયા છીએ. પરસ્પર સંબંધમાં જો લાગણીને સ્થાન આપીશું તો છેતરાઈ જઈશું તેમ માની લઈએ છીએ. તેથી ઈમોશન્સને પૂરેપૂરી ડસ્કિાર્ડ કરીએ (નજરઅંદાજ) છીએ અને તેથી આખા જીવનનું બેલેન્સ ખોરવાઈ જાય છે. જાણે આખી સંસ્કૃતિ ‘એન્ટિ ઈમોશનલ’ થઈ ગઈ છે. જો માણસ બુદ્ધિ સાથે લાગણીઓ વાપરે તો જ જીવનમાં સમતુલા (બેલેન્સ) આવે છે. નહીંતર માનવી સ્ક્રીઝોફ્રેનિક બને છે.
એકલો બુદ્ધિનો બેવકૂફ પાગલ બને છે, કારણ કે તેની પર્સનાલિટીનો માત્ર બુદ્ધિનો ભાગ જ વાપરે છે. જે માણસ સતત ઈન્ટેલેકચ્યુઅલ પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહે છે તે કદી રિલેકસ થતો નથી. તેથી મન એક જ દિશામાં જ દોડ્યા કરે છે. તે થાકી જાય છે અને તેથી તેનામાં બોરડમ આવે છે...’ પછી શું થાય છે? પછી સાઇકિયાટ્રિસ્ટો, બીજા જાદુટોણા કરવાવાળાઓ, બાપુઓ અને છેલ્લે હિપ્નોટિસ્ટો ફાવે છે. ભારતમાં-મુંબઈ કે ગુજરાતમાં હિપ્નોટિસ્ટો તેની ચિકિત્સાને વધુ પડતી મોંઘી કે જોખમી કરતા નથી. છતાં ઘણા એક જ મુલાકાતના R ૩૦૦થી R ૧૦૦૦ તો લે છે. તાજેતરમાં લંડનના ‘ઈન્ડિપેન્ડન્ટ’ નામના દૈનિકમાં આવા એક હિપ્નોટિક અગર સેલ્ફ હેલ્પ ગુરુનો ચોંકાવનારો દાખલો આપેલો.
જેમ્સ આર્થર રે નામના ૫૧ વર્ષના હિપ્નોટસ્ટિ એરિઝોનામાં તેમના સેમિનાર રાખતા. એક સપ્તાહ તેના આશ્રમમાં રહેવાના ૯૦૦૦ ડોલર (રૂ. સાડાચાર લાખ!) લેતા હતા. જેમ્સ આર્થર રે કહેતા કે મારી મનોબળ ચિકિત્સાથી તમે અદ્ભુત મન: શક્તિ મેળવીને કરોડપતિ થઈ શકશો. તેવી સંપત્તિને તેણે હાર્મોનિક વેલ્થ નામ આપેલું! બિચારા આ સેલ્ફહેલ્પ ગુરુના કમનસીબ કે તેના હિપ્નોટીઝમનો કલાસ ભરવા ૫૦ જણ આવ્યા, તેમાં બે જણનું મૃત્યુ થઈ ગયું! તેથી તેનું હિપ્નોટીઝમ બદનામ થઈ ગયું.
જોકે તે R ૫૦ કરોડનો સ્વામી બનેલો. હિપ્નોટીઝમની ચિકિત્સાને જગતભરમાં અને અમેરિકામાં માન્યતા મળી છે. છેક ૧૮૪૩માં ૧૬૬ વર્ષ પહેલાં ડૉ.. જેમ્સ બ્રેઈડ નામના સ્કોટશિ ડોક્ટર અને સર્જને હિપ્નોસીસ અગર હિપ્નોટીઝમ જેવા શબ્દો વિકસાવી કાઢેલા. દવાદારૂથી દર્દી સારો ન થાય કે ન થવાનો હોય તો હિપ્નોટીઝમ વાપરતા. એ સમયે ફ્રાંઝ એન્ટોન મેસ્ચર નામના તબીબે મેસ્મેરીઝમ વાપરીને એટલે કે દર્દીને બેભાન કરીને કે ટ્રાન્સમાં (ધ્યાનમાં) લાવીને ચિકિત્સાની પદ્ધતિ અજમાવવી શરૂ કરી. તેમાં સ્કોટશિ ડોક્ટરે સુધારો કરીને દર્દીને બેભાન કર્યા વગર જ તેના પોતાના આત્મબળથી કે ડોક્ટરના ‘સજેશન’ થકી દર્દીને સારો કરીને તેણે તે ક્રિયાને હિપ્નોટીઝમની વ્યાખ્યા આપી.
‘હિપ્નોટીઝમ ઈઝ એ સ્ટેટ ઓફ ફિઝિકલ રિલેકસેશન એકમ્પનીડ એન્ડ ઈન્ડ્યુસ્ડ બાય મેન્ટલ કોન્સેન્ટ્રેશન.’ અથૉત્ હિપ્નોટીઝમ જેને ગુજરાતીમાં આપણે સગવડિયો શબ્દ-સમ્મોહન કહીએ છીએ તે એવી સ્થિતિ છે જેમાં દર્દી શારીરિક રીતે તદ્દન શિથિલ થાય છે સાથે તે તેનું મન એક જ બાબતમાં કેન્દ્રિત કરે છે. હિપ્નોટીઝમ ઉપર લખવું બહુ અઘરું છે સાથે જોખમી છે. મુંબઈની કાંદિવલીની એક મહિલા હિપ્નોટસ્ટિ મારી પાછળ પડી અને તેના ફોટા-દર્દીના ફોટા વગેરે મોકલ્યા. મુંબઈમાં પોણો ડઝન અને ગુજરાતમાં પણ ડઝનેક હિપ્નોટસ્ટિ છે.
આ બાબતમાં મારા માર્ગદર્શક જહોન હોપકિન્સ યુનિવર્સિટીના ડૉ.. હેરલ્ડ રોઝેન (એમ.ડી.) છે. R ૨૫૦૦૦નો ‘એનસાઈકલોપીડિયા અમેરિકાના’ મેં લીધો છે તેમાં ડૉ.. રોઝેન સાહેબનો માહિતીપ્રદ લેખ છે. તેણે પોતે જ એકરાર કર્યો છે-હિપ્નોસીસ એક જટિલ અવસ્થા છે, જેનું થોડાક શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. અને ધારો કે વર્ણન કરો તો તમે હિપ્નોટીઝમની ચોક્કસ વ્યાખ્યા આપી શકો નહીં... એ સાચું કે ઘણા તબીબો પોતે જ તેના દર્દીની પીડા મટાડવા હિપ્નોસીસ વાપરે છે પણ... હિપ્નોટીઝમ ખોટી રીતે પણ ઉપયોગમાં લેવાય છે.
જો કવેકસ (ઊંટવૈદો) હિપ્નોટીઝમ વાપરે તો તમારું જીવન જોખમમાં આવી પડે છે... ડૉ.. રોઝેન સાહેબની આ વાતને ઉપરનો આપેલો સાચો દાખલો અનુમોદન આપે છે જેમાં બે અમેરિકનો મરી ગયેલા. ડૉ.. રોઝેનનો અનુભવ છે કે કેટલાક ઊંટ-હિપ્નોટીસ્ટો ખેલાડીઓની ખેલશક્તિ વધારવા તેમ જ અસાધ્ય દદોઁ હિપ્નોસીસથી મટે છે તેવો દાવો કરે છે. એ દાવો બોગસ છે.
ઘણા સ્ટેજ મેજિશિયન છે જે પોતે કબૂલ કરે છે કે તેઓ સ્ટેજ ઉપર કોઈને બેભાન બનાવીને તેની પાસે મનધાર્યું કામ કરાવે છે. તે માત્ર સ્ટેજ મેજિક જ છે. આખરે તો ૨૧મી સદીમાં મનની શક્તિ પ્રબળ પુરવાર થશે. મન મજબૂત રાખો તે એક જાતનું સેલ્ફ-હાઈપ્નોસીસ છે.