તમને ૧૦૪ ડિગ્રી તાવ હોય, આંખોમાંથી પાણી આવતું હોય અને કોઈ તમને કહે કે તમારે કોઈનો પીછો કરવાનો છો તો તમને તે અમાનુષી લાગશે. આવો જ તાવ જો કોઈ સેલિબ્રિટીને આવ્યો હોય તો આપણે તેના નખરાની કલ્પના કરી શકીએ. એક દ્રશ્યની કલ્પના કરીએ તો ન્યૂઝિલેન્ડના વેલિંગ્ટનનું લોકેશન હતું, જ્યાં ઋતુ ખૂબ જ ઠંડી હોય છે.
ત્યાં એક દ્રશ્યનું શુટિંગ ચાલતું હતું, જેમાં બોમ્બ ધડાકાની સાથે સાથે કેટલાક લોકોનો પીછો કરવાનો હતો. આવા ખતરનાક શુટિંગ માટે પરવાનગી લેવી પડે છે, કારણ કે આ એક શાંતિપ્રિય દેશ છે. અહીંયા તમે તેના પ્રધાનમંત્રીને પણ સાઈકલ લઈને રસ્તા પર જતા જોઈ શકો છો. જ્યારે ફિલ્મના યુનિટે આ બાબતે સ્થાનિક પ્રશાસનને વાત કરી તો તેમણે મને-કમને પરવાનગી આપી પણ માત્ર બે જ દિવસની કારણ કે તેના માટે ટ્રાફિક પણ રોકવો પડે તેવો હતો.
આ સિવાય તેમણે એક હવાઈપટ્ટી પણ બુક કરી હતી અને તેના માટે પણ અનેક કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કરી હતી. નિર્માતા આ બધી મંજુરીની સાથે એ વાતથી પણ ખુશ હતા કારણ કે ત્યાં રાત્રે નવ વાગ્યા સુધી સુર્યનો પ્રકાશ આવે છે. આ ફિલ્મ અબ્બાસ મસ્તાનની ‘પ્લેયર્સ -ગો ફોર ગોલ્ડ’ છે, જે હોલિવૂડની જાણીતી ફિલ્મ ‘ધ ઇટાલિયન જોબ’નું દેશી સંસ્કરણ છે. આ ફિલ્મમાં મહત્વના સમયે તેમાં ખાસ રોલ કરી રહેલી સોનમ કપૂર બીમાર પડી ગઈ અને તેને ૧૦૪ ડિગ્રી તાવ હતો. તેની હાલત બગડેલી જોઈને સાંજે સાડા પાંચે તેને હોટેલ પર પાછી મોકલી દેવામાં આવી. લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે તાવ તેનો ઉતરી જાય કારણ કે આવા દેશમાં શૂટિંગની પરવાનગી ખૂબ જ મુશ્કેલીથી મળે છે. સોનમે તબિયત ખરાબ હોવા છતાં શુટિંગ પૂરું કર્યું.
ફંડા એ છે કે, કોઈ પણ વ્યક્તિ એવા જ કર્મચારીઓ પસંદ કરશે જે પોતાના કામને વધારે પ્રાધાન્ય આપે છે અને ખાસ કરીને બીજા દેશમાં અચાનક આવેલી સમસ્યા સામે પોતાનાથી બનતું કરવા પ્રયત્ન કરે છે. જો તમે તમારા શરીરને વધારે કામમાં વ્યસ્ત રાખશો તો તમારી સાથે કંઈ ખોટું નહીં થાય. હા, જો કોઈ દુર્ઘટના થઈ હોય અને તેમને કોઈ નુકસાન થાય તેની તકેદારી રાખવી જોઈએ.