ઇશ્વરે વાણીના સ્વરૂપે મનુષ્યને અદ્ભુત વરદાન આપ્યું છે. વાતચીત અને જ્ઞાનનું માધ્યમ બનીને વાણી મનુષ્યના વર્તમાનને ઊજળું બનાવે છે અને સોનેરી ભવિષ્યની રચના કરે છે. વાણીનો યોગ્ય ઉપયોગ કરનારી વ્યક્તિ જ જ્ઞાની કહેવાય છે અને આવી વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ બનાવીને સકારાત્મક પરિણામ મેળવે છે. રામાયણનો આ પ્રસંગ આ વાતનો જ સંકેત આપે છે. પર્વત પર બાલીના ડરને કારણે છુપાયેલો સુગ્રીવ જ્યારે શસ્ત્રધારી શ્રીરામ અને લક્ષ્મણને આવતાં જુએ છે ત્યારે એમ વિચારીને ડરી જાય છે કે આ બંને તેનો વધ કરવા માટે જ મોકલવામાં આવ્યા છે.
સુગ્રીવ આ બંનેનો પરિચય જાણવા માટે હનુમાનને મોકલે છે. હનુમાન બટુક સ્વરૂપ ધારણ કરીને શ્રીરામ અને લક્ષ્મણ સાથે વાત કરે છે. તે પોતાની મધુર વાણીથી શ્રીરામનું દિલ જીતી લે છે અને આ જ રીતે પોતાના સ્વામી સુગ્રીવની મદદ માટે પૃષ્ઠભૂમિ પણ તૈયાર કરી લે છે.
તેમના વાક્ચાતુર્યથી પ્રભાવિત થઈને શ્રીરામ વેદ-વ્યાકરણ વગેરેના જાણકાર કહી તેમનાં વખાણ કરે છે અને કહે છે કે - ‘અદ્ભુત વાણી વધ માટે તલવાર ઉઠાવેલા દુશ્મનનું હૃદય પણ બદલી નાખે છે. જે રાજા પાસે આવો દૂત હોય, તેનું કામ જરૂર સિદ્ધ થઈ જશે.’ સુગ્રીવનું આગળ જતાં કિષ્કિંધાપતિ બનવું આ વાતનો પુરાવો છે. ઉપરોકત કથાનો સાર એ છે કે જે વ્યક્તિ જેટલા જાગૃતિ સાથે પોતાની વાણીનો ઉચિત ઉપયોગ કરે છે, તેની સરેરાશમાં જ જીવનમાં ઉત્તરોત્તર સફળતા પણ પ્રાપ્ત કરે છે.