આ ભ્રષ્ટ આચરણ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંગિઠત રાષ્ટ્ર સાથે વિશ્વાસઘાત થયો છે. ભ્રષ્ટાચાર ડામવા માટે મજબૂત લોકપાલ બિલ લાવવાનું વચન કરી રહેલા સાંસદો પથભ્રષ્ટ થઈ ગયા છે. લોકલાગણીને નર્મિમતાથી ભાવહીન કરી દેવાનો આ પ્રયાસ થયો છે.
આ ભ્રષ્ટ આચરણ છે. સરકારના બેવડાં ચરિત્રનું આચરણ છે. વિપક્ષોની વિચારશૂન્યતાનું પણ આ આચરણ છે. આ એવા સાંસદોનું ભ્રષ્ટ આચરણ છે, જેમણે સત્તામાં રહીને લોકપાલ કાયદાને યોજનાબદ્ધ ષડયંત્રમાં બદલી નાખ્યું. આ સાંસદોએ તેમની સુવિધા, સુરક્ષા અને સ્વાર્થ માટે તેને દાંત વગરનું, શ્રીહીન અને દીનહીન બનાવી દીધું. વિપક્ષના સાંસદોએ તેને પોતાના સ્વાર્થ અને મનની મરજીને કારણે સુધારાના પહાડ હેઠળ કચડી નાખ્યું.
આ ભ્રષ્ટ આચરણ છે ૧૨૧ કરોડ નાગરિકોને ઓછામાં ઓછા છ મહિના પાછળ ધકેલી દેવા માટેનું. આ તમામ નિર્ણયોને અટકાવવાનું, જે દેશને આર્થિક સંકટ સામે લડવાની તાકાત આપી શકયા હોત. એ તમામ કામકાજ છોડવાનું, જેનાથી આર્થિક સુધારાનો બીજો અને અસરકારક તબક્કો શરૂ થઈ ગયો હોત.
આ ભ્રષ્ટ આચરણ છે. દેશની પ્રગતિને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાનું. દેશને છેલ્લા છ મહિનાથી માત્ર શકિતશાળી લોકપાલ કાયદો લાવવાની છેતરપિંડીમાં ગૂંચવી રાખવાનું. આ વરચે જીડીપી દર નબળો કરવાનું. કષિ ઉત્પાદન ઘટવા દેવાનું. ઔધાગિક ઉત્પાદનને રસાતાળે મોકલવાનું અને મોંઘવારીથી સામાન્ય માનવીના સપનાને ચૂર ચૂર કરી દેવાનું. ભયાનક ભ્રષ્ટ આચરણ છે આ બધું.
આ આપણી, સ્વયં ચૂંટેલી સરકારનું આચરણ છે. આપણા હાથે સંસદમાં પહોંચેલા એકેએક સાંસદનું. વડાપ્રધાન લોકપાલના કાર્યક્ષેત્રમાં રહેશે, પૂરા રહેશે, અડધા રહેશે, શરતી રહેશે, એ તો નક્કી થઇ રહ્યું છે. સીબીઆઇ લોકપાલના કાર્યક્ષેત્રમાં રહેશે, કહેવાથી તપાસ કરશે કે નહીં કરે- એ પણ નક્કી થઇ રહ્યું છે. માત્ર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ લોકપાલના કાર્યક્ષેત્રમાં હશે કે ૧૦૦ ટકા સરકારી કર્મચારી, એ પણ નક્કી થઇ રહ્યું છે. લોકપાલને કેટલા નબળા બનાવવા તે નક્કી કરવાની તો હોડ ચાલી છે. પરંતુ અમારા મતથી સંસદમાં બેસીને અમારા પર રાજ કરી રહેલા આ બધા નેતાઓના આવા ભ્રષ્ટ આચરણને અમે કયા પરિપે યમાં લાવીએ? કેવી રીતે નક્કી કરીએ?
સમસ્યાએ જ છે, જેના વિશે બે શબ્દોમાં પહેલાં પણ વાત થઇ હતી. શું સરકાર, શું વિપક્ષ, એક અપવિત્ર ગઠબંધન ઊભું થઇ ગયું છે. જનતા સીધી સરકાર ચલાવી શકતી નથી. જનતાએ સરકાર પસંદ કરતા પહેલાં જ આ નક્કી કરવું પડશે કે, તે યોગ્યને જ પસંદ કરે. કારણ કે એ જે એક મત છે, એ જ ૧૨૧ કરોડ લોકોનું ભવિષ્ય લખી નાખે છે.
જો કે, ગુરુવારે રાજયસભામાં જે નિર્લજજતાની સાથે આ મતરૂપ ભરોસો તોડવામાં આવ્યો છે, તેનાથી ન તો હકીકત બદલાઇ શકે છે, ન તો આવા બિનજવાબદાર સાંસદોનું ભાગ્ય. સમગ્ર રાષ્ટ્રે પોતાની ભાવનાઓને આવું ક્રૂર મજાક બનતા જોયું છે. આંખો બંધ કરી લેવાથી તોફાન પરત થઇ જતું નથી. એટલે કે, ભ્રષ્ટ નેતા સંભાળીને રહે, જનાક્રોશનું તોફાન આવવાનું નક્કી છે.