આઝાદીની લડાઈ જોર પકડી રહી હતી તે સમયની વાત છે . એક બાળક પોતાના ઘરથી દૂર એક શહેરના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો હતો. તેનાં માતા-પિતા ખૂબ જ ગરીબ હતાં. ઘરની આવક કરતાં ખાનારા લોકોની સંખ્યા વધારે હતી. છતાં બાળકની અભ્યાસ પ્રત્યેની રુચિ જોઈને તેનાં માતા-પિતા તેને ભણવાની ફી અને અન્ય ખર્ચ પેટે આઠ રૂપિયા મોકલતાં હતાં. બાળક ઘરની દયનીય સ્થિતિને સારી રીતે જાણતો હતો.
તે આત્મનિર્ભર થવા માગતો હતો. તેને આ પ્રકારની મદદ ખૂબ જ ખૂંચતી હતી. તેને એક વિચાર આવ્યો. તે દિવસમાં એક જ વખત ભોજન કરતો અને રાત્રે વીજળીના થાંભલા નીચે બેસીને અભ્યાસ કરતો. આ રીતે આઠ રૂપિયામાં પણ બચત કરવાની શરૂઆત કરી, જેમાંથી તે પુસ્તકો ખરીદતો હતો. તેની મહેનતને લીધે કોલેજમાંથી શિષ્યવૃત્તિ મળવા લાગી. તે દિવસથી તેણે ઘરેથી નાણાં મંગાવવા બંધ કર્યા.
ઉપરાંત તેણે બાળકોને ભણાવવાની નોકરી પણ શરૂ કરી જેનો તેને મહિને ૩૫ રૂપિયા પગાર મળતો હતો. તેણે કાયદાની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી અને આગળ જતાં તે કોંગ્રેસનો પ્રથમ હરોળનો નેતા બન્યો, જેને ગાંધીજીએ પોતાના ગુરુ માન્યા અને જીવનભર તેમનો આદર કર્યો. તે હતા ગોપાલકૃષ્ણ ગોખલે. સાર એટલો જ છે કે દ્રઢ સંકલ્પ કરનાર માટે રસ્તામાં આવતા કાંટા પણ ફૂલ બની જાય છે, તેથી મુશ્કેલીથી ગભરાઈને પ્રયત્નો છોડી દેવા ન જોઈએ.