Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Kanti Bhatt
 

કાંતિ ભટ્ટ: ગાંધીજીની ખાદી અને ગ્રામીણ અર્થતંત્ર ભુલાયાં!

 
Source: Bussiness Gatheria, Kanti Bhatt   |   Last Updated 12:24 AM [IST](10/10/2011)
 
 
 
 
 
ગાંધીજી ખાદી ગ્રામોદ્યોગ બાબતમાં ૧૯૨૦ના દાયકામાં વ્યવહારુ હતા તેના કરતાં આજે ભારતમાં ખાદી ગ્રામોદ્યોગ ગ્રામીણ જ નહીં પણ ૨૧મી સદીમાં શહેરી ઉદ્યોગ તરીકે સેલ્ફ એમ્પ્લોઈડ ઉદ્યોગ તરીકે વ્યવહારુ બની શકે તેમ છે.

આ લેખ દશેરાને દિવસે ગાંધીજીના જન્મદિવસ ઉજવાયા પછીના પાંચમે દિવસે લખું છું. ગોડસેની ગોળી ખાઈને ગાંધીજીના મોંમાં તેના ભક્તોએ ‘હે રામ’ શબ્દ મૂક્યો તે રામે સીતાજીને છોડાવવા શ્રીલંકા જઈને અહિંસા વ્રત લઈને ઉપવાસ કર્યા નહોતા. દક્ષિણ આફ્રિકાની ફર્સ્ટ કલાસની ટ્રેનમાંથી સૂકલકડી પોરબંદરનાં વણિક કુટુંબના સોલિસિટરને અંગ્રેજે ફેંકી દીધા. તે વખતે મોતીલાલ નહેરુ જેવા અખાડિયનને કે સુભાષ બાબુને ફેંક્યા હોત તો મોતીલાલ નેહરુ કે સુભાષબાબુએ અંગ્રેજ બચ્ચાને તેની માનું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હોત. જોકે આજે મોડે મોડે ગાંધીજીને યાદ કરવાનાં મારા બે કારણો છે કારણ હું ગાંધીજીના ગ્રામીણ અર્થતંત્રનો ચાહક છું.

એક તો તે દિવસે પંડિત નેહરુના અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા તેનો જન્મદિવસ પણ હતો. ગાંધીજીની અહિંસા અને બ્રહ્નચર્ય અવ્યવહારુ હતા પણ લાલબહાદુર શાસ્ત્રીની નમ્રતા અને સહિષ્ણુતા વ્યવહારુ અને માનવીય હતા. આજે સતત ગરીબી રેખાની વાતો થાય છે. ઉપરાંત દરરોજ વિદેશી દવા કંપનીઓના ભારત ઉપર આક્રમણ થાય છે તેની વાતો કરાય છે પણ ત્યારે ગાંધીજીની જે વ્યવહારુ વાતો હતી તે નિસર્ગોપચાર અને ખાસ કરીને ગ્રામોદ્યોગ અને ચરખાને તો કોઈ યાદ જ કરતું નથી.

ખરેખર તો અહિંસા અને બ્રહ્નચર્ય એ બન્ને આદર્શો રાજકારણનો વિષય નથી. તે વ્યક્તિગત કેળવવાના ગુણો છે અને ગાંધીજીના કહ્યે અને અહિંસાથી સ્વરાજ આવ્યું નથી. તેમની અહિંસાએ ભાગલા પડાવ્યા તેમાં દસ દસ લાખ હિન્દુ-મુસ્લિમોની કતલો થઈ. હિન્દુઓની વધુ તે રીતે જાપાનને અમેરિકાએ અહિંસાથી નહીં પણ બે અણુબોમ્બથી શરણે કર્યું. આજે એ ગાંધીજીના હિન્દુસ્તાનમાં તમામ વડાપ્રધાનો અને ખાસ તો ડૉ.. મનમોહનસિંહ ભારતને ખૂબ ખૂબ શસ્ત્રસજ્જ બનાવ્યું છે. શસ્ત્રઉદ્યોગમાં મંદી આવી નથી.

ગુટકા-તમાકુ કે સિગારેટનું વ્યસન કોઈ સરકારી હુકમથી છુટે નહીં. તે અંગત ટેવ છે. કાં માણસના સંકલ્પથી છુટે કાં તેની પત્ની ઉપવાસ કરે અને ઘરમાં સિગારેટ કે ગુટકાનાં પડીકા ન રાખવા દે તો વ્યવહારુ વાત બને. આપણે ગાંધીજીની જે ખૂબ વ્યવહારુ વાત છે તે ગ્રામોદ્યોગ અને ખાદીને કોઈ યાદ કરે છે? ‘માસ હિસ્ટિરિયા’એ મનોવિજ્ઞાનીઓએ કોમનમેનની ઘેલછા કે ગાંડપણ માટેનો શબ્દ ગણ્યો છે. પણ હજી ઓક્ટોબર આવે એટલે ગાંધીજીની અહિંસાને વખાણવાનો વિદ્વાન કટાર લેખકોનો માસ હિસ્ટિરિયા દૂધના ઉભરાની જેમ આવે છે પણ ૩૬૪ દિવસ શબ્દો અને કર્મોમાં સતત હિંસાનો આશરો લે છે.

માત્ર અને માત્ર અન્ના વર્કી નામની પત્રકાર-લેખિકા જે ૯૦ વર્ષની છે તેણે ગાંધીજીના ચરખા અને ખાદીને યાદ કર્યા. અન્નાબહેને મુંબઈનાં સ્મરણો યાદ કરીને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા ‘ખાદી ભંડાર’ને યાદ કર્યો. એ ખાદી ભંડાર સ્વરાજ પહેલાં વ્હાઈટવે એન્ડ લેડલો સ્ટોર તરીકે ઓળખાતો. બ્રિટિશ નૌકાદળ કે બીજાં દળોને સસ્તાં વિદેશી બનાવટનાં કપડાં અને ભારતમાં બનેલાં સિલ્કને ખરીદવા માટે જ બ્રિટિશરોએ આ સ્ટોર ઊભો કર્યો હતો.

તે સ્વરાજ પછી ગાંધીસેવકોના હાથમાં અને ખાસ કરીને મુંબઈ બેટના પૂર્વ પ્રધાન શાંતિલાલ શાહના હાથમાં આવ્યો. આ સ્ટોરમાં ભારતભરમાં બનતી ખાદી અને હસ્તઉદ્યોગની જ ચીજો વેચાતી. જે ૧૦૦ની નોટના ખૂણામાં ગાંધીજીની તસ્વીર હોય તે જ સ્વીકારાતી. માત્ર અણ્ણા હજારેએ ટૂંક સમય માટે સ્વદેશી ભાવનાથી નહીં પણ એક સ્ટંટ તરીકે લોકોને ગાંધી ટોપી પહેરતા કર્યા ત્યારે તો ટોપીની ડિમાન્ડ એટલી વધી પડી કે ખાદીની ટોપી ખૂટી પડતા મિલના કાપડની ટોપીનો વકરો વધી ગયો! આજે માત્ર પ્રદર્શન પૂરતા ખાદીના ત્રિરંગા ૧૫ ઓગસ્ટે કે ૨૬ જાન્યુઆરીએ વેચાય છે.

કર્ણાટકના ખાદી ગ્રામોદ્યોગ મંડળના એસ. વી. સોમનાથ કહે છે કે ૧૫ ઓગસ્ટે ૭૫ લાખ ખાદીના ત્રિરંગા વેચાયા. એ પહેલાં કોમનવેલ્થ ગેમ્સ વખતે મુંબઈના દલવીર સિંઘે ૧ લાખ ખાદીના ત્રિરંગા વેચેલા. બસ. મુંબઈની આઈઆઈટીએ ગાંધીજીની ખાદીને માત્ર એક ફેશનેબલ શો તરીકે અપનાવીને તે દિવસે ૩૦૦૦ ટોપીનો ઓર્ડર શુદ્ધ ખાદી ભંડારવાળા જ્ઞાનેશ્વર રાજારામને આપ્યો. તેટલી ખાદીની ટોપી નહોતી એટલે ૧૫૦૦ ટેરીકોટની ટોપીનો ગાંધીકેપને નામે ધંધો થયો! શુદ્ધ ખાદીની ટોપી R ૫૦ની હતી અને ટેરીકોટની અરધા ભાવે મળતી હતી.

ગાંધીજી ખાદી ગ્રામોદ્યોગ બાબતમાં ૧૯૨૦ના દાયકામાં વ્યવહારુ હતા તેના કરતાં આજે ભારતમાં ખાદી ગ્રામોદ્યોગ ગ્રામીણ જ નહીં પણ ૨૧મી સદીમાં શહેરી ઉદ્યોગ તરીકે સેલ્ફ એમ્પ્લોઈડ ઉદ્યોગ તરીકે વ્યવહારુ બની શકે તેમ છે. પણ ઊલટાના આપણે તો અમેરિકનો કરતાંય વધુ ગ્લોબલાઈઝ્ડ થઈ ગયા છીએ. ગાંધીજીને આપણે ગુજરાતના ગાંધીજી તરીકે ઓળખાવીને ખોટો યશ લઈએ છીએ. જાણે ખાદી એ કોંગ્રેસનો જ એજન્ડા હોય તેમ ગુજરાતમાં ભાજપ ખાદીને તો જાણે અસ્પ્úશ્ય ગણે છે.

અરે! કેટલા ગુજરાતના કોંગ્રેસી ખાદી પહેરે છે? ઊલટાનું કેરળની કમ્યુનિસ્ટ સરકાર ખાદીને ઉત્તેજન આપતી. કેરળમાં હવે ૨૦૦૦૦ મહિલા કારીગરો જે ‘પોવર્ટી લાઈન’ નીચે જીવે છે તેને કેરળે ખાદીના ઉદ્યોગમાં જોતરી છે. મુખ્ય પ્રધાને પરિપત્ર બહાર પાડેલો કે તમામ સરકારી મલયાલી કર્મચારી સપ્તાહમાં એક વખત તો ખાદી પહેરે જ. નરેન્દ્ર મોદીએ આનું અનુસરણ કરવા જેવું છે.

કેરળની છ સ્કૂલમાં વિદ્યાર્થીને ખાદીનાં યુનિફોર્મ પહેરવાની ફરજ છે. સરકારે લાખોની રકમ ખર્ચીને કન્નુર, કસરગોડ, કોટ્રાયમ વગેરે જિલ્લાના ૬૦૦ જેટલા ખાદી ગ્રામોદ્યોગનાં કેન્દ્રો ખોલ્યાં છે અને ટ્રેજેડી જુઓ કે ગાંધીજીએ જ્યાં તંદુરસ્તી માટે આગાખાન પેલેસમાં ડૉ.. દીનશા મહેતા પાસેથી નિસર્ગોપચાર શીખેલો તે આગાખાન પેલેસમાં ૨૦ હેન્ડલુમની શાળો (લુમ્સ) અને ૩૦ ચરખા બિચારા ધૂળ ખાતા પડ્યા છે!

બિઝનેસ ગઠરિયા, કાંતિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.