ભારત-અમેરિકાની દોસ્તી સહન ન થતાં પાકમિત્ર ચીને અપલક્ષણ ઝળકાવ્યાં
વિશ્વના સૌથી ઝડપી અર્થતંત્ર બનવાના ધખારામાં રાચતું સ્વાર્થી ચીન પડોશી ભારત સાથે ફરીવાર ડખો ઊભો કરવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે લશ્કરી સંબંધોના ભાગરૂપે દર વર્ષે અધિકારીઓ પરસ્પર પ્રવાસ ખેડતા હોય છે. આ વખતે ચીન જનારા ભારતના નોર્ધન કમાન્ડર લેફ. જન. બી.એસ.જસવાલને વિઝા નહીં આપીને ચીને ભારતવિરોધી અસલ માનસિકતા દેખાડી છે. આ અધિકારી જમ્મુ-કાશ્મીરના હોઈ ચીને તેમને માટે ખાસ વિઝાનો આગ્રહ રાખ્યો છે. આ સંવેદનશીલ રાજ્યને ચીન ભારતનો હિસ્સો ગણતું નથી એટલે ભારતીય પાસપોર્ટ મુજબ ત્યાંના રહીશોને વિઝા આપતું નથી. સ્ટેપલ વિઝા વડે કાશ્મીરના ભારતથી અલગ તારવવાનો ચીનાઓનો આ રવૈયો ભયજનક છે. ચીન છેલ્લા કેટલાક સમયથી ભારત પ્રત્યે આક્રમક વર્તાય છે.
એ ભારત કરતાં પાકિસ્તાનને સવાયું પડોશી ગણે છે. હિન્દી-ચીની ભાઈ-ભાઈ વાળી વાત હવે હવામાં ઊડી ગયેલ છે. આ વિઝા પ્રકરણને કારણે બંને દેશો વચ્ચે નવેસરથી તણાવ ઊભો થયો છે. થોડા સમય પહેલાં તેણે ભારતીય સરહદ પર આધુનિક મિસાઈલ સીએસએસ-ફાઈવ ગોઠવી હતી. બ્રહ્નપુત્રા પર બંધ બાંધીને ભારતમાં આવતું પાણી રોકે છે. એવરેસ્ટની નજીકમાં એણે એરબેઝ બનાવ્યું છે. અમેરિકી સૈન્યના મુખ્યમથક પેન્ટાગોને તાજેતરમાં કહ્યું હતું કે ભારત-ચીન સરહદે તણાવ વધી રહ્યો છે. પૂર્વોત્તર વિસ્તારોમાં ચીનના ઊંબાડિયાં નવાં નથી. છેલ્લા બે દાયકામાં લેહ-લડાખ ને પૂર્વોત્તર વિસ્તારોમાં ચીને ભારતની ઘણી બધી જમીન પચાવી પાડેલી છે. તિબેટના મુદ્દે પણ એ ભારત પ્રત્યે નારાજગી દેખાડતું રહ્યું છે.
પીઓકેમાં પણ ચીનની સક્રિયતા વધી રહી છે. અકસાઈ વિસ્તારને તો એ પોતાના પિતાશ્રીની જાગીર જ માને છે. ચીનની સીધી સ્પર્ધા અમેરિકા સાથે છે. ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર સહિતની વધેલી ઘનિષ્ઠતા એને પસંદ નથી. એટલે એ પાકિસ્તાન જોડે વધુ ઘરોબો કેળવીને દ.એશિયામાં ભારત સામે મોરચાબંધી ઊભી કરે છે. ભારત સાથે વિઝાના મામલે સંબંધો વધુ વણસાવીને ચીન પોતાની આણ પ્રવર્તાવવા માગે છે. પાક, નેપાળ, બાંગ્લાદેશ વગેરે તમામ પડોશીઓને ભેગા કરીને ચીને ભારત સામે મોરચાબંધી ખોલી છે ત્યારે ભારતે ચીનના ડ્રેગનનો અસલ ચહેરો ઓળખી લેવાની જરૂર છે. ચીનના પેંતરાઓમાં ફસાય નહીં એવી સજ્જડ નીતિ ભારતે અખત્યાર કરવાની જરૂર છે.