મનને જે જે વસ્તુઓ પસંદ છે તેમાંની એક છે બેઈમાની. તેમાં પણ નવી નવી રીતની બેઈમાનીઓ શોધવામાં મજા આવે છે. મનુષ્યની અંદર ખોટી બાબત પ્રત્યે જે પ્રોત્સાહન હોય છે તે મન દ્વારા જ આપવામાં આવેલું હોય છે. મનની આકાંક્ષાઓ મનુષ્યની મહત્વાકાંક્ષાઓ બની જાય છે અને અતિ મહત્વાકાંક્ષી વ્યક્તિ અયોગ્યની પસંદગી કરવામાં સંકોચ નથી કરતી. મનને નવીનતામાં પણ રસ છે. કેટલાક લોકોનો સ્વભાવ હોય છે કે વસ્તુની ઉપયોગીતા કરતાં તેની નવીનતા તેમને વધારે ગમે છે.
બિનજરૂરી ખર્ચનું આ ઉત્તમ ઉદાહરણ છે. વર્તમાન ઉદાહરણની વાત કરીએ તો આજના જમાનામાં મોબાઈલ રાખવો અને તેને બદલતા રહેવું તે જરૂરિયાત કરતાં લેટેસ્ટની બાબત વધારે છે. મન આ જ શૈલીમાં સંબંધો અને સિદ્ધાંતો પર કામ કરે છે. જે લોકો મનની રુચિ પર ચાલે છે તે સંસારમાં ટકી જાય છે. સંસારની દોડ એ પરિવર્તનની બાબત છે. આપણે જેવા અંદર ઉતરીએ છીએ તેમ મનને અધ્યાત્મ સાથે જોડાવાનો ક્રમ શરૂ થાય છે.
હવે મન તરફડે છે. તેના કારણે જ સમજુ ભકતો મનની નવીનપ્રિયતાને જાણીને અંદર જ નવી નવી વસ્તુઓ આપે છે. અંદર ઉતરીને જ્યારે આપણે જુની વસ્તુઓ દૂર કરીએ છીએ ત્યાંથી ચેતના જાગૃત થઈ જાય છે. નવી નવી કથાઓ સાંભળવી, સતત ધ્યાન કરવું તે આપણી અંદર રહેલા આપણા અતીતના ભારથી આપણને મુકત કરે છે. હવે મનને કંઈક નવું જોઈએ છે. જો તેને આ વસ્તુ અંદર જ મળી જાય તો તે બહાર શોધશે નહીં. ઈશ્વરની ખાસિયત પણ છે કે તે દરરોજ નવો જ હોય છે. તેનું નામ જ જિંદગીની તાજગી છે.