યુનાની દાર્શનિક ડાયઝનીઝ શારીરિક રીતે ઘણા સ્વસ્થ અને બળવાન હતા. પોતાના અંતિમ દિવસોમાં તેમણે બધું જ ત્યાગી દીધું હતું અને નિર્વસ્ત્ર થઈને રહેતા હતા. તે મહિનાઓ સુધી જંગલમાં ભટકતા પણ વસ્તીથી દૂર રહેતા હતા. ત્યારે તેમને કેટલાક વેપારીઓ મળ્યા. તેઓ સશસ્ત્ર હતા અને તેઓ ગુલામોનો વેપાર કરતા હતા. તેઓ નિર્ધન અને લાચાર લોકોને પકડી લેતા અને તેમને ગુલામ બનાવીને વેચી દેતા. ડાયઝનીઝને જોઈને તેમને એમ થયું કે આવો સુંદર અને બળવાન ગુલામ તો સારા પૈસામાં વેચાશે. તેમણે ડાયઝનીઝને ઘેરી લીધા અને કહ્યું કે અમે તને ગુલામ બનાવીએ છીએ.
ડાયઝનીઝે કહ્યું ઠીક છે હું ગુલામ બન્યો તમારો, પણ હું મારા મનનો માલિક છું. બોલો ક્યાં જવાનું છે? તેઓ બોલ્યા પહેલાં તને બેડીઓ તો પહેરાવી દઈએ. ડાયઝનીઝ બોલ્યા, શા માટે સમય અને શક્તિ બરબાદ કરો છો? હું ક્યાંય જવાનો નથી. તેમણે બજાર પહોંચીને ડાયઝનીઝની બોલી લગાવવાનું શરૂ કર્યું ત્યારે ડાયઝનીઝ બોલ્યા અણસમજુઓ, તમે મારી પાછળ આવ્યા છો કે હું તમારી પાછળ આવ્યો છું? કોણ કોનાથી બંધાયેલું છે? તેથી હું જાહેરાત કરું છું કે એક માલિક વેચાવા માટે આવ્યો છે.
જેણે ખરીદવો હોય તે ખરીદી લે. ડાયઝનીઝે ફરીથી તેવી બૂમ મારી. આ સાંભળીને ખરીદદારો દંગ રહી ગયા. એ દરમિયાન જ ત્યાં યુનાનના બાદશાહ સકિંદરની સવારી પસાર થઈ અને તેમણે ડાયઝનીઝને પોતાના ગુરુ માનીને તેમની સમક્ષ માથું નમાવી વંદન કર્યા. સાર એટલો જ છે કે કોઈને શારીરિક રીતે હરાવીને ગુલામ નથી બનાવી શકાતો. પ્રેમથી અધિકાર પ્રાપ્ત કરી શકાય છે, બળથી નહીં.