સ્વામી માધવાચાર્યજીએ વૃંદાવનમાં રહીને ગાયત્રી સાધના શરૂ કરી. સ્વામીજી અત્યંત મનોયોગ અને વિશુદ્ધ ભાવથી સાધના કરતા હતા. ૧૩ વર્ષ સુધી તેમની ગાયત્રી સાધના ચાલતી રહી. જોકે આટલો લાંબો સમય પસાર થવા છતાં કોઈ ચમત્કાર દેખાયો નહીં. સ્વામીજી નિરાશ થઈ ગયા. પછી કોઈની સલાહ લીધી અને વારાણસી ગયા. ત્યાં એક અઘોરીને પોતાની સમસ્યા જણાવી. અઘોરીએ કહ્યું કે હું તમને જણાવું તે રીતે સાધના શરૂ કરી દો એક જ મહિનામાં ચમત્કાર જોવા મળશે.
માધવાચાર્યજીએ અઘોરીએ બતાવેલી વિધિથી સાધના શરૂ કરી. એક મહિના પછી સ્વામીજીને અવાજ સંભળાયો કે હું તારી સાધનાથી પ્રસન્ન છું, વરદાન માગ. સ્વામીજીએ દર્શન આપવાની પ્રાર્થના કરી, પણ અવાજ આવ્યો કે હું તારી સમક્ષ નથી આવી શકતો કારણ કે તારા મુખમંડળ પર ગાયત્રી સાધનાનું તેજ છે. તેની સામે હું ટકી શકું તેમ નથી.
માધવાચાર્યજી બોલ્યા, જો એવું છે તો તમે મને જણાવો કે મેં તેર વર્ષ ગાયત્રી સાધના કરી, પરંતું કોઈ ચમત્કાર કેમ ન થયો? અવાજ આવ્યો કે અત્યાર સુધીની સાધના અત્યાર સુધીના પ્રારબ્ધને કાપવામાં પસાર થઈ ગઈ. હવે આગળ સાધના કરવાથી ઇચ્છિત પરિણામ મળશે.
આ સાંભળીને માધવાચાર્યજી પાછા વૃંદાવનમાં ગાયત્રી સાધના કરવા લાગ્યા અને સાધનાથી પ્રાપ્ત શક્તિથી તેમણે ‘માધવ નિદાનમ્’ નામનો આયુર્વેદનો દુર્લભ ગ્રંથ લખ્યો. કથાનો સાર એટલો જ છે કે એકનિષ્ઠ થઈને સાધના કરવાથી તેનું પ્રતફિળ અવશ્ય મળે છે. જરૂર છે તો માત્ર ધૈર્ય રાખવાની.