આપણી અંદર બે વાતોનો સંઘર્ષ ચાલતો રહે છે- હિંસા અને અહિંસા. બહારથી આપણે ભલે પ્રદર્શિત ન કરીએ પરંતુ અંદરને અંદર ક્યારેક આપણે એટલા હિંસક બની જતાં હોઈએ છીએ કે જો તેના પર અમલ કરવા લાગીએ તો કદાચ કાયદાના દાયરામાં આવી જઈએ અને સજા ભોગવવી પડે. અહિંસા અને હિંસાની આ વૃત્તિ આપણને શાંતિ અને અશાંતિ તરફ લઈ જાય છે. આજકાલ કોઈ પણ કામ સરળતાથી થઈ જવું કપરું છે. આથી આપણા હિંસક બની જવાની સંભાવના બની રહે છે અને જો જીવનનો ઉદ્દેશ્ય મેળવવો હોય તો આપણી અંદરની હિંસાને નિમૂgળ કરવી પડશે.
આપણે હિંસક બનીએ ત્યારે આપણી અંદરની ક્રિયાઓ પણ પ્રભાવિત થતી હોય છે. આવા સંજોગોમાં આપણી સાથે સંકળાયેલા લોકો સાથેના આપણા સંબંધો ખરાબ થતાં તેઓ પણ આ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગે છે. કુલ મળીને બધી જ ઊર્જા જે રચનાત્મક કાર્યમાં લાગવી જોઈએ, ત્યાંથી ખસીને બીજી બાબતોમાં લાગી જાય છે. આપણે અંદરથી જેટલા અહિંસક રહીશું, શાંત રહીશું, એટલો જ સારો પ્રભાવ આસપાસના લોકો પર નાખીશું.
આપણી અશાંતિ બીજાના શરીર પર આપણો પ્રભાવ રાખે છે અને આપણી શાંતિ બીજાની ચેતના પર અસર નાખતી હોય છે. અશાંતિ સમય, ઊર્જા અને સંબંધ ત્રણેનો નાશ કરે છે તથા શાંતિ આ ત્રણેયને મજબૂત કરે છે, કેમ કે પ્રકૃતિનો મૂળ સ્વભાવ જ શાંત રહેવાનો છે. આથી કુદરત સાથે જોડાયેલા રહીએ, છોડ-ઝાડમાંથી ઊર્જા મેળવતા રહીએ અને આપણી આજુબાજુના વાતાવરણમાંથી એ શાંતિને ફેલાવતા રહીએ.