દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.. રાજેન્દ્રપ્રસાદ ભાવનાઓના પ્રબળ સમર્થક હતા. તે વાણીની સાથે પોતાના આચરણમાં પણ તે બાબત પ્રગટ કરતા હતા. તેમના જીવનની એક ઘટના છે જે તેમના આ જ સ્વરૂપને રજુ કરે છે. એક વખત રાજેન્દ્રપ્રસાદ ટ્રેનમાં દરભંગાથી પટના જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી સોનપુર સ્ટેશને રોકાઈ. ત્યાંથી તેમને પહલેજા ઘાટ જવાનું હતું, જ્યાંથી સ્ટીમરમાં ગંગા નદી પાર કરીને પટના જવાનું હતું. સોનપુર એક મોટું જંકશન છે, જ્યાં ચારે બાજુથી ગાડીઓ આવે છે.
રાજેન્દ્ર પ્રસાદની ગાડી જ્યાં રોકાઈ હતી ત્યાં બીજી બાજુ છપરાથી આવેલી એક ગાડી પણ રોકાઈ હતી. મે મહિનો હતો અને સૂર્ય ધખતો હતો. છપરાથી આવેલી ગાડી આખી ભરેલી હતી. તેમાંથી જેટલા લોકો ઉતર્યા તેના કરતાં વધારે ભરાઈ ગયા. ગાડી એક્સપ્રેસ હતી અને પાંચ-દસ મિનિટમાં જવાની હતી. કેટલીક મહિલાઓ અને બાળકો પાણી માટે બૂમો મારી રહ્યાં હતાં પણ તેમની બૂમો સાંભળવા માટે ત્યાં કોઈ હતું નહીં.
રાજેન્દ્ર બાબુથી તેમનું દુ:ખ જોઈ શકાયું નહીં. તે લોટો લઈને નળ તરફ દોડ્યા અને તેમને પાણી પીવડાવવા લાગ્યા. આ દરમિયાન તેમની ગાડી ઉપડી ગઈ. તે દોડીને તેમાં બેસી તો ગયા પણ દમના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ. કથાનો સાર એટલો જ છે કે જરૂરિયાતવાળા લોકોની નિષ્કામ મદદ કરવાનો ભાવ વ્યક્તિની મોટાઈ દર્શાવે છે અને પોતાનાં કષ્ટોને બાજુ પર રાખીને અન્યને મદદ કરવામાં મોટાઈની સાથે મહાનતા પણ છતી થાય છે.