નદીકિનારે ભગવાનનું મંદિર હતું અને સાથે દૂધ લઈ આવતી ગોવાલણને નાવિકની અનુકૂળતાએ નાવડી ઉપડતી હોવાથી અવારનવાર દૂધ લાવવામાં મોડું થતું અને તેને પૂજારીનો ઠપકો મળતો. મોડું ન થાય તેથી તેણે પૂજારીને આનો ઉપાય પૂછ્યો. પૂજારીએ કહ્યું ‘અરે ગાંડી- એમાં મૂંઝાવા જેવું શું છે? ભગવાનનું નામ લઈ નદીમાં ઊતરી પડવાનું. રામનામથી પથરા પણ તરતા હોય તો આપણે તો માનવ છીએ. આપણને ભગવાન ન તારે?’ ગોવાલણને પૂજારીની વાત અસર કરી ગઈ અને બીજે દિવસથી સમયસર પૂજાનું દૂધ આવવા લાગ્યું. ગોવાલણની આ નિયમિતતાથી પૂજારીને આશ્ચર્ય થયું.
‘અહોહો’ હવેથી તો તું દૂધ સમયસર લાવે છે ને? ‘તમે નદીમાંથી ચાલી આવવાનો રસ્તો દેખાડ્યોને એટલે હું રોજ ચાલીને જ આવું છું. ભગવાનનું નામ લેતી લેતી આવું છું ને મારો રસ્તો કપાઈ જાય છે.’ પૂજારીને આશ્ચર્ય થયું. બીજા દિવસે તે ગોવાલણ સાથે નદીકિનારે આવ્યા. ગોવાલણ તો ભગવાનનું નામ લેતી લેતી સડસડાટ ચાલવા લાગી પણ પૂજારી િદ્વધામાં હતા.
પાણીમાં ચાલવાની હિંમત ન ચાલી. પાછળ ફરી ગોવાલણે આ જોયું. તેણે કહ્યું ‘પૂજારીજી આ શું કરો છો? ભગવાનનું નામ લઈ ચાલવા લાગોને?’ પણ ડૂબી જવાય તો? ‘પૂજારીની હિંમત ચાલતી ન હતી અને ગોવાલણ તો સડસડાટ સામે કિનારે પહોંચી ગઈ.’ આપણું પણ પેલા પૂજારી જેવું જ થાય છે ને? ભલે આપણે ભગવાન પર ભરોસો રાખવાની વાતો કરતા હોઈએ પણ આપણો ગોવાલણ જેવો ભરોસો છે? (જીવન દર્શન - પરમાનંદ ગાંધી)