જોની વોકર વિશ્વપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણની જ કૃતિ લાગતા હતા. આપણા સૌની અંદર એક કાર્ટૂન-ચિત્ર છુપાયેલું છે, પરંતુ જીવનની હાડમારીમાં આપણે તેને
કેરીકેચર બનાવી દઈએ છીએ, જે બદરૂદ્દીન કાઝીએ ક્યારેય થવા દીધું નહીં.
એક પાકા મુસ્લિમ હોવાને ધોરણે જોની વોકરે જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી, પરંતુ દારૂડિયાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે.
અગિયારમી નવેમ્બર ૧૯૨૬ના રોજ ઇન્દોરની કાપડ મીલના એક મજુરના ઘરે પુત્રનો જન્મ થયો. જેનું નામ રાખવામાં આવ્યું બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી. પંદર લોકોના પરિવારના એકમાત્ર કમાણી કરતી વ્યક્તિની નોકરી જતી રહેવાથી પરિવાર મુંબઈ આવો ગયો, જ્યાં યુવાન બદરૂરદ્દીનને બસ કંડકટરની નોકરી મળી ગઈ. અભિનેતા, લેખક બલરાજ સાહનીએ આ મજાકિયા બસ કંડકટરની મુલાકાત પોતાની વાર્તા પર બનનારી ફિલ્મ ‘બાઝી’ના નિર્દેશક ગુરુદત્ત સાથે કરાવી.
ગુરુદત્ત સામે બદરૂદ્દીને દારૂ પીધેલા વ્યક્તિનો એવો અફલાતૂન અભિનય કર્યો કે તેમણે આ યુવાનને જાણીતી દારૂની બ્રાન્ડ ‘જોની વોકર’ના નામ સાથે ફિલ્મમાં પ્રસ્તુત કર્યો. અહીં ઉલ્લેખનીય છે જોની વોકર પછી તો એકદમ ગંભીર સ્વભાવ ધરાવતા ગુરુદત્તના સૌથી નજીકના મિત્ર બની ગયા. શું આ દોસ્તી પાછળનું મુખ્ય કારણ એ હતું કે ગુરુદત્ત જોની વોકરની જેમ વાત-વાત પર હસવા માગતા હતા અને હદ કરતાં વધુ દારૂ પીધા બાદ પણ તેઓ જોની વોકરની જેમ મસ્ત થઈ શકતા ન હતા.
એક પાકા મુસ્લિમ હોવાને ધોરણે જોની વોકરે જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી પરંતુ દારૂડિયાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. જોની વોકર એટલા પ્રખ્યાત થયા કે દરેક ફિલ્મમાં તેમના પર એક ગીત ફિલ્માવાતું અને કેટલાક નિર્માતાઓએ તો તેમને નાયક તરીકે લઈને ‘છુમંતર’, ‘જોની વોકર’ અને ‘મિ. કાર્ટૂન એમ.એ.’ ફિલ્મો પણ બનાવી હતી.
એ વાતને અભિનય ક્ષેત્રની કમાલ જ કહી શકાય કે એક અભણ વ્યક્તિને એમ.એ. પાસનું પાત્ર મળી ગયું અને તેમણે તેમાં એવા પ્રાણ પૂર્યા જાણે કે તેઓ યુનિવર્સિટીમાં જ જન્મ્યા હોય. જોની વોકર વિશ્વપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણની જ કૃતિ લાગતા હતા. હકીકતમાં તેઓ એક સામાન્ય ગરીબ માણસની છબી પ્રસ્તુત કરતા હતા. આપણા સૌની અંદર એક કાર્ટૂન-ચિત્ર છુપાયેલું છે પરંતુ જીવનની હાડમારીમાં આપણે તેને કેરીકેચર બનાવી દઈએ છીએ, જે બદરૂદ્દીન કાઝીએ ક્યારેય થવા દીધું નહીં. સુપરસ્ટાર જેવી પ્રસિદ્ધિ અને ધનવર્ષા બાદ પણ તેઓ હંમેશાં સરળ અને અહંકાર વગરના માણસ રહ્યા.
તેમણે ૧૯૫૫માં નૂર સાથે લગ્ન કર્યા હતા. ગુરુદત્તની ફિલ્મ ‘મિ. એન્ડ મિ. ૫૫’ના સેટ પર બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી. જોની વોકરે હાસ્ય માટે ક્યારેય પણ દ્વિઅર્થી સંવાદ બોલ્યા નથી, ક્યારેય અશ્લીલ હરક્તો કરી નથી. તેમનાં પ્રેમદ્રશ્યો પણ મર્યાદામાં ભજવેલા રહેતા હતા. અહીં એ વાત પણ ધ્યાન આપવા જેવી છે કે બધા જ હાસ્યકલાકાર ગરીબ ઘરમાંથી જ આવ્યા છે, કેમકે હસવા-હસાવવાની તાકાત જ ગરીબનો એકમાત્ર આશરો છે.
તેમના પર ફિલ્મવાયેલા ગીત ‘યે બંબઈ હે મેરી જાન’ અને ‘સર જો તેરા ચકરાયે’ તથા આજે પણ લગ્નના બેન્ડમાં ગવાતું ગીત ‘મેરા યાર બના હૈ દુલ્હા’ ખૂબ જ લોકપ્રિય થયા હતા.
ગીત ‘સર જો તેરા ચકરાયે’ પાછળ એક રસપ્રદ વાત જોડાયેલી છે. વાત એમ છે કે ફિલ્મ ‘પ્યાસા’ના નિર્માણ દરમિયાન ગુરુદત્ત અને જોની વોકર કોલકાતા ગયા હતા. અહીં તેઓ એક ચાની કિટલી પર સવારે નાસ્તો કરવા બેઠા હતા ત્યાં જ તેમણે એક વ્યક્તિને માથામાં તેલ ચંપી કરતાં જોયો. ગુરુદત્તે જોની વોકરને આ ર્દશ્યને પોતાના મગજમાં ઉતારી લેવા જણાવ્યું હતું. એ પછી તો આપ સૌ જાણો જ છો કે જોની વોકરે આ ગીતમાં એવી કમાલ કરી હતી કે આખું ગીત લોકજીભે ચઢી ગયું હતું.
હાસ્યમાં જ્યારે અશ્લીલતાનો પ્રવેશ થયો તો તેમણે ફિલ્મોમાં કામ કરવાનું જ છોડી દીધું. કમલ હસનની ફિલ્મ ચાચી ૪૨૦ (૧૯૯૭) તેમની છેલ્લી ફિલ્મ હતી.