એક દિવસ એક વ્યક્તિ કોઈ સંત પાસે પહોંચ્યો. તે ખૂબ જ તાણમાં હતો. અનેક પ્રશ્નો તેના મગજમાં ચકરાવે ચઢ્યા હતા, જેવા કે, આત્મા છે? વ્યક્તિ મૃત્યુ પછી ક્યાં જાય છે?સૃષ્ટિના નિર્માતા કોણ? સ્વર્ગ-નર્કની ધારણા કેટલી સાચી અને ખોટી અથવા તો ઈશ્વર છે કે નહીં? તેને આ પ્રશ્નોના જવાબ મળતા નહોતા. તે જ્યારે સંત પાસે પહોંચ્યો તો તેણે જોયું તો અનેક લોકો સંતને ઘેરીને બેઠા હતા. સંત તેમની જિજ્ઞાસાઓનું સમાધાન ખૂબ જ શાંતિથી અને સહજ ભાવે આપી રહ્યાં હતા.
ઘણો સમય આ ક્રમ ચાલ્યો, તેમ છતાં સંતા શાંતિથી દરેકના જવાબ આપી રહ્યાં હતા. તે વ્યક્તિ અહીંયાની સ્થિતિ જોઈને વધારે પરેશાન થઈ ગયો. તેણે વિચાર્યું કે આ સંત છે તેમણે દુનિયાદારીની બાબતોમાં પડવાથી શું લાભ? ઈશ્વરનું સ્મરણ કરો, ભજન કરો, આ બુનિયાદી સમસ્યાઓમાં ફસાયેલા લોકોને ભગાડી દો? સંતનો વ્યવહાર જોઈને એમ લાગી રહ્યું હતું કે તેમને તો આ લોકોના દુ:ખ પોતાના દુ:ખ લાગી રહ્યાં છે.
આખરે તે વ્યક્તિએ તેમને પૂછી લીધું કે, મહારાજ તમારે આ સાંસારિક વાતો સાથે શું લેવાદેવા? સંત બોલ્યા, હું જ્ઞાની નથી, ત્યાગી છું અને માણસ પણ છું. તેવા જ્ઞાનનો શું અર્થ જે આટલું ઘમંડી હોય, આત્મકેન્દ્રી હોય અને પોતાના સિવાય અન્યનો વિચાર જ ન કરી શકે? એવા જ્ઞાન કરતા તો અજ્ઞાની હોવું સારું. સંતની વાત સાંભળીને તે વ્યક્તિની મુશ્કેલી પણ દૂર થઈ ગઈ. તે દિવસથી તેના વિચારો અને આચરણ બંને બદલાઈ ગયા. સાર એટલો જ છે કે જ્ઞાન ત્યારે જ સાર્થક થાય છે, જ્યારે તે લોકકલ્યાણમાં વપરાય.