વર્ષ ૧૮૯૮માં કોલકાતામાં પ્લેગની મહામારી ફેલાઈ હતી. ચારે બાજુ મૃત્યુ તાંડવ મચાવી રહ્યું હતું. લગભગ દરેક ઘરની એક વ્યક્તિ તો પ્લેગના ભરડામાં હતી અને મૃત્યુનો ભોગ બની રહી હતી. કોઈએ પિતા ગુમાવ્યા તો કોઈએ મા. બીજી બાજુ કોઈએ ભાઈ ગુમાવ્યો તો કોઈએ બહેન. જે માતાઓએ સંતાન ગુમાવ્યાં તેમની સ્થિતિ તો અસહનીય હતી. આવા ભીષણ સંકટના સમયમાં રામકૃષ્ણ પરમહંસ લોકોની સેવા માટે આગળ આવ્યું.
મશિનના લોકો યથાશક્તિ તન, મન, ધનથી સેવા કરતા હતા. જોકે એક સમય એવો આવ્યો કે મશિન સામે આર્થિક સંકટ ઊભું થઈ ગયું, કારણ કે તેના આગલા વર્ષે જ મઠ માટે મશિને જમીન ખરીદી હતી. સ્વામી વિવેકાનંદ તે વખતે હિમાલય પ્રવાસે હતા અને ખૂબ જ બીમાર હતા, તેમ છતાં તેઓ મહામારી અને મશિનના આર્થિક સંકટ વિશે સાંભળીને કોલકાતા પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો મશિન દ્વારા એક મેદાન ભાડે રાખીને લોકોની સારવાર કરવા માટે કેમ્પ લગાવવામાં આવ્યો હતો.
તેમાં પણ ધનના અભાવના કારણે મુશ્કેલી થઈ રહી હતી. સ્વામીજી તરત જ બોલ્યા કે આપણે સંન્યાસી છીએ અને આપણે વૃક્ષ નીચે જ સૂવાની અને ભીક્ષા માગીને ખાવાની તૈયારી રાખવી જોઈએ તેથી મઠની જમીન વેચી દો. જમીન વેચીને અસંખ્ય લોકોનો જીવ બચાવતા સ્વામીજીએ ‘સાધુ’ શબ્દને સાચું ગૌરવ પ્રદાન કર્યું. સત્ય તો એ જ છે કે સંન્યાસ ત્યારે જ ઘટે છે જ્યારે પ્રભુસ્મરણ અને સમર્પણ સાથે માનવ માત્રની સેવાની ઉદ્દાત ભાવના તેની સાથે જોડાય છે.